સોમનાથના ત્રિવેણી સંગમ પર પિંડદાન અને અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ, તીર્થ પુરોહિતોનું ઉપવાસ આંદોલન
સોમનાથના ત્રિવેણી સંગમ અસ્થિ અને પિંડદાન વિસર્જનના પ્રતિબંધનો વિવાદ વધુ વકર્યો છે. તંત્ર દ્વારા જાહેરનામાની કડક અમલવારીના પગલે તીર્થ પુરોહિતો સહપરિવાર ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે
Trending Photos
હેમલ ભટ્ટ/ ગીર સોમનાથ: સોમનાથના ત્રિવેણી સંગમ અસ્થિ અને પિંડદાન વિસર્જનના પ્રતિબંધનો વિવાદ વધુ વકર્યો છે. તંત્ર દ્વારા જાહેરનામાની કડક અમલવારીના પગલે તીર્થ પુરોહિતો સહપરિવાર ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. જેના કારણે તંત્રમાં દોડધામ મચી છે અને વિવાદનો ઉકેલ લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રભાસ તીર્થમાં મોક્ષની ભૂમિ એવા ત્રિવેણી સંગમમાં આદિ અનાદિ કાળથી થતાં અસ્થિ વિસર્જન અને પિંડદાન કે પુષ્પો પધરાવવા પર એકાએક તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ લાદવામાં આવતા ભાવિકો અને સ્થાનિક તીર્થ પુરોહિત એવા સોમપુરા બ્રહ્મ સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. ગઈ કાલે આ મુદ્દે સોમનાથ ટ્રસ્ટ સિક્યુરિટી અને તીર્થ પુરોહિતો વચ્ચે ચકમક પણ થઈ હતી અને તીર્થ પુરોહિતો દ્વારા જિલ્લા કલેક્ટરને રોષ ભેર આવેદનપત્ર પાઠવી પ્રતિબંધાત્મક જાહેરનામું પરત ખેંચવા રજુઆત કરી હતી પરંતુ કોઈ યોગ્ય ઉકેલ ના આવતા આજ સવારથી તીર્થ પુરોહિતો સહપરિવાર ત્રિવેણી સંગમ ઘાટ પર ઉપવાસ પર ઉતરી જતાં તંત્ર માં દોડધામ મચી છે.
તીર્થ પુરોહિતોના ઉપવાસ આંદોલનના પગલે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, નગરપાલિકા પ્રમુખ, હિન્દૂ સમાજના આગેવાનો ત્રિવેણી સંગમ ખાતે મુલાકાતે પહોંચ્યા હતા અને વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો હતો. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ વિવાદનો સુખદ અંત લાવવા કટિબદ્ધ હોવાનું જિલ્લા બી.જી.ગોહિલે જણાવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ પવિત્ર ત્રિવેણી નદીમાં પ્રદુષણનું પ્રમાણ વધતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ત્રિવેણી નદીના પ્રદૂષણને અટકાવવા તાકીદ કરતા ત્રિવેણી નદીમાં અસ્થિ અને પિંડદાન વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આ વિવાદનો ક્યારે અને કેવો અંત આવે છે તે તરફ સહુની મીટ મંડાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે