એશિયાના સૌથી મોટા રોપ-વેમાંથી આવુ દેખાય છે ઘનઘોર જંગલ, Exclusive video

એશિયાના સૌથી મોટા રોપ-વેમાંથી આવુ દેખાય છે ઘનઘોર જંગલ, Exclusive video
  • સોમવારથી રોપ-વે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. રોપ વેમાંથી સમગ્ર ગિરનારનો આહલાદક નજારો જોવા મળ્યો.
  • આ રોપવેથી 5 થી 6 કલાકનો પગપાળા જવાનો સમય બચી જાય છે. કુલ 2.3 કિલોમીટરનો રોપવેનો રુટ છે

ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાતના ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલ એશિયાના સૌથી મોટા રોપ-વેનુ આજે લોકાર્પણ થયું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે દરેક લોકો કાગડોળે રાહ જોઈને બેસ્યા હતા. પર્વત ચઢી ન શકનારા લોકો માટે આ રોપ-વે (Girnar ropeway) બહુ જ ઉપયોગી બની રહેશે, પરંતુ એડવેન્ચરના શોખીનો માટે પણ તેમાં બેસીને 2.3 કિલોમીટરની સફર કરવી ખાસ બની રહેશે. માત્ર 7-8 મિનીટની અંદર રોપ-વે દ્વારા ગિરનારના અંબાજી મંદિર સુધી પહોંચી શકાય છે. ત્યારે ઝી 24 કલાક તમને રોપ-વેમાંથી ગિરનારનો એક્સક્લુઝિવ નજારો બતાવી રહ્યું છે. 

સોમવારથી રોપ-વે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. રોપ વેમાંથી સમગ્ર ગિરનારનો આહલાદક નજારો જોવા મળ્યો. રોપવે માંથી ચારેતરફ ગીરના જંગલની વનરાજી જોવા મળી. હાલ ચોમાસુ ગયુ હોવાથી સર્વત્ર લીલોતરીવાળો નજારો છે. હવે અંબાજી સુધી પહોંચવાના 5500 પગથિયાને ચઢવાની જરૂર નહિ પડે. નવરાત્રિના પાવન પર્વ અને આઠમા નોરતે આ પ્રોજેક્ટનું વરર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું છે. આખરે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પૂરો થયો છે. 2007ના રોજ આ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત થયુ હતું. 13 વર્ષના ગાળા બાદ અને અનેક વિવાદો બાદ આખરે આ પ્રોજેક્ટ પૂરો થયો છે.

આ રોપવેથી 5 થી 6 કલાકનો પગપાળા જવાનો સમય બચી જાય છે. કુલ 2.3 કિલોમીટરનો રોપવેનો રુટ છે, જેને પાર કરવા 7 થી 8 મિનીટનો સમય લાગે છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલી રૂપાણીએ પણ રોપવેમાં બેસીને ગીરનો નજારો માણ્યો હતો. તેઓ રોપવે દ્વારા અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. આવો નજારો પહેલીવાર ગુજરાતની જનતાને જોવા મળશે. જોકે, હવે આ નજારો કાયમી બની રહેશે. 

એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચઢ્યા વિના ગિરનારની ટોચે પહોંચી શકશે. 

આ પણ વાંચો : જાણો કયા કર્મચારીઓને મળશે મોદી સરકારનું દિવાળી બોનસ

  • પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે 
  • દર કલાકે બંને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.
  • રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. 
  • રોપવેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 
  • 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.
  • ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા માત્ર 7 મિનિટમાં કાપી શકાશે.
  • 50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડના ખર્ચે રોપવે બનાવાયો છે, જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.

રોપ-વેનું ભાડું કેટલું 
મુસાફરો માટે રોપ-વેનું ભાડુ પણ નક્કી કરી લેવાયું છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ-વે ટિકીટનો દર 750 રાખવામાં આવ્યો છે. તો વન-વે ટિકીટ ભાડું 400 રૂપિયા છે. તેમજ બાળકો માટે ટિકીટ 300 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news