આ ખેડૂત કરે છે એવું કામ કે દૂરદૂરથી જોવા આવે છે લોકો, 45 વર્ષે મુંબઈમાંથી નોકરી છોડી ટીશ્યુ કલ્ચર ક્ષેત્રે નવો ટ્રેન્ડ વિકસાવ્યો

ટીશ્યુ કલ્ચરમાં કોઈ પણ પ્રકારના ઝાડવાની સૌથી ઉત્તમ ગુણવત્તા ધરાવતો છોડ લઈ તે જ ગુણવત્તા વાળા અનેક છોડ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા સાંભળવામાં જેટલી સહેલી છે તેને વાસ્તવમાં નિભાવવી ખૂબ જ કઠિન છે.

આ ખેડૂત કરે છે એવું કામ કે દૂરદૂરથી જોવા આવે છે લોકો, 45 વર્ષે મુંબઈમાંથી નોકરી છોડી ટીશ્યુ કલ્ચર ક્ષેત્રે નવો ટ્રેન્ડ વિકસાવ્યો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: મોટા શહેરના ઠાઠમાઠ વાળા જીવન સામે ગ્રામીણ પ્રદેશમાં પ્રકૃતિ વચ્ચે રહેવાનું મહત્વ ખૂબ ઓછા લોકો સમજી શકે છે. તેવા જ એક છે હરીશ નાગડા. જેમણે મુંબઈમાં પોતાના વ્યવસાયમાંથી 45 વર્ષે જ નિવૃત્તિ લઈ પોતાના વતન કચ્છ આવી ખેતી કરવાની શરૂઆત કરી હતી અને ત્યાંથી જ ટીશ્યુ કલ્ચર ક્ષેત્રે કામ કરી આજે 70 લાખ રોપાનો ઉછેર કરે છે.

મુંબઈ શહેરમાં બિસ્કિટની ફેક્ટરી ચલાવતા હરીશ નાગડાએ 35 વર્ષની વયે જ નક્કી કરી લીધું હતું કે 45ની વયે તેમણે નિવૃત્તિ લઈ પ્રકૃતિ વચ્ચે જીવન પસાર કરવું છે અને તે મુજબ જ 45ની વયે નિવૃત્તિ લઈ કચ્છના માંડવી તાલુકામાં આવેલાં તેમના મૂળ વતન પાછા આવી ખેતી શરૂ કરી હતી. તે સમયે તેમણે જાણ્યું હતું કે કચ્છમાં સારી ગુણવત્તાના વૃક્ષોની ખૂબ જરૂરિયાત છે. આ માટે તેમણે ટીશ્યુ કલ્ચર પર કામ કરવાનું નક્કી કર્યું અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી તેનું જ્ઞાન મેળવી વર્ષ 2005માં ભુજ તાલુકાના ભુજોડી ખાતે ટીશ્યુ કલ્ચર ક્ષેત્રે કામ કરવા બાયો-ટેકનોલોજી લેબ શરૂ કરી.

ટીશ્યુ કલ્ચરમાં કોઈ પણ પ્રકારના ઝાડવાની સૌથી ઉત્તમ ગુણવત્તા ધરાવતો છોડ લઈ તે જ ગુણવત્તા વાળા અનેક છોડ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા સાંભળવામાં જેટલી સહેલી છે તેને વાસ્તવમાં નિભાવવી ખૂબ જ કઠિન છે. આ માટે મધર કલ્ચરને 13 તત્વોથી બનેલી 99.99 ટકા શુદ્ધ માટીમાં મૂકી એક કાંચની બોટલમાં બંધ કરવામાં આવે છે અને તેને ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને જરૂરી તત્વો પૂરા પાડવામાં આવે છે.

રોપાને ભરપૂર ખોરાક આપવા સાથે તેમને અનુકૂળ વાતાવરણ ઊભો કરવા ખાસ ઇન્ક્યુબેટર રૂમમાં મૂકવામાં આવે છે જેમાં ટ્યુબલાઈટ થકી કૃત્રિમ દિવસ અને રાતનું વાતાવરણ અપાય છે તો જરૂર મુજબ એસી અને હીટર ચાલુ કરી તેમને અનુકૂળ તાપમાન આપવામાં આવે છે. આ રોપાને સાનુકૂળ વાતાવરણમાં થોડા સમય ઉછેર્યા બાદ દીમે ધીમે તેમને સ્વનિર્ભર બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. બે જુદા જુદા તબક્કામાં તેમને બહારના વાતાવરણથી પરિચિત કરાવતા આ રોપા પોતાનું ખોરાક જાતે બનાવતા શરૂ થઈ જાય છે અને ત્યારે તેઓ પરત ખેતરમાં ઉગાડવા લાયક બની જાય છે.

આ સમગ્ર પ્રક્રિયાને જુદા જુદા પ્રકારના રોપા મુજબ પૂર્ણ રૂપે તૈયાર થવામાં 11 મહિનાથી પાંચ વર્ષ સુધીનો સમય લાગતો હોય છે. આજે હરીશભાઈ પાસે સાત લાખ કાંચની બોટલ છે જે દરેક બોટલમાં તેઓ 10-10 રોપાના ટીશ્યુ ડેવલપ કરી એક સાથે 70 લાખ રોપાનો ઉછેર કરી રહ્યા છે. જો કે તેમની લેબમાં તો 1.25 કરોડ રોપા થઈ શકે એવી સુવિધાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news