કોંગ્રેસમાં હવે ક્યાં કાણું પડશે? કોંગ્રેસના અર્જુનને હવે સત્તાના પક્ષીની આંખ દેખાઈ ગઈ
Gujarat Congress MLA Resignation Row : ત્રણ ધારાસભ્યોની કોંગ્રેસમાંથી વિદાય બાદ અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં... મોઢવાડિયા ભાજપમાં જાય તો જોડે કોને કોને લેતાં જશે એ વિશે રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા...
Trending Photos
Gujarat Politics : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મોટું માથું ગણાતા સીજે ચાવડાએ આજે રાજીનામું આપ્યું. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા મળી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજીનામાનો દોર શરૂ થયો. 2 મહિનામાં ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ અને હવે સી.જે.ચાવડાનું MLA પદેથી રાજીનામું આપ્યું. વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 15 ધારાસભ્યો બચ્યા છે. તો વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 179 થયું છે. રામમંદિર મુદ્દે મળી રહેલી વ્યાપક લોકપ્રિયતાથી પોરસાયેલા ગુજરાત પ્રદેશ ભાજપે આખરે ખેલ પાડવાનું શરૂ કરી દીધું છે. સામા પ્રવાહમાં તરીને પણ પોતાની બેઠક જાળવી રાખનાર ડો. સી.જે. ચાવડા કોંગ્રેસનો ખેસ ઉતારીને ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. એવું મનાય છે કે ચાવડાને વિજાપુરની પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવીને ભાજપ છેવટે કેબિનેટ મંત્રીપદ આપશે. દરમિયાન, હવે જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં અર્જુન મોઢવાડિયા અને તેમની છાવણીના કેટલાંક ટોચના નેતાઓ લાઈનમાં હોવાનું કહેવાય છે.
બાવળિયા, રાઘવજી પછી હવે ચાવડા?
અગાઉ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરાવીને મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા તેમાં કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રીપદ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસમાંથી આવીને મંત્રી બનેલા નેતાઓ પૈકી રાઘવજી પટેલની કામગીરી પણ નોંધપાત્ર હોવાનું કહેવાય છે. હવે એ જ ક્રમમાં સી.જે. ચાવડાને વીજાપુરની પેટાચૂંટણી લડાવીને કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવે એવી શક્યતા નકારી શકાય નહિ. જોકે અગાઉ જવાહર ચાવડા તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને પણ મંત્રી બનાવ્યા હતા અને પછીની ચૂંટણીમાં તેમનું પત્તુ કાપી નંખાયું હતું. ચાવડાનું શું થાય છે, બાવળિયા અને રાઘવજીની માફક ટકી જાય છે કે જવાહર અને હકુભાની માફક કપાઈ જાય છે એ તો સમય જ કહેશે?
એકધારા સંઘર્ષ પછી સત્તાવંચિત અર્જુનને હવે થાક લાગ્યો છે?
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દાયકાઓથી પક્ષ માટે અડીખમ કામ કરનાર નેતા તરીકે અર્જુન મોઢવાડિયા જનતાના નેતા મનાય છે. વારંવાર ચૂંટણી હાર્યા પછી આ વખતે પોરબંદરની જનતાએ તેમને વિધાનસભામાં ચૂંટી મોકલ્યા છે. પરંતુ કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેના જૂના ખટરાગને લીધે મોઢવાડિયાને કોંગ્રેસમાં વધુ તક દેખાતી નથી એવું કોંગ્રેસના જ આંતરિક વર્તુળોમાં લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું છે. હાલમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી ન આપવા અંગે કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય જાહેર કર્યો ત્યારે તેનો પહેલો અને બોલકો વિરોધ કરનાર કોંગ્રેસી નેતાઓમાં અર્જુન મોઢવાડિયા મુખ્ય હતા. મોઢવાડિયાના નિવેદન પછી તરત તેમના રાજકીય શિષ્ય મનાતા પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેરે પણ એ જ તર્જ પર ટ્વિટ કર્યું એ પછી ગુરુ-શિષ્યના પક્ષપલટાની સંભાવનાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે. હવે આ અઠવાડિયે તેમાં નવાજૂની થાય તેવી સંભાવના નકારી શકાય નહિ.
ગુરુ-શિષ્ય કોને પોતાની સાથે લઈ જશે?
અર્જુન મોઢવાડિયા લાંબા સમયથી સત્તાના દાયરાની બહાર છે. ભાજપ તેમને રાજ્યસભાના સભ્ય બનાવે તો મોઢવાડિયા માટે એ તક આવકાર્ય જ ગણાશે. અમરિશ ડેર માટે તો પ્રદેશપ્રમુખ સી.આર.પાટિલે લાંબા સમયથી બસની સીટ પર રૂમાલ મૂકી જ રાખ્યો છે. આહિર સમાજના આક્રમક યુવા નેતા તરીકે ડેર દરિયાકાંઠાના વિસ્તારોની વોટબેન્ક પર ભાજપની સરસાઈ વધારવામાં મદદરૂપ થઈ શકે. પરંતુ હાલ જાણવા મળતી વિગતો મુજબ ડેરને મહત્વના બોર્ડ કે નિગમમાં સ્થાન આપવામાં આવે એ શક્યતા બળવત્તર જણાય છે. બોર્ડ અને નિગમના હોદ્દેદારોની યાદી તૈયાર હોવા છતાં લાંબા સમયથી તેની જાહેરાત થઈ રહી નથી. એ સંજોગોમાં ડેરને તેમાં સ્થાન મળી શકે છે. મોઢવાડિયા ગ્રુપના બીજા નેતાઓમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ પક્ષપલટામાં સામેલ હોઈ શકે પરંતુ હજુ સુધી તેમના નામની ચર્ચા સાંભળવા મળતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે