વડોદરામાં દર્દીઓ ભગવાન ભરોસે, SSG હોસ્પિટલમાં રખડતાં શ્વાનના ડેરા
આ દ્રશ્યો કોઈ રહેણાંક વિસ્તારના નથી. પણ વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલના છે. અહીં સિક્યોરિટી તો છે, પણ તે ફક્ત દર્દીઓ અને દર્દીઓના પરિજનો પર જ નજર રાખે છે. રખડતાં શ્વાનને છૂટો દોર છે.
Trending Photos
વડોદરાઃ એક વ્યક્તિ જ્યારે દર્દી કે દર્દીના સંબંધી તરીકે સરકારી હોસ્પિટલમાં જાય છે, ત્યારે તેને પોતાના સામાન્ય નાગરિક હોવાનો અહેસાસ બહુ નજીકથી થાય છે. ઘણી જગ્યાએ વ્યક્તિએ સારવાર માટે સંઘર્ષ પણ કરવો પડે છે, તેમ છતા તેને વાંધો નથી આવતો. જો કે પોતાની સારવાર માટેની જગ્યાએ જ્યારે દર્દી રખડતાં શ્વાનને આંટાફેરા કરતા જુએ, સત્તાધીશોની બેદરકારીને જુએ, ત્યારે વ્યક્તિ પોતાના સામાન્ય નાગરિક હોવા પર શરમ અનુભવે છે. હદ તો ત્યારે થાય છે, જ્યારે વડોદરા જેવી સંસ્કારી નગરીની સૌથી મોટી હોસ્પિટલ SSGમાં આવા દ્રશ્યો સામે આવે છે. પણ સત્તાધીશો પાસે તેનો કોઈ ઉકેલ નથી હોતો.
હોસ્પિટલની અંદર દર્દીઓ માટેના ભોજનમાં રખડતાં શ્વાન મોઢું મારી જાય છે. દર્દીઓ માટેના ભોજનની કેવી દરકાર કરવામાં આવે છે, તેનો પુરાવો છે આ દ્રશ્યો. સવાલ એ છે કે રખડતા શ્વાન હોસ્પિટલની અંદર સુધી પહોંચી કેવી રીતે જાય છે...આ સત્તાધીશોની લાલિયાવાડી નથી તો બીજું શું છે.
આ વીડિયો વાયરલ થયા બાદ ઝી 24 કલાકે SSG હોસ્પિટલમાં રિયાલિટી ચેક કર્યું. એક દિવસ બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ફરક ન દેખાયો. રખડતાં શ્વાન બિંદાસ્ત રીતે હોસ્પિટલના પરિસરમાં આંટાફેરા કરી રહ્યા હતા. સર્જીકલ વોર્ડની લોબીમાં વચ્ચોવચ શ્વાન આરામ ફરમાવી રહ્યા છે. કેબિનની બહાર સૂઈ રહ્યા છે...પણ તેનાથી કોઈને કંઈ ફરક નથી પડતો.
સિક્યુરિટી ગાર્ડ પણ ઝી 24 કલાકની ટીમને જોઈને જ જાગે છે અને શ્વાનને ભગાડે છે. સિક્યુરિટી ગાર્ડ પોતે સ્વીકારે છે કે હોસ્પિટલમાં રખડતાં શ્વાનનો ત્રાસ છે. જો કે તેમની પાસે પોતાના બચાવમાં કારણ પણ છે.
રાજ્યમાં જે રીતે રખડતાં શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે, તેને જોતાં એની શું ગેરન્ટી કે એસએસજી હોસ્પિટલમાં શ્વાન કોઈ દર્દીને નુકસાન નહીં પહોંચાડે. દર્દીઓ પણ લાચાર છે, તેઓ પોતાની સારવાર કરાવે કે શ્વાનને ભગાડે...
અહીં સવાલ એ ઉભો થાય છે કે શું હોસ્પિટલના પરિસર કે ઈમારતોમાં રખડતાં શ્વાનને પ્રવેશતા અટકાવવા અશક્ય છે. હોસ્પિટલના સત્તાધીશો આ સમસ્યા સામે લાચાર છે કે પછી બેદરકાર. શું આરોગ્ય વિભાગ આ રીતે દર્દીઓની દરકાર કરે છે.
SSG હોસ્પિટલના અધિકારીઓના દાવા અને હકીકતનો મેળ નથી ખાતો. જો તેઓ સજાગ છે તો પછી આવા દ્રશ્યો કેમ સામે આવે છે. હકીકત એ છે કે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓએ સ્વીકારી લીધું છે કે સરકારી હોસ્પિટલ છે, એટલે આવું તો રહેવાનું જ. આ એક કડવી વાસ્તવિકતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે