ઐતિહાસિક ચુકાદો : બાળકીને પીંખનારા ગાંધીનગરના નરાધમને આજીવન કેદની સજા ફટકારાઈ
નવા વર્ષના દિવસે સાંતેજમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં મોટો અને ઐતિહાસિક ફાસ્ટટ્રેક ચુકાદો આવ્યો છે. ગાંધીનગરના નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો : નવા વર્ષના દિવસે સાંતેજમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં મોટો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ગાંધીનગરના નરાધમને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દુષ્કર્મ કેસના આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આ કેસમાં જે મામલે ઝડપથી કાર્યવાહી થઈ અને આજે એક મહિના કરતા ઓછા સમયમાં આરોપીને સજા મળી ગઈ છે. ગાંધીનગરના સાંતેજમાં થયેલા દુષ્કર્મના કેસમાં કોર્ટ આજે ચુકાદો આવ્યો છે. આ કેસમાં પોલીસ તંત્રની ઝડપી કામગીરી માસૂમ બાળકીના દોષિતોને ન્યાય અપાવવામાં નિર્ણાયક રહી છે. દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી છે. આવી જ કામગીરી સુરતમાં દુષ્કર્મના કેસમાં થઈ હતી. માત્ર 29 જ દિવસમાં બાળકીના આરોપીને ન્યાય મળ્યો હતો. માસૂમ બાળકીને પીંખીં નાખનાર હેવાનને સજા સંભળાવવા માટે કોર્ટ પણ રાત્રે 12 વાગ્યા સુધી ચાલી હતી.
કોર્ટે કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવ્યો
ગાંધીનગર કોર્ટે ખૂબ જ ટૂંકા સમયમાં આ જજમેન્ટ આપ્યું છે. ત્યારે આ ચુકાદો દીકરીઓની સલામતી માટે મહત્વપૂર્ણ ચુકાદો કહી શકાય. ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલામાં આજે સેશન્સ કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવાયો હતો. દેશના ઇતિહાસમાં સૌથી ઝડપી માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. ત્યારે મજબૂત પુરાવાઓને આધારે કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરાઈ હતી. આરોપી વિજય ઠાકોર સામે ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે.
સરકારી વકીલ સુનીલ પંડ્યાએ કોર્ટને કહ્યુ હતું કે, આ ગુનામાં ભોગ બનાનાર વ્યક્તિ ત્રણ વર્ષની દીકરી હતી. ગુનેગારે તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ પુરવાઓનો નાશ કર્યો હતો. આરોપીને પોતાને પણ સાત વર્ષની દીકરી છે અને આરોપીએ ત્રણ વર્ષની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યુ હતું. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આવા ગંભીર ગુનામાં કડકમાં કડક સજા કરવી જોઈએ. આવા વ્યક્તિઓએ છોડી દેવામાં આવે તો ઘણું નુકસા થાય. તેથી આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ, અને આજીવન કેદની સજા ના કરવી જોઈએ.
માત્ર 8 દિવસમાં ચાર્જશીટ કરાઈ હતી
ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનાર કેસ છે. દિવાળીના તહેવારમાં સાંતેજની બાળકી સાથે વિજય ઠાકોરે દુષ્કર્મ આચર્યુ હતું. આ કેસનો ઝડપથી ઉકેલ લાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા હતા. ત્યારે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં 60 વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, એફએસએલ રિપૉર્ટ, સહિતના મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. .આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ સુનીલ પંડયાએ ફાંસીની સજાનાં 13 જજમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા. અને 66 પાનાની દલીલો પણ રજૂ કરી હતી.
હેવાનિયતની હદ વટાવતું કૃત્ય વિજય ઠાકોરે કર્યું
ગાંધીનગરમાં ત્રણ બાળકીઓ પર રેપ થવાની ઘટના સામે આવી હતી. જેમાં ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. જેમા આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરવામા આવી હતી. વિજયને છ વર્ષની દીકરી છે અને તેની પત્ની સાત મહિનાથી ગર્ભવતી હતી. ગત 15 દિવસોથી તે પોતાની પત્ની સાથે સેક્સ કરી શક્તો ન હતો. તેથી તેણે નાની બાળકીઓને પોતાનો શિકાર બનાવવાનુ નક્કી કર્યુ હતું. તેણે જે પહેલી બાળકી સાથે દુષ્કર્મ કર્યુ હતુ, તેમાં તેની કરતૂત બહાર આવી ન હતી. જેથી તેની હિંમત ખૂલી હતી અને તેણે વધુ બાળકીઓને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યુ હતું. દિવાળીના દિવસે તે પાંચ વર્ષની બાળકીને નવા કપડા અપાવવાની લાલચમાં લઈ ગયો હતો, અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું, તેના બાદ તેણે બાળકીને છોડી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે