Diwali 2022 : દિવાળી બગડી, લોકોએ કહ્યું, ફટકડાના ભાવમાં ક્યારેય આટલો ભાવ વધારો નથી આવ્યો...

Firecrackers Price Hike : પેટ્રોલ તેમજ ફટાકડાના કાચા મટીરીયલના ભાવ વધતા ૪૦ ટકા જેટલો ભાવ વધારો થયો છે. ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવારોની દિવાળીની ઉજવણી ફિક્કી બનશે

Diwali 2022 : દિવાળી બગડી, લોકોએ કહ્યું, ફટકડાના ભાવમાં ક્યારેય આટલો ભાવ વધારો નથી આવ્યો...

ગૌરવ દવે/રવિ અગ્રવાલ/અમદાવાદ :દિવાળી એટલે ભારતનો સૌથી મોટો તહેવાર. તહેવારોની મોસમને કારણે મોટી સંખ્યામાં એકત્ર થશે, લોકો તેમના વતન જશે અને ફટાકડા વિના દિવાળી અધૂરી છે. પરંતુ આ વર્ષે ફટાકડાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. મંદીના માહોલને લીધે દિવાળીની ખરીદીની અસર લગભગ તમામ બજારોમાં ઓછી વધુ દેખાઇ રહી છે. ગુજરાતના દરેક શહેરોમાં ફટાકડાના ભાવ ઉંચા ગયા છે. ફટાકડાના ભાવમાં લગભગ 35 થી 40 ટકા જેટલો વધારો નોંધાયો છે. ફટાકડામાં સામાન્ય રીતે દર વર્ષે પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 30 થી 50 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં 40 ટકાનો વધારો 
ફટાકડાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૪૦ ટકાથી વધુનો ભાવ વધારો ઝીંકાયો છે. રાજકોટની સદર બજારને ફટાકડાની બજાર તરીકે પણ ઓળખાય છે. અહીં બજાર કરતા સસ્તા ભાવે ફટાકડા મળતા હોવાથી શહેરીજનો અહીંથી ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતું ભાવ વધારાના લીધે ફટાકડાની ખરીદીમાં થોડી અસર જોવા મળી છે. અહીં ટેટા, સુતર બોમ્બ, આતિશબાજી, શંભુ સહિતના ફટાકડાઓનું વેચાણ વધારે થાય છે. આ વર્ષે બાળકોના ફટાકડામાં અવનવી વેરાઈટીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતું ફટાકડાના ભાવ વધારાએ લોકોને રડાવ્યા છે. લોકોનું કહેવુ છે કે, ફટકડાના ભાવમાં ક્યારેય આટલો ભાવ વધારો નથી આવ્યો.

પોપ-પોપના ભાવ ન વધ્યાં 
પેટ્રોલ તેમજ ફટાકડાના કાચા મટીરીયલના ભાવ વધતા ૪૦ ટકા જેટલો ભાવ વધારો થયો છે. ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાશે. બાળકો માટે ફટકડામાં સિંહ, બતક સહિત અલગ અલગ ૧૧ નવી વેરાયટીઓ આવી છે. જોકે, એક વાત સારી છે કે, ફટાકડામાં બાળકોના લોકપ્રિય પોપ-પોપના ભાવમાં વધારો થયો નથી.

વડોદરામાં દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા બજાર અને સ્ટોલ પર ઘરાકી નીકળી છે. કારેલીબાગ, પોલોગ્રાઉન્ડ સહિત અનેક વિસ્તારમાં આવેલ ફટાકડા સ્ટોલ પર લોકો ફટાકડા ખરીદતા દેખાઈ રહ્યાં છે. એક જ સ્ટોલ પર 500 થી પણ વધુ વેરાયટીના ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ આ વર્ષે ફટાકડા ફોડવામાં અવેરનેસ આવી છે. લોકો ઓછું પ્રદૂષણ કરનારા ગ્રીન ફટાકડાની વધુ ખરીદી કરી રહ્યા છે. નાના બાળકો તારા મંડળ, કોઠી, ચકેડી, પેન્સિલ, ફેન્સી આઈટમ, ગોલ્ડન લાયન કોઠીની ખરીદી પર પસંદગી ઉતારી રહ્યાં છે. સાથે જ પોપ અપ, ટોપ ગન, જેલી, ટવિસ્ટર જેવા ફટાકડા તેમના પ્રિય છે. તો યુવાનો સ્કાય શોટ્સ, મલ્ટી શોટ્સ, સૂતળી બોમ્બ, લુમ જેવા અનેક ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 60 ટકા જેટલો વધારો થયો છે. 25 રૂપિયાથી લઈ 25000 રૂપિયા સુધીના ફટાકડા એક જ સ્ટોલ પર મળી રહ્યા છે. 

ફટાકડાના ભાવ વધવાના કારણો
ફટાકડાના ભાવ એકાએક વધવાના કારણો અમે વેપારીઓ પાસેથી જાણ્યા. તેમણે કહ્યું કે, આ વર્ષે વરસાદને કારણે ફટાકડાનું ઉત્પાદન ઓછું થયું છે. સાથે જ ફટાકડા બનાવવા જે સામગ્રીનો ઉપયોગ થાય છે તેમાં તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે. વેપારીઓ કહે છે કે, ફટાકડાના બનાવવામાં વપરાતા કેમિકલ, કાગળ અને પ્લાસ્ટિકના ભાવમાં વધારો થયો છે. જેને કારણે ફટાકડાના ભાવને અસર થઈ છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ વધ્યો છે. આ જ કારણ છે કે, ફટાકડા આટલા મોંઘા બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news