કંજૂસ ગુજરાતીઓ! સુખી સંપન્ન રાજ્ય હોવા છતાં મનરેગાના મજૂરોને ચૂકવાય છે ઓછો પગાર
Mgnrega Yojna : મનરેગા યોજના અંતર્ગત ગુજરાત સરકાર અન્ય રાજ્યોની સરખામણીમાં શ્રમિકોને ઓછું વળતર ચૂકવે છે, ઉદ્યોગપતિઓની સરકારને ગરીબોમાં કોઈ રસ નથી
Trending Photos
Gujarat Government : રાજ્યમાં લઘુત્તમ વેતન ધારો ગત વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવ્યો હોવા છતાં ગુજરાતમાં મનરેગા યોજનાના શ્રમિકોને ઓછું વેતન આપીને શોષણ કરવામાં આવી રહ્યું છે. સુખી સંપન્ન ગુજરાતીઓ કામ કરાવ્યા બાદ શ્રમિકોને પૂરતું વળતર ચૂકવવામાં કંજૂસ સાબિત થયા છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં શ્રમિકોને ઓછું વળતર ચૂકવાય છે. ગુજરાતમાં શ્રમિકોને મનરેગા યોજનામાં માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે.
ગરીબો માટે મનરેગા યોજના સાક્ષાત ભગવાન જેવી છે. કોરોના કાળમાં પણ આ યોજનાને કારણે ગરીબો ભૂખે મર્યા ન હતા, અને તેમને કામ મળ્યું હતું. ત્યારે શ્રમિકો માટે આર્શીવાદરૂપ આ યોજનામાં ગુજરાતમાં શ્રમિકોને અન્ય રાજ્યો કરતા ઓછું વેતન ચૂકવાય છે. વેતન ચૂકવવામાં ગુજરાત અનેક રાજ્યો કરતા પાછળ છે. ગુજરાતમાં ભલે વિકાસની મોટી મોટી વાતો થતી હોય, પરંતું હકીકત એ છે કે, આ વિકાસ ગરીબોને દબાવીને થઈ રહ્યો છે. આ જ કારણે ગરીબી અને અમીરીની ખાઈ મોટી થઈ રહી છે.
ગુજરાત સરકાર કરે છે શ્રમિકોનું શોષણ
ગ્રામિણ વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર મનરેગા યોજના શરૂ કરાઈ હતી. ગરીબોના મસીહા હોવાનો દાવો કરતી સરકાર જ શ્રમિકનું શોષણ કરી રહી છે. સિક્કીમ, તામિલનાડુ, તેલંગાના, પોંડીચેરી, આંદામાન, ગોવા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરાલા, લક્ષદીપ અને દાદરા નગર હવેલી એવા રાજ્યોમાં જ્યાં મનરેગા યોજના હેઠળ મજૂરીને લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવવામાં આવે છે. પરંતુ તેની સામે ગુજરાત માત્ર 280 રૂપિયા જ ચૂકવે છે. અન્ય રાજ્યોએ શ્રમિકોને મળતા વેતનનો દર વધારવામાં રસ દાખવ્યો, પણ ગુજરાત સરકારને તેમાં રસ ન પડ્યો. સમૃદ્ધ રાજ્યમાં માત્ર ઉદ્યોગપતિઓ પર જ ફોકસ કરવામાં આવે છે. ગરીબોનો વિકાસ કરવામાં આ સરકાર કૂંણી સાબિત થઈ છે.
શું છે મનરેગા યોજના
મનરેગા સંસદનો અધિનિયમ છે, જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ રજી ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજથી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં કામદારોને લઘુત્તમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવા માટે લઘુત્તમ વેતન ધારો અમલમાં છે, તેમ છતાં કામદારોને લઘુત્તમ વેતન નહિ ચૂકવી શોષણ કરવામાં આવી રહ્યું છે, સરકીટ હાઉસના કર્મચારીઓ હોય કે પછી કલેકટર કચેરી, સરકારી કચેરીઓનાં વર્ગ 3 -4 નાં કર્મચારીઓ હોય, સહકારી સંસ્થાઓ, ખાનગી ફેકટરીઓનાં કામદારોને ઓછું વેતન આપી લઘુત્તમ વેતન ધારાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પણ સરકાર સામે સવાલો કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે