નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Narmada Dam Overflow :  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા, નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦  કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  જિલ્લા પ્રસાશન સતર્ક, નર્મદા નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Narmada River : ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે  સરદાર સરોવર બંધનાં ૦૯ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૯૦,૦૦૦ ક્યુસેક પાણી વહેશે.

નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ (૪૫,૦૦૦+ ૯૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે.

ઇન્ચાર્જ કલેકટર મમતા હિરપરાએ  જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના  તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર  હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે. 

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
 
સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે. 

નર્મદાનું પાણી અમદાવાદ પહોચ્યું
સાબરમતી નદી પર રહેલ વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્રણ ગેટ ખોલી ૨૯૭૦ ક્યુસેક પાણી નદીમાં છેડાઇ રહ્યુ છે. નર્મદાની મેઇન કેનાલમાંથી પાણીની આવકને ધ્યાને લઈ દરવાજા ખોલાયા છે. નર્મદાની મેઇન કેનાલમાંથી સાબરમતી નદીમાં ૫૮૪૬ ક્સુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ ભરાતા દરવાજા ખોલાયા બાદ પાણીનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. નર્મદાના પાણીની આવક વધતાં બેરેજના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. વાસણા બેરેજના દરવાજા ખોલાતા નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news