ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ : ભુસુ અને ગોળનો રસો અને પથ્થરના પાવડરથી બનતું હતું જીરું
Fake Cumin Seeds : નકલી હળદર, નકલી મરચું, નકલી ઘી બાદ મહેસાણાના ઊંઝામાંથી ઝડપાઈ નકલી જીરાની ફેકટરી,,,, હલકી ગુણવત્તાની વરિયાળી, ભુસુ અને ગોળનો રસો અને પથ્થરના પાવડરથી બનતું હતું નકલી જીરું
Trending Photos
Mehsana News : મહેસાણા ખાતેથી બનાવટી જીરું બનાવતી ફેકટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પકડી પાડી છે. ઊંઝા-મહેસાણા ખાતેથી બનાવતી જીરું અને અન્ય એડલટ્રન્ટ મળી આશરે રૂ. ૮૯ લાખની કિંમતનો ૩૧,૦૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. .
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂ. ૮૯ લાખની કિંમતના ૩૧,૦૦૦ કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી શ્રી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.
પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો ૬૪૩ લીટર જથ્થો, “મિક્ષ પાઉડર” નો ૨૫૮ કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો ૫,૨૯૮ કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો ૨૪,૭૧૮ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.
સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ ૪ નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. ૮૯ લાખની કિંમતનો ૩૧,૦૦૦ કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે