આખા કચ્છમાં ફફડાટ, 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા આવ્યા...
ગઈકાલે કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ મોટા આંચકા બાદ વધુ 4 આંચકા આવ્યા હતા
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :જામનગરમાં બાદ હવે કચ્છમાં ભૂકંપના સતત આંચકા આવી રહ્યાં છે. કચ્છમાં ફરી આંચકાઓનો દોર શરૂ થયો છે. ગઈકાલે બપોરે 4.1ની તીવ્રતાનો મોટા આંચકો આવ્યા બાદ બીજા આંચકાઓ ચાલુ જ રહ્યા છે. ગઈકાલે બપોર બાદ કચ્છમાં સાગમટે પાંચ આંચકા અનુભવાયા છે. આમ, કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા આવી ગયા છે. કચ્છના દુધઈ, દુદઈ, રાપર અને ભચાઉમાં આંચકા અનુભવાયા છે. ગઈકાલે કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ મોટા આંચકા બાદ વધુ 4 આંચકા આવ્યા હતા. જેમાં તીવ્રતા અનુક્રમે 1.6, 2.5, 1.2 અને 1.9 રહી હતી. આમ, કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યાં છે.
- રાત્રે 9.15વાગે 1.6 તીવ્રતાનો આંચકો ભચાઉથી 9 કિમી દૂર
- રાત્રે 11.07 વાગે 2.5 ની તીવ્રતાનો આંચકો રાપરથી 18 કિમી દૂર
- વહેલી સવારે 2.53 કલાકે 1.2 ની તીવ્રતાનો આંચકો દુધઈથી 17 કિમી દૂર
- સવારે 5.21 વાગે 1.9ની તીવ્રતાનો આંચકો દુધઈ 18 કિમી દૂર
આમ, પાંચમાંથી ત્રણ આંચકા દૂધઈ વિસ્તારની આસપાસ આવ્યા છે. અહીં ત્રણવાર અલગ અલગ રિક્ટર સ્કેલના આંચકા આવ્યા છે.
કચ્છના ભૂકંપ પર મહત્વનું સંશોધન
- ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. ત્યારે કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે.
- ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે રિલીઝ થતાં મોટો ભૂકંપ આવશે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નુકસાન થવાનો અંદાજો છે. ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે.
- કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાત્ર વિભાગ અને ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના તજજ્ઞોની ટીમે કરેલા અભ્યાસના આધારે અરેબિયન જર્નલ ઓફ જિઓ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધન પેપરના આધારે આ મહત્ત્વનું તારણ બહાર આવ્યું. આ સંશોધનમાં 2019માં રજૂ કરાયા બાદ હાલના જર્નલમાં પ્રસિદ્ધ કરાયું ત્યારે તેના પર વિશેષ પ્રકાશ પાડતાં કચ્છ યુનિ.ના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ સાયન્સ વિભાગના વડા ડો. એમ.જે. ઠક્કર અને જિયોલોજિસ્ટ ડો. ગૌરવ ચૌહાણે વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, આઇએસઆર ગાંધીનગરના ગિરીશ કોઠિયારી અને સુનીલ કુદરેગુલા તેમજ કચ્છ યુનિ.ના ડો. એમ. ડી. ઠક્કર અને ગૌરવ ચૌહાણે સેટેલાઇટ ઇમેજના આધારે નિરોણા ગામની આજુબાજુના વિસ્તારમાં ફોલ્ટ શોધી લીધો હતો.
એક્સપર્ટનો મત, કચ્છના ફોલ્ટ લાઇન પર 1000 વર્ષથી મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે
- કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ પ્રોફેસર ડો.એમ.જી. ઠક્કરે જણાવ્યું કે, ઇતિહાસમાં નોંધાયેલા ભૂકંપ વિશે માહિતી મળી શકે છે. પરંતુ પ્રાચીન સમયમાં આવેલા ભૂકંપ વિશે કોઇ માહિતી હોતી નથી. કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર પણ આવા પ્રકારે પ્રાચીન સમયમાં આવેલા ભૂકંપ જાણવા આ સંશોધન થયું હતું. જેમાં આ તથ્યો બહાર આવ્યા છે. કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી. જેના પગલે આ ફોલ્ટ લાઇનના કારણે ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. આ ભૂકંપ ખૂબ જ ભયાનક હશે. કચ્છમાં અંજાર અને ગાંધીધામ આ ફોલ્ટ લાઇનના કિનારે હોવાથી ત્યાં નુકસાન વધારે થવાનો ખતરો છે. અમદાવાદમાં પણ વધારે નુકસાની થશે.
- છેલ્લે કચ્છ લેન્ડ ફોલ્ટ લાઇનમાં 427 વર્ષ પહેલાં મોટો ભૂકંપ અનુભવાયા બાદ ફોલ્ટ સુષપ્ત હતો, પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ સહિતનો વ્યાપ વધવા સહિતના લીધે આ ફોલ્ટ પર દબાણ આવતાં આ ફોલ્ટ ફરી એકવાર સક્રિય બન્યો છે. તેના જ લીધે 2001ની 26મી જાન્યુઆરીએ આવેલો કે તેનાથી પણ વધુ શક્તિશાળી ભૂકંપનો આંચકો કચ્છને આગામી વર્ષમાં ધ્રુજાવી શકે છે. 5થી લઇને 7ની તીવ્રતા સુધીના આંચકાથી કચ્છમાં મોટી નુકસાની થશે, પણ તેની વિઘાતક ગણાય તેવી અસર અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વ્યાપકપણે અનુભવાશે. ગૌરવ ચૌહાણે એવું પણ જણાવ્યું કે, હવે એ સમય પાકી ગયો છે કચ્છમાં હવે ભવિષ્યમાં કોઇપણ પ્રકારની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે તેમાં આ બાબતનો ખ્યાલ રાખવો અનિવાર્ય બની જવા સાથે ભૂસ્તરક્ષેત્રનો અભ્યાસ કરનારા તજજ્ઞો સાથે ચર્ચા-વિમર્શ કરાય તો નુકસાનીનો ગ્રાફ હળવો કરી શકાય તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે