અમદાવાદમાં કોરોનાનો યુ ટર્ન, ખાનગી હોસ્પિટલમાં માત્ર 189 દર્દી જ સારવારમાં છે
Trending Photos
- અમદાવાદમાં માત્ર 189 દર્દીઓ જ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
- અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમદાવાદીઓએ આખરે કોરોના (gujarat corona update) ને હંફાવ્યો છે. એક સમય હતો, જ્યારે અમદાવાદમાં કોરોનાનો કહેર હતો, અને કોરોનાના કેસ કાબૂ બહાર ગયા હતા. પરંતુ હવે તેનો ગ્રાફ સતત નીચે આવી રહ્યો છે. કોરોનાના કેસો (corona case) ઘટતાં ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હવે માત્ર 81 ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાશે.
હાલ અમદાવાદમાં માત્ર 189 દર્દીઓ જ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો 89 ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 3005 બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ છે. એટલે કે, આટલા બેડ હાલ ખાલી છે. 2,816 જેટલા બેડ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ખાલી છે. દિવાળી બાદ કોરોનાના વધેલા કેસોને પગલે AMC દ્વારા 105 જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડની સારવાર માટે પરવાનગી અપાઈ હતી, જેમાં હવે મોટો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે
- હાલ કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનના 1180 માંથી હાલ માત્ર 61 બેડ પર દર્દી સારવાર હેઠળ છે.
- HDU ના 1005 બેડમાંથી 82 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ
- ICU વિથઆઉટ વેન્ટીલેટરના 430 બેડ છે ઉપલબ્ધ, જેમાંથી હાલ માત્ર 27 દર્દીઓ સારવાર હેઠળ
- ICU વિથ વેન્ટીલેટરના 201 બેડમાંથી હાલ માત્ર 19 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ
ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીએ અમદાવાદમાં 90 ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળતી હતી, જે હવે ઘટીને 81 થઈ છે. 20 જાન્યુઆરીએ ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં કુલ 3395 બેડ ઉપલબ્ધ હતા, જે હવે ઘટીને 3005 થયા છે. તેમજ 20 જાન્યુઆરીએ ખાનગી કોવિડ હોસ્પિટલમાં 232 દર્દીઓ સારવાર હેઠળ હતા જે હવે ઘટીને 189 થયા છે.
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 451 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 700 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,48,650 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
આ પણ વાંચો : જુનાગઢના આ ખેડૂતે વધારાની આવક મેળવવાનો રસ્તો શોધી લીધો
મે-જૂન મહિનામાં વધુ રાહત મળશે
કોરોનાની સ્થિતિ વિશએ એમડી ફિઝીશિયન ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે તમામ લોકો માટે રાહતની ખબર છે, જો કે હાલની સ્થિતિ જોતા આપણે માસ્ક પહેરવાનું છોડી દઈએ તેવું ના થવું જોઈએ. કોરોના હજુ પણ છે, એટલે માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરતા રહેવું જરૂરી જ રહેશે. આ સિવાય UK સ્ટ્રેઇનના કેટલાક દર્દીઓ આપણા દેશમાં જોવા મળ્યા. જેઓ વિદેશથી પરત ફર્યા હતા. પરંતુ સદનસીબે વિદેશોમાં જે રીતે કોરોનાના કેસો જે ઝડપથી વધ્યા છે એ જોતાં આપણી સ્થિતિ ખૂબ જ સારી કહી શકાય. આ સિવાય દેશમાં વેક્સીનેશન પણ શરૂ થઈ ગયું છે એટલે હવે અપેક્ષા કરીએ કે દેશને વધુ નુકસાની ઉઠાવવી ના પડે. સૌ કોઈ સમજદારી દાખવે, દિવાળીમાં જે ભૂલ થઈ તેવી ભૂલ ઉત્તરાયણમાં થઈ નથી. જે સાવચેતીથી લોકોએ ઉત્તરાયણ ઉજવી એવી જ રીતે જો પરિવાર સાથે સાવચેતીથી આગામી સમયમાં સંયમ જાળવી રાખીશું, તો મે જૂન મહિના સુધીમાં વધુ રાહત મળશે. હાલ ખાનગી હોસ્પિટલમાં તેમજ સરકારી હોસ્પિટમાં પણ અનેક બેડ ખાલી છે, આવી જ સ્થિતિ રહેશે તો જે કોઈ કોરોનાગ્રસ્ત થશે તેને સારી અને ઝડપી સારવાર આપી શકાશે, જેનાથી મૃત્યુદર પણ નિયંત્રિત રાખી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે