નર્મદા પાણી રાજકારણઃ નર્મદા મુદ્દે સમજી-વિચારીને ટિપ્પણી કરવી જોઈએ- નીતિન પટેલ

સુપ્રીમના ચૂકાદા પછી પણ મધ્યપ્રદેશ અવળચંડાઈ કરી રહ્યું છે જે ઉચિત નથી - નીતિન પટેલ
 

નર્મદા પાણી રાજકારણઃ નર્મદા મુદ્દે સમજી-વિચારીને ટિપ્પણી કરવી જોઈએ- નીતિન પટેલ

હીતલ પારેખ/ગાંધીનગરઃ નર્મદાના નદીના પાણી મુદ્દે ફરીથી રાજકારણ ગરમાઈ ગયું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ટિપ્પણી પછી રાજ્યના મુખ્ય મંત્રી બાદ હવે નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, મધ્યપ્રદેશના મંત્રી જે વિવાદાસ્પદ નિવેદન કરે છે તે બેજવાબદારીપૂર્ણ છે. મંત્રીએ નર્મદાના મુદ્દે સમજી વિચારીને કોઈ પણ ટિપ્પણી કરવી જોઈએ. 

નીતિન પટેલે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે વર્ષ 2017ના ચૂકાદામાં નર્મદામાં કેટલા પાણીનો સંગ્રહ કરવો તેની સ્પષ્ટ સુચના ચારેય રાજ્યને આપી હતી. નર્મદાની સપાટી ભરાઈ ન જાય ત્યાં સુધી નર્મદાના પટમાં આવતા તમામ વિસ્થાપિતોને ખસેડવાની જવાબદારી જે-તે રાજ્યને આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા મધ્યપ્રદેશ સરકારને રૂ.400 કરોડ ચૂકવી દેવાયા છે અને આ રકમમાંથી જ રાજ્યએ વિસ્થાપિતોને વળતર ચૂકવવાનું છે. 

નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની દિલ્હી ખાતે મળેલી મીટિંગમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા અને બેઠકમાં સર્વસંમતિ દર્શાવી હતી. ભારત સરકારના સિંચાઈ સચિવ આ કમિટીના અધ્યક્ષ છે. આ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, નર્મદા નદી પર સરદાર સરોવર સહિતના જે અન્ય ડેમ આવેલા છે તેમાં પાણી નો સંગ્રહ કરવો જોઈએ. 

મધ્યપ્રદેશની કમિટીએ ઓછું પાણી હોવા છતાં વિજળીનું ઉત્પાદન કરવાની રજૂઆત કરી હતી. જેનો ગુજરાત સહિતના લોકોએ વિરોધ કરીને કહ્યું હતું કે, અત્યારે પ્રાયોરિટી પીવાના પાણીની જરૂરિયાત છે. નર્મદાનું હાઈડ્રો પાવર સ્ટેશન શરૂ કરવામાં આવે તો પાણી દરિયામાં વહી જાય. જ્યાં સુધી નર્મદા ડેમની ઊંચાઈ 131 મીટર સુધી ભરાય નહીં ત્યાં સુધી વીજળી ઉત્પન્ન કરવા હાઈડ્રો પાવર સ્ટેશન ચલાવવાના રહેશે નહીં એવો નિર્ણય કમિટીની બેઠકમાં લેવાયો હતો. 

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, અત્યારે જે વીજળી ઉત્પન્ન થાય છે તેમાંથી 54 ટકા વીજળીનો મધ્યપ્રદેશ ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત, નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં સરદાર સરોવર જેવા જ વિશાળ ઈન્દિરા સાગર જેવા ડેમ આવલા છે અને મધ્યપ્રદેશ ત્યાં હાઈડ્રો પાવર સ્ટેશન શરૂ કરી વીજળીનું ઉત્પાદન કરે જ છે. જેમાં ગુજરાત સરકારને કોઈ વાંધો કે વિરોધ નથી. અત્યારે સરદાર સરોવર ડેમની સપાટી 121 મીટર ભરાઈ છે એટલે પાવર હાઉસ ચલાવવા માટે છોડવાનું અને નદીમાંથી દરિયામાં જાય તે પ્રકારની મધ્યપ્રદેશની માંગણી વ્યાજબી નથી. સરદાર સરોવર ડેમમાં 131 મીટરની સપાટી જેટલું પાણી ભરાય તેમાં ગુજરાત અને મધ્યપ્રદેશ બંનેને ફાયદો છે. 

નીતિન પટેલે કહ્યું કે, મધ્યપ્રદેશના નર્મદાના મંત્રીએ જે નિવેદન કર્યું છે એ દુઃખદ નિવેદન છે. ભૂતકાળમાં ક્યારેય પણ કોઇ પણ પક્ષની સરકાર હોય જાહેરમાં આ પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા નથી. મધ્યપ્રદેશનો કોઈ મુદ્દો હોય તો તેઓએ ગુજરાત સરકાર સાથે વાત કરીને ધ્યાન દોરવું જોઈએ. જાહેરમાં નિવેદન કરીને ગુજરાતની પ્રજાને નુક્સાન થાય છે, ખેડૂતોને નુકસાન થાય એ પ્રકારે ન કરવું જોઈએ. 

નર્મદા ઓથોરિટીનો જે નિર્ણય છે કે 131 મીટર પાણી ભરાઈ જાય ત્યાર પછી જ પાવર સ્ટેશન ચાલુ કરવામાં આવે. ગુજરાત આ નિર્ણયને વળગી રહેશે. મધ્યપ્રદેશ નર્મદા ઓથોરિટી અને કાયદા એમ બધી જ રીતે ગુજરાતને પાણી આપવા માટે બંધાયેલું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કે સરકાર ફેરફાર કરી શકે નહીં. મધ્યપ્રદેશમાંથી આજ સવાર સુધીમાં ગુજરાતમાં પાણી આવી રહ્યું છે. 39,૦૦૦ ક્યુસેક પાણી જે આવે છે તે મધ્યપ્રદેશમાં પડેલા વરસાદનું પાણી છે, મધ્યપ્રદેશે છોડ્યું નથી.

ગુજરાતના ખેડૂતો માટે અષાઢી બીજથી નર્મદા કમાન્ડ વિસ્તારમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી, એટલે કે 4 જુલાઈથી નર્મદા બંધમાંથી કેનાલોમાં પાણી છોડાઈ રહ્યું છે. પહેલા 5થી 6 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું અને હવે જરૂરિયાત વધતાં 12 હજાર ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે. તેમાંથી ખારીકટ કેનાલ અને પછી વાડી કેનાલમાં ખેડૂતોએ સિંચાઇ અને પીવાના પાણી માટે ઉપયોગ કરે છે.
 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news