કોંગ્રેસનું ખેડૂતોના દેવામાફીનું બિન-સરકારી વિધેયક વિધાનસભામાં બહુમતિથી ફગાવાયું

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા ખેડૂતોની દેવામાફી માટે ગુરૂવારે એક બિન-સરકારી વિધયક રજૂ કર્યું હતું, જેને ચર્ચાને અંતે બહુમતિથી ફગાવી દેવાયું હતું 
 

કોંગ્રેસનું ખેડૂતોના દેવામાફીનું બિન-સરકારી વિધેયક વિધાનસભામાં બહુમતિથી ફગાવાયું

બ્રિજેશ દોષી/હીતલ પારેખ- ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા ખેડૂતોની દેવામાફી માટે ગુરૂવારે એક બિન-સરકારી વિધયક રજૂ કર્યું હતું, જેને ચર્ચાને અંતે બહુમતિથી ફગાવી દેવાયું હતું. કોંગ્રેસે કહ્યું કે, દેશના 9 રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પરંતુ ગુજરાત સરકારે કરવું નથી. આ બિલ પર રાજ્ય સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. નીતિન પટેલે જવાબ દરમિયાન 'ખેડૂત વિરોધી પાપી સરકાર' કહેતાં કોંગ્રેસના ધારાસભ્યો પોતાની બેન્ચ પર ઊભા થઈ ગયા હતા અને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. 

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષધ રિબડીયાએ ખેડૂતોની દેવામાફી અંગે ગુરૂવારે રાજ્ય વિધાનસભામાં એક બિન-સરકારી વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયક રજૂ કરતાં હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે, "રાજ્યમાં આજે ખેડૂત જગત માટે ઐતિહાસિક દિવસ છે. રાજ્યમાં કુલ 58 લાખ ખેડૂત પરિવાર છે અને 68 લાખ ખેતમજૂર છે. રાજ્યમાં અંદાજે 3.5 કરોડ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. રાજ્ય કક્ષાની બેન્કિંગ કમિટીના આંકડા અનુસાર ગુજરાતનો કૃષિ વિકાસ દર 4.2 ટકા છે."

તેમણે વધુમાં કહ્યું કે, "સરકારના સામાજિક અને આર્થિક સર્વેમાં 47 લાખ હેકટરની ક્ષમતા સામે ફક્ત 30 લાખ હેકટરમાં જ સિંચાઇનું પાણી પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોને તકલીફ પડી રહી છે. 
સરકાર કહે છે કે, અમે ટેકાના ભાવે ખરીદી કરી છે, પરંતુ  માત્ર 15 ટકા ખેડૂતોનો જ માલ ખરીદાય છે, બાકીના 85 ટકા ખેડૂતો ખુલ્લા બજારમાં માલ વેચે છે. ખેત પેદાશો પર GST લાગી રહ્યો છે. ખેત ઉત્પાદન ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે. રાજ્યમાં 70 ટકાથી વધુ ધારાસભ્યો ખેડૂતોના મતોથી ચૂંટાઈને આવે છે. આજે આ બિલના સમર્થનમાં તમામ ધારાસભ્યોએ મત આપવો જોઈએ. દેશના 9 રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે, ગુજરાતમાં પણ થાય તેમ છે, પરંતુ સરકારને કરવું નથી."

ખેડૂત દેવામાફી અંગેના બિન-સરકારી વિધેયકની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું કે, "વિપક્ષના સભ્યોને અમારી સરકારની કામગીરી દેખાતી નથી. કોંગ્રેસે વર્ષ 2017 અને 2019ની ચૂંટણીમાં દેવામાફીની વાત કરી હતી તેમ છતાં ખેડૂતો ભાજપની સાથે રહ્યા છે. ખેડૂતોએ ભાજપ પર પૂરેપૂરો ભરોસો મુક્યો છે. જે લોકો ખેડૂતોની દેવામાફીની વાત કરે છે તે લોકોના સમયે 18 ટકાના વ્યાજે લૉન અપાતી હતી. અમારી સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કર્યા છે. ખેડૂતોને દેવામાફી આપવી એ સમસ્યાનો ઉકેલ નથી. તમારી અને અમારી લાગણી એક હોઈ શકે, પણ ખેડૂતોનાં દેવા માફ કરવા એ કોઈ ઉપાય નથી."

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે, "24-24 વર્ષથી આપની સરકાર છે, છતાં ખેડૂતો દેવાદાર બન્યા છે. આપને શરમ આવવી જોઈએ. યુપીએ સરકારમાં ખેડૂતોને જે ભાવ મળતા હતા, તે ભાજપના રાજમાં મળતા નથી. 24 વર્ષમાં કેટલા ડેમ બાંધ્યા તે આંકડા આપો? જો ડેમ બાંધ્યા હોત તો ખેડૂત દેવાદાર થતા નહીં. યુપીએ સરકારે ખેડૂતોનું રૂ. 72 હજાર કરોડનું દેવું માફ કર્યું હતું. ખેડૂતોના ઘરમાં રૂપિયો આવશે તો બજારમાં રૂપિયો ફરશે. ખેડૂતોને ડુપ્લીકેટ બિયારણ અપાય છે. દેવભૂમિદ્વારકામાં ખેડૂતોની હાલત સૌથી ખરાબ છે. અહીં એક જ સાની ડેમ છે,તેને પણ જાન્યુઆરી મહિનામાં તોડી નાખવાના છે. ખેડૂતોનું ઋણ ચૂકતે કરવા તમામ 182 ધારાસભ્યો એક થાય એ જરૂરી છે."

ખેડૂતોની દેવામાફી વિધેયકમાં વધુ ચર્ચા માટે પૂંજાભાઈ વંશે વધુ એક કલાક ફાળવવા માટે અધ્યક્ષ સમક્ષ માગણી કરી હતી. જોકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમયની મર્યાદા હોવાને કારણે અધ્યક્ષને સમય આપવાનો ઇનકાર કર્યો હતો. આથી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કહ્યું કે, 50,000 કરોડનું ખેડૂતોનું દેવું માફ કરી દો. અમારે બોલવાનો સમય જોઈતો નથી. 

ખેડૂતોના દેવામાફી વિધેયક પર પોતાનો જવાબ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, "ખેડૂતને જે વસ્તુ જોઈતી હોય તે ન મળે તો ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. ખેડૂતોના દેવા માફીની વાત કરનાર તમામને મારે કહેવું છે કે, આ પીન ચોંટી ગઈ છે. ધીરાણ અને દેવું બંને વચ્ચેનું અંતર બધાને ખબર હોવું જોઈએ. લોન એટલે ધિરાણ. લોન કે ધિરાણ લીધા પછી તે ભરી શકે અને NPA થાય ત્યારે વ્યક્તિ દેવાદાર થાય છે."

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, " ખેડૂતોને દેવાદાર દેવાદાર કહીને તેમને બદનામ ન કરો. ખેડૂતોએ વર્ષ 2016માં 95.27 ટકા લોન ભરપાઇ કરી છે. વર્ષ 2016-17માં 95.46 ટકા ખેડૂતોએ લોન ભરપાઇ કરી અને વર્ષ 2017-18માં ખેડૂતોએ 94.61 ટકા લીધેલી લોન ભરપાઇ કરી છે. વર્ષ 2018-19 માં 95.70 ટકા લીધેલી લોન ખેડૂતોએ ભરપાઈ કરી છે. દર વર્ષે રૂ.45000 કરોડ જેટલું ધિરાણ સહકારી બેંકો પાસેથી ખેડૂતો મેળવે છે અને ૯૦ થી ૯૫ ટકા ખેડૂતો તેને ભરપાઇ કરી દે છે."

પોતાના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસની સરકાર અંગે 'ખેડૂત વિરોધી પાપી સરકાર, શોષણ કરનારી સરકાર'નું નિવેદન આપતાં ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પોતાની જગ્યા પર ઊભા થઈને વિરોધ કરવા લાગ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂત તરફી બેનરો ફરકાવ્યા હતા અને "ખેડૂત વિરોધી સરકાર, નહીં ચલેગી... નહીં ચલેગી...."ના નારા લગાવ્યા હતા. પરેશ ધનાણીએ નીતિન પટેલને જવાબ આપતા કહ્યું કે, અમે ખેડૂતોના હત્યારા નથી. 

ત્યાર પછી કોંગ્રેસ દ્વારા 'ખેડૂતોની દેવામાફી અંગેના બિન-સરકારી વિધેયક' પર મતદાનની માગણી કરી હતી. આ મતદાનમાં બહુમતિના જોરે બિલને ફગાવી દેવામાં આવતાં કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રોચ્ચાર સાથે ગૃહની બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો 'ખેડૂત વિરોધી સરકાર નહીં ચલેગી...નહીં ચલેગી....'ના નારા લગાવતા-લગાવતા અધ્યક્ષની ચેમ્બર સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. 

પત્રકારો સાથે વાતચીત કરતાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે, "ખેડૂતોના માતે રૂ.83,000 કરોડનું દેવું છે. ખેતરોમાં રોઝ-ભૂંડનો ત્રાસ છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. અપુરતા વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ થાય છે. સરકાર સિંચાઈનું પાણી પુરતું આપતી નથી. તમામ ખેડૂત સંગઠનો કોંગ્રેસની પડખે હતા, તેમ છતાં ધારાસભ્યોએ ખેડૂતો માટેનું બિલ ફગાવી દેવાયું છે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news