જુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલ

Junagadh Rain : જૂનાગઢમાં મોડીરાતથી વરસાદી માહોલ.. રાત્રે ધોધમાર વરસાદ બાદ સવારે પણ વરસ્યો ભારે વરસાદ... વિસાદર, માણાવદરમાં છેલ્લા 4 કલાકમાં 4 ઈંચ વરસાદ... મેંદરડા, કાલાવડ પણ થયું પાણી પાણી

જુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલ

Jungadh Flood Alert : રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. સવારે 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખંભાળિયામાં 5.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કુલ 35 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે.  અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. આ વચ્ચે જુનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જુનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે. અવિરત વરસાદથી પાણી ભરાયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે, તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેથી ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.

જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, ભારે વરસાદને કારણે હાલ ઉબેણ નદી બે કાંઠે વહી રહી છે. આથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવે છે. તથા નદીના પટમાં કોઈને અવર જવર ન કરવા તથા સાવચેતી રાખવા માટે નમ્ર વિનંતિ છે. ભેંસાણ તાલુકાના ગામો એલર્ટ પર છે. ભાટગામ, સુખપુર એલર્ટ પર છે. જુનાગઢ તાલુકાના ભિયાળ, ચોકી, કેરાળા, ઝાલનસર, મજેવાડી, તલિયાધાર એલર્ટ પર છે. તેમજ વંથલી તાલુકાના ગામો એલર્ટ પર છે. 

જુનાગઢ કલેક્ટર ટવીટ કરીને માહિતી આપી કે, ભારે વરસાદને કારણે નીચે મુજબના રસ્તા બંધ છે. આથી આ રસ્તાઓ પર અવર જવર ના કરવા વિનંતી છે.

1. લીંબુડા - માણાવદરનો રસ્તો હાલ બંધ છે.
2. ભીંડોરા - માણાવદર રસ્તો હાલ બંધ છે.
3. નાકરા- ખખાવી રોડ બંધ છે.

માણાવદર ભારે વરસાદ બાદ એલર્ટ પર 
જુનાગઢ જિલ્લાનો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલાયા છે. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છએ. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે, બીજી તરફ, નીચાણ વાળા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. માણાવદરના ચાર અને કુતિયાણાના ચાર ગામોને એલર્ટ કરાયા છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના છે. તો નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારમાં માલ ઢોરને પણ ન જવા દેવા તંત્રની તાકીદ કરી છે. 

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદ જ વરસાદ છે, શહેરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. નવદુર્ગા ચોક, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, જૂનાગઢ રોડ પર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા છે. શાકભાજીના યાર્ડના પ્રવેશ દ્વાર પાસે જલભરાવ થયો છે. જેથી વાહન ચાલકો અને લારી ધારકોને પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લારી ધારકોની તંત્ર સમક્ષ યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે. કારણ કે, દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું ચોમાસામાં નિર્માણ થાય છે. 

જુનાગઢની નદીઓમાં પૂર આવ્યું
જૂનાગઢના  માળીયા હાટીનામા અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં મેઘલ નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. મેઘલ નદીમાં સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટ ની શિવલિંગ પર મેઘરાજાએ જલાભિષેક કર્યો છે. પૂરના પાણીમાં 5 ફૂટની શિવલિંગ અંદર ડૂબી ગયું છે. માળીયાહાટીના ગામમાં નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી છે. મેઘલ નદી, લાઠોદરિયા, પાંદરવામાં પૂર આવ્યું છે. 

આગામી ત્રણ કલાકની આગાહી
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાકને લઇ રાજ્યમાં વરસાદની આગાહી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને, દીવમાં  વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી છે. તો મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર અને, ભાવનગરમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહીત અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી છે. 

NDRFની ટીમો તૈનાત
રાજ્યમાં ભારે વરસાદના પગલે NDRFની ટીમોને રવાના કરાઈ છે. NDRF હેડ ક્વાર્ટર જરોદથી 9 ટીમો રવાના કરવામાં આવી છે. જ્યાં ભારે વરસાદની આગાહી છે તેવા જિલ્લામાં ટીમોને રવાના કરાઈ કરવામાં આવી. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવ ભૂમિ દ્વારિકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત ટીમો મોકલવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news