ભાજપના પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા, આંખમાં અને છાતીમાં ગોળી મારી અજાણ્યા શખ્સો ફરાર

તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. આ ઘટના મોડી રાતે બની હતી. રાતે બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. 

ભાજપના પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા, આંખમાં અને છાતીમાં ગોળી મારી અજાણ્યા શખ્સો ફરાર

મૌલિક ધામેચા, અમદાવાદ: ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. આ ઘટના મોડી રાતે બની હતી. રાતે બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. 

હાલ જયંતિભાઈ ભાનુશાળીનો મૃતદેહ માળીયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કટારિયા અને સૂરબારી વચ્ચે આ ઘટના ઘટી. રાતે આ ઘટનાની બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. ટ્રેનને બે કલાક સુધી માળીય સ્ટેશને રોકી રાખવામાં આવી હતી. અજાણ્યા શખ્સો એક આંખમાં અને બીજી છાતીના ભાગે ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં. 

મૃતક જયંતિભાઈના પરિજનોને આ બનાવની જાણ કરવામાં આવી છે.  તેમના સગા સંબંધીઓ જેમ જેમ ઘટનાની જાણ થઈ તેમ તેમ તેમના નિવાસ સ્થાને ભેગા થઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે તેઓ ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

દુષ્કર્મના કેસ અંગે આવ્યા હતાં વિવાદમાં

વર્ષ 2018ના જુલાઈ મહિનામાં સુરતના વરાછા વિસ્તારની એક યુવતીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે જયંતી ભાનુશાળી ફેશન ડિઝાઇનિંગના કોર્સમાં એડમિશન અપાવવાની લાલચે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં તેની વીડિયો ક્લિપ બનાવીને તેને બ્લેક મેલ પણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાએ ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. ભાજપે જયંતિ ભાનુશાળીનું રાજીનામું પણ માંગી લીધુ હતું. 

એક ઈન્ટરવ્યુંમાં પીડિત યુવતીએ કહ્યું હતું કે તે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરવા માંગતી હતી. એડમિશન લેવા માટે અમદાવાદ ગઈ હતી. તે દરમિયાન વર્ષ 2017ના નવેમ્બરમાં તેના પર દુષ્કર્મ થયું અને તેનો વીડિયો પણ શૂટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના આધારે તેને બ્લેકમેઈલ કરીને વારંવાર બળાત્કાર કરાયો હતો. 

પીડિતાના જણાવ્યા મુજબ, 2018ના માર્ચમાં તેને અમદાવાદ એરપોર્ટ નજીકની એક હોટેલમાં બોલાવવામાં આવ્યાં હતી. ત્યાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અન્ય લોકો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ પણ કરવામાં આવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે અન્ય લોકો સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા તેને ધમકાવવામાં આવી હતી અને તે જયંતિ ભાનુશાળીને ઓળખતી નથી એવું જણાવતા સ્ટૅમ્પ પેપર પર સહી કરાવવામાં આવી હતી.

પીડિતાએ જણાવ્યું કે તે એટલી ગભરાયેલી હતી કે તેણે જયંતિ ભાનુશાળી સામે અવાજ ઉઠાવ્યો ન હતો, પરંતુ વારંવાર ધમકી મળતાં જુલાઈ-2018ની 10 તારીખે જયંતિ ભાનુશાળી સામે ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાના પૂર્વ પતિના તેની જ પૂર્વ પત્ની પર જ આક્ષેપ
આ બાજુ પીડિતાના ભૂતપૂર્વ પતિએ તેની પત્નીને ચારિત્ર્યહીન ગણાવીને આક્ષેપ કર્યા હતાં. તેમણે તો એમ પણ કહ્યું કે તેના કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત અનેક પુરુષો સાથે સંબંધ હતાં. તેના કહેવા મુજબ પૂર્વ પત્ની તેને ધમકાવતી હતી અને આથી તેણે છૂટાછેડા લીધા હતાં. 

છબીલ પટેલે આક્ષેપો નકાર્યા હતાં
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે આ આક્ષેપને નકાર્યા હતાં. તેમના કહેવા મુજબ પીડિતા સાથે તેમને કોઈ સંબંધ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news