દાણીલીમડા કોર્પોરેટર પોલીસ જાપ્તા સાથે રહેશે હાજર, કોર્ટે આપ્યા 5 કલાકના જામીન

શાહઆલમ તોફાનના કેસમાં આરોપી કોર્પોરેટર શહેજાદખાન પઠાણ હાજર રહેવાનો છે. બોર્ડમાં હાજર રહેવા માટે કોર્ટે તેને પાંચ કલાકના જામીન આપ્યા છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં પોલીસ કસ્ટડી સાથે પહેલીવાર આવા કોર્પોરેટર હાજર થતા હોય તેવું નથી.

દાણીલીમડા કોર્પોરેટર પોલીસ જાપ્તા સાથે રહેશે હાજર, કોર્ટે આપ્યા 5 કલાકના જામીન

અર્પણ કાયદાવાલ, અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે મળવાની છે. જેમાં શાહઆલમ તોફાનના કેસમાં આરોપી કોર્પોરેટર શહેજાદખાન પઠાણ હાજર રહેવાનો છે. બોર્ડમાં હાજર રહેવા માટે કોર્ટે તેને પાંચ કલાકના જામીન આપ્યા છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં પોલીસ કસ્ટડી સાથે પહેલીવાર આવા કોર્પોરેટર હાજર થતા હોય તેવું નથી. ભૂતકાળમાં કોર્પોરેટર રહી ચૂકેલા કુખ્યાત ડોન અબ્દુલ લતીફ શેખ ઉપરાંત હસનલાલા અને ગુજ્જુખાન પણ જેલમાં હતા ત્યારે કોર્ટના ઓર્ડર સાથે જેલમાંથી કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજરી આપવા માટે આવતા હતા.

લતીફ સભામાં હાજર રહેતો ત્યારે પોલીસ છાવણીમાં આખું કોર્પોરેશન ફેરવાઈ જતું
ડોન અબ્દુલ લતીફ 1987માં થયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી કાલુપુર, રાયખડ, દાણીલીમડા, જમાલપુર અને દરિયાપુરમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યો હતો. બાદમાં તેની સામે કેસો થયા હતા, જેમાં તે જેલમાં બંધ હતો. કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહેતો હતો ત્યારે પોલીસ છાવણીમાં આખું કોર્પોરેશન ફેરવાઈ જતું હતું ત્યારે આજે શહેજાદખાન પણ પોલીસ જાપ્તા સાથે સામાન્ય સભામાં હાજર રહેશે.

શહેઝાદ પઠાણ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહી શક્યો નહોતો
CAAના વિરોધમાં શાહઆલમમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ પર પથથરમારો કરાયો હતો. પોલીસે શાહઆલમના કોર્પોરેટર શહેઝાદ પઠાણ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. ધરપકડના કારણે શહેઝાદ પઠાણ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહી શક્યો નહોતો. અગાઉ એક સામાન્ય સભામાં તે લીવ લઈ હાજર રહ્યો નહોતો. બે સામાન્ય સભામાં તે ગેરહાજર રહ્યો હોવાને કારણે આગામી ત્રીજી સામાન્ય સભામાં તેને હાજર રહેવું ફરજીયાત બન્યુ છે. 

કોઈપણ કોર્પોરેટર સળંગ ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહે તો તે ડીસ્કવોલીફાઈ થાય છે. જેથી શહેઝાદે સભામાં હાજર રહેવા કોર્ટમાંથી જામીન માંગ્યા હતા કોર્ટે તેને પાંચ કલાકના જામીન આપ્યા છે. જેથી આજે સામાન્ય સભામાં હાજર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news