છોટાઉદેપુર : રામસિંહ રાઠવાને રિપીટ કરવા સામે સ્પષ્ટ વિરોધ નોંધાયો
Trending Photos
જમીલ પઠાણ/છોટાઉદેપુર :2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે, ત્યારે છોટાઉદેપુર બેઠક ઉપર ટિકીટને લઇ પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારોનો આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે.
છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ચાલુ સાંસદ સામે પક્ષના જ ઉચ્ચ હોદ્દેદારોએ વિરોધ દર્શાવ્યો છે. દાવેદારી નોંધાવનાર 16 પૈકી ભાજપના જ બે પૂર્વ ધારાસભ્યો, ખુદ જિલ્લા સંગઠનનાં પ્રમુખ, સિનીયર જિલ્લા પંચયાતનાં મહિલા સભ્ય અને એક પ્રદેશ મહિલા મંત્રી સહિતનાં હોદ્દેદારોએ ચાલુ સાંસદ રામસિંહ રાઠવા સામે અસંતોષ વ્યક્ત કરતા ટિકીટ નહિ આપવા રજૂઆત કરી છે. સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી અને રાજ્યના પ્રભારીને લખાયેલો પત્ર વાયરલ થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ જસુ રાઠવા, પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જયંતીભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા, જિલ્લા પંચાયતના સિનિયર મહિલા સભ્ય ગીતાબેન રાઠવા અને પ્રદેશનાં મહિલા મોરચાના મંત્રી ઉર્મિલાબેન વસાવા સાથે જૈન મુની ગણી રાજેન્દ્ર વિજય મહારાજે નેતાઓને પત્ર લખી સાંસદ રામસિંહ રાઠવાની કામગીરી સામે આંગળી ચીંધી છે. તેઓને ટિકીટ ફાળવવામાં આવશે, તો ભાજપને બેઠક ગુમાવવાનો વારો આવશે તેવી હૈયા
વરાળ ઠાલવી છે.
પત્રમાં લખ્યું છે કે, ‘રામસિંહ રાઠવા છેલ્લી ત્રણ ટર્મથી છોટાઉદેપુરનાં સાંસદ છે, ત્યારે એમની નબળી કામગીરીના કારણે કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે અસંતોષ છે. અમે વિસ્તારમાં વિસ્તારક તરીકે જઈએ છીએ, ત્યારે લોકો અમને એમના વિશે ઘણી ફરિયાદો કરે છે. ગુજરાતમાં જો તમામ 26 બેઠકો જીતવી હોય તો રામસિંહ રાઠવાને આ વખતે રિપીટ ના કરશો. એમના સિવાય અન્ય કોઈ પણ હશે, તો અમે તેમને જીતાડી લાવવાની ખાતરી આપીએ છીએ.'
ત્યારે આ વિશે પાવીજેતપુરનાં પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જયંતી રાઠવાને પૂછ્તા તેમણે આડકતરી રીતે ચેતવણી આપતા હોય તેમ ઉદાહરણ સાથે પ્રદેશના નેતાઓને કહ્યું કે, ઉમેદવાર નક્કી કરતા પહેલા કાર્યકર્તાઓ અને લોકોમાં સર્વે કરાવાની જરૂર છે.
તો પોતાની સામે પોતાના જ પક્ષના અને પોતાના જ વિસ્તારના ઉચ્ચ હોદ્દેદારોએ લગાવેલા આરોપોનું ખંડન કરતા રામસિંહ રાઠવાએ કહ્યું કે, છેલ્લાં દસ વર્ષમાં અસંખ્ય વિકાસનાં કામો થયા છે. જે ભાષા વિરોધીઓની હોય એવી ભાષા આ લોકો બોલી જે ડાળ ઉપર બેઠા છે તેને જ તેઓ કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધાએ ટિકીટ માંગી છે એટલે તેઓ બીજાને ખોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે