ખેડૂતોની છીનવાઈ ખૂશી: વાવાઝોડાએ તૈયાર પાકને કર્યો જમીન દોસ્ત, સર્વે બાદ ચૂકવાશે સહાય
બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વિનાશ વેરનાર તૌકતે વાવાઝોડા સાથે વરસેલા ભારે વરસાદે વડોદરા જિલ્લામાં ઉનાળુ પાક, બાજરી તેમજ બાગાયતી પાક, કેરી અને કેળના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે
Trending Photos
રવિ અગ્રવાલ/ વડોદરા: બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વિનાશ વેરનાર તૌકતે વાવાઝોડા સાથે વરસેલા ભારે વરસાદે વડોદરા જિલ્લામાં ઉનાળુ પાક, બાજરી તેમજ બાગાયતી પાક, કેરી અને કેળના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોના ઉનાળુ પાક અને બાગાયતી પાકને થયેલા વ્યાપક નુકશાન અંગે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા નુકશાનીનો અંદાજ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે.
વડોદરા જિલ્લામાં તૌકતે ચક્રવાત સાથે સરેરાશ અડધો ઇંચથી 3 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં ઉનાળુ પાક બાજરીને વ્યાપક નુકશાન થયું છે. તે સાથે બાગાયતી પાક કેરી અને કેળના પાકને પણ વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતો ઉનાળુ પાક બાજરી લણવાની તૈયારીમાં જ હતા. ત્યાં તૌકતે ચક્રવાત સાથે વરસેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને બાજરી વગર રહેવાનો વખત આવ્યો છે. તૈયાર થઇ ગયેલા બાજરીના ડુંડા સંપૂર્ણ પણે નાશ પામ્યા છે.
જિલ્લાના કેટલાંક તાલુકાઓમાં થયેલા ભારે વાવાઝોડા અને વરસાદને પગલે બાજરીનો ઉભો મોલ જમીન દોસ્ત થઇ ગયો છે. તે સાથે ખેતરો પણ તળાવમાં ફેરવાઇ ગયા છે. મોલ લણવાના સમયે જ તૌકતે ચક્રવાતે ખેડૂતોને રડાવ્યા છે. તે જ રીતે બાગાયત પાક કેરી અને કેળના ઉભા પાકને પણ વ્યાપક નુકશાન થયું છે. વડોદરા જિલ્લામાં આવેલી આંબાવાડીઓમાંથી કેરીઓ ઉતારવાની શરૂઆત થઇ ગઇ હતી અને કેરીઓ બજારમાં વેચાણ માટે આવી રહી હતી. આ વખતે કેરીઓ સારી થઇ હતી.
આંબાવાડીઓમાં થયેલી કેરીઓથી ખેડૂતો ખૂશખૂશાલ હતા. પરંતુ, તૌકતે ચક્રવાત સાથેના ભારે વરસાદે ગણતરીના કલાકોમાં ખેડૂતોની ખૂશી છીનવી લીધી છે. કેળ કરતા ખેડૂતોને પણ રડવાનો વખત આવ્યો છે. કેળ ઉપર લાગેલા કેળા સાથે છોડ ભારે વાવાઝોડામાં જમીનદોસ્ત થઇ ગયા છે. ચક્રવાત સમ્યા બાદ ખેતરોમાં ગયેલા ખેડૂતો કેળ અને આંબા ઉપરથી ખરી પડેલી કેરીઓ જોઇને નિરાશ થઇ ગયા હતા. આ સાથે વડોદરા જિલ્લામાં શાકભાજીના પાકને પણ નુકશાન થયું છે.
શાકભાજી માટે બનાવેલા માંડવા ભારે વાવાઝોડામાં જમીન દોસ્ત થઇ જતાં ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. આમ વડોદરા જિલ્લામાં તૌકતે ચક્રવાતના કારણે ઉનાળુ પાક બાજરી, બાગાયતી પાક કેરી, કેળ અને શાકભાજીમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી નિતીન વસાવાએ જણાવ્યું હતું કે, તૌકતે ચક્રવાતને કારણે વડોદરા જિલ્લામાં ઉનાળુ પાક બાજરીને ભારે નુકશાન થયું છે.
વડોદરા જિલ્લામાં 4 હજાર જેટલા હેક્ટરમાં ઉનાળુ બાજરી છે. બાજરી કાઢવાના સમયે જ ચક્રવાત સાથે ભારે વરસાદ આવતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ખેતરોમાં તૈયાર થઇનો ઉભેલો પાક ભારે વાવાઝાડા અને વરસાદને કારણે ખરાબ થઇ ગયો છે. તેજ રીતે શાકભાજીના પાકને પણ મોટુ નુકશાન થયું છે. વડોદરા જિલ્લામાં પાદરા સહિત તમામ તાલુકાઓમાં શાકભાજી કરવામાં આવે છે. અંદાજે 6 થી 7 હજાર હેક્ટરમાં શાકભાજી થાય છે.
ચક્રવાત અને ભારે વરસાદને કારણે શાકભાજી માટે ખેતરોમાં ઉભા કરાયેલા મંડપો જમીન દોસ્ત થઇ ગયા છે. તે સાથે શાકભાજીને છોડ જમીન દોસ્ત થઇ જતાં મોટુ નુકશાન થયું હોવાનું અનુમાન છે. વડોદરા જિલ્લામાં ખેડૂતોને કેટલું નુકશાન થયું છે તે સર્વે બાદ ખબર પડશે. બાગાયત વિભાગના અધિકારી યોગેશભાઇ શાહે જણાવ્યું હતું કે, બાગાયત ખેતીમાં આવતી કેરીઓ ભારે ચક્રવાતના કારણે આંબા ઉપરથી પડી જતાં આંબાવાડીઓના માલિકોને ભારે નુકશાન થયું છે.
વડોદરા જિલ્લામાં સંખ્યાબંધ આંબાવાડીઓ છે. હાલમાં કેરીઓ ઉતારીને બજારમાં વેચવાનો સમય આવતા જ ચક્રવાતે કેરીના પાકને ભારે નુકશાન પહોંચાડ્યું છે. તે જ રીતે વડોદરા જિલ્લામાં 6 થી 7 હજાર જેટલા હેક્ટરમાં કેળ છે. ચક્રવાતમાં તૈયાર કેળાના છોડ જમીન દોસ્ત થઇ જતાં ખેડૂતોને ભારે નુકશાન થયું છે. આજથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વે બાદ નુકશાનીનો ચોક્કસ અંદાજ બહાર આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે