ગુજરાતના આ બેસ્ટ ડેસ્ટિનેશન પર વીડિયો, ફોટોગ્રાફી કે પ્રિ-વેડિંગ માટે વસુલાશે ચાર્જ, જાણીને જજો, નહીં તો...

દમણના દરિયા કિનારે આવેલા રામસેતુ સી ફેસ રોડ પર મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. અહીંયાની સુંદરતા માણવા પર્યટકો દૂર દૂરથી આવે છે, ત્યારે અહીંના સ્વચ્છ અને સુંદર દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતના આ બેસ્ટ ડેસ્ટિનેશન પર વીડિયો, ફોટોગ્રાફી કે પ્રિ-વેડિંગ માટે વસુલાશે ચાર્જ, જાણીને જજો, નહીં તો...

નિલેશ જોશી/દમણ: દમણ નગર પાલિકા દ્વારા  પ્રવાસીઓ પાસે હવેથી દરિયા કિનારે પાર્કિંગ અને પ્રી-વેડીંગ ફોટો ગ્રાફિકનો ચાર્જ વસૂલવામાં આવશે. દમણના વિશાળ બીચ પર  જ્યાં હજારો પ્રવાસીઓ ફરવા આવે છે. ત્યારે મોટી દમણના જામ્પોર બીચ પર આવેલ રામસેતુ  સી ફેઝ  રોડ અચાનક પાર્કિંગના નામે પ્રવાસીઓને લાગુ કરતા મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, તો  દમણના દરિયા કિનારે પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ 1000 રૂપિયા જેવી મસમોટી ફી વસુલતા પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સત્તાધીશોના આવા તઘલકી નિર્ણયથી સ્થાનિક નેતાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણનો દરિયો ખૂબ જ સુંદર છે. દમણના દરિયાની મોજ માણવા સમગ્ર રાજ્ય અને પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી પર્યટકો દમણ પહોંચે છે. છેલ્લા કેટલાક સમયથી દમણના દેવકા બીચનો દરિયા કિનારો અને દમણના જંપોર બીચના દરિયા કિનારાને સુંદર બનાવવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા દમણના કિલ્લાથી જંપોર બીચ સુધી દરિયાની સુંદરતા વધારવા વિદેશી કિનારાને પણ ટક્કર મારે તેવી સુંદરતા સાથે રામસેતુ સી ફેસ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

દમણના દરિયા કિનારે આવેલા રામસેતુ સી ફેસ રોડ પર મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. અહીંયાની સુંદરતા માણવા પર્યટકો દૂર દૂરથી આવે છે, ત્યારે અહીંના સ્વચ્છ અને સુંદર દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે અત્યાર સુધી દમણના આ રામ સેતુ સી ફેસ રોડ પાસેના પાર્કિંગમાં કરવામાં આવતા વાહન પાર્કિંગ માટે કોઈ પણ ફી વસૂલવામાં નહોતી આવતી. પરંતુ હવેથી દમણ નગરપાલિકા દ્વારા પર્યટકો પાસેથી પાર્કિંગ ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે વસૂલવાની શરૂઆત પણ કરવામાં આવી છે. 

આથી હવેથી દમણ રામસેતુ સી ફેસ પર દમણના દરિયા કિનારે આવતા પર્યટકોએ પોતાના વાહન પાર્કિંગ કરવા ફી ચુકવવી પડશે અને નગરપાલિકા દ્વારા ફી વસૂલવા માટે નગરપાલિકાના કર્મચારીઓને પણ ફરજ સોંપવામાં આવી છે. પર્યટકો પાર્કિંગ ફી વસૂલવા મામલે  ભારે નારાજગી જોવા મળી રહી છે. 

દમણના દરિયા કિનારા પર થયેલા વિકાસને લઈ અત્યારે દમણનો દરિયા કિનારો વિદેશના દરિયા કિનારેને પણ ટક્કર આપે એટલો સુંદર લાગી રહ્યો છે. સિનેમેટોગ્રાફી માટે એટલે કે કેમેરાના એંગલથી દમણના દરિયા કિનારાની સુંદરતાને ચાર ચાંદ લાગે છે. આથી હવે દમણના આ સુંદર દરિયા કિનારે લોકો વીડિયો શુટીંગ માટે અને પ્રી-વેડિંગ શૂટિંગ માટે પણ આવતા હોય છે. દમણના સુંદર દરિયા કિનારે અત્યાર સુધી અસંખ્ય લોકો એ પ્રી વેડિંગ શૂટિંગ પણ કરાવ્યું હતું અને ફોટો શૂટ પણ કરાવ્યું હતું. કેટલીક ફિલ્મોના શૂટિંગ પણ આ દરિયા કિનારે થઈ ચૂક્યા છે.

જોકે અત્યાર સુધી દમણના સુંદર દરિયાકિનારાને કેમેરામાં કંડરવા માટે કોઈ ફી વસૂલવામાં આવતી નહતી, પરંતુ હવેથી દમણ નગરપાલિકા દ્વારા દમણના દરિયા કિનારે કરવામાં આવતા કોમર્શિયલ વીડિયો શુટીંગ એટલે કે પ્રી વેડિંગ શૂટિંગ અને અન્ય શૂટિંગ માટે પણ ફી વસૂલવાનું શરૂઆત કરી છે. હવેથી જો આપ પણ દમણના દરિયા કિનારે પ્રી-વેડિંગ શૂટિંગ માટે જતા હોય તો હવે આપે પણ પ્રી વેડિંગ શૂટિંગ માટે 1000 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. 1000 રૂપિયાની ફીનો ચાંદલો દમણ નગરપાલિકાને કરવો પડશે. જોકે અત્યાર સુધી મફતમાં વીડિયો શુટીંગ થઈ શકતું હતું, પરંતુ હવે નગરપાલિકા દ્વારા ફી વસૂલવાની શરૂઆત કરતાં બહારથી પ્રી વેડિંગ શૂટિંગ માટે આવતા કેટલાક પર્યટકોમાં નારાજગી પણ જોવા મળી છે.

દમણના દરિયા કિનારે થયેલા વિકાસના કામોને લઈ હવે દમણના પર્યટકોમાં વધારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં દર વર્ષે પર્યટકો દરિયા કિનારાની સુંદરતા માણસ આવે છે. ત્યારે હવે અચાનક દમણ નગરપાલિકા દ્વારા પાર્કિંગ માટે અને વિડીયો શુટીંગ માટે ફી વસૂલવાની શરૂઆત કરતાં નારાજગી જોવા મળી રહી છે. જ્યા દમણ  પ્રવાસન પાસે  કરોડોનું ફંડ આવે છે, ત્યારે  દમણની સુંદરતા માણવા આવતા પ્રવાસીઓ સાથે પાર્કિંગ ફીના નામે લૂંટ ચલાવતા  સત્તાધીશોના કારણે પ્રવાસનને  ચોક્કસથી ફટકો પડશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news