હવે સૌરાષ્ટ્રનો વારો : 4થી 10 ઈંચ વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગે આપી આ ચેતવણી

Gujarat Rain Alert: રાજ્યમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ છે તો લોકોના ઘરમાં પાણી પહોંચી ગયા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 19 સપ્ટેમ્બર, મંગળવારે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવે સૌરાષ્ટ્રનો વારો : 4થી 10 ઈંચ વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગે આપી આ ચેતવણી

સપના શર્મા, અમદાવાદઃ બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશ પરથી થઈને રાજસ્થાન અને ગુજરાત પર આવશે.જે કચ્છ પર થઈને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા જોવામાં આવી રહી છે. જેને પગલે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.19 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વરસાદી મોસમમાં, સામાન્ય લોકોને હવામાન સંબંધિત સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા, પાકા રસ્તાઓ અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા વિનંતી કરવામાં આવે છે. સાવધાન રહો અને સુરક્ષિત રહો એ જ હાલના સમયે યોગ્ય છે. આ બંને વિસ્તારમાં 4.6 ઇંચથી લઇ 9.6 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 

રાજ્યના અનરાધાર વરસાદથી ૮૦ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

सावधान रहें, सुरक्षित रहें pic.twitter.com/Rs366m6O1E

— India Meteorological Department (@Indiametdept) September 18, 2023

ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા ૧૨ વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના બાદ આર્મીની બોટ મંગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી છે. છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલી મહેનત પછી સોમવારે સવારે આ પરિવારનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. 

सावधान रहें, सुरक्षित रहें! pic.twitter.com/RJJkklFkce

— India Meteorological Department (@Indiametdept) September 18, 2023

19 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત 19 સપ્ટે.એ ભારે વરસાદ રહેશે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. 21 સપ્ટેમ્બરે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૫.૧૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૬.૫૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૦૨ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૪.૯૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૫.૬૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૯૨.૫૦ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news