કોંગ્રેસના પક્ષપલટુઓ : જાણો કઈ બેઠક પર કેટલા મળ્યા મત અને કોને હરાવ્યા, 5 બેઠકોનું આ છે ગણિત

Gujarat By-Election 2024 : લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીનો પણ જંગ જામશે, ત્યારે ગુજરાતની જનતા પક્ષપલટુઓને સાથે આપશે કે નહિ તે જોવું રહ્યું

કોંગ્રેસના પક્ષપલટુઓ : જાણો કઈ બેઠક પર કેટલા મળ્યા મત અને કોને હરાવ્યા, 5 બેઠકોનું આ છે ગણિત

Gujarat BJP By-Election Candidate List : લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ ગુજરાતમાં વિપક્ષ તુટતો ગયો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં 156 બેઠક મળી હતી, કોંગ્રેસના ભાગે 17 બેઠક આવી હતી પરંતુ એક પછી એક 4 કોંગ્રેસી, એક આપ અને એક અપક્ષના ધારાસભ્યએ ભાજપનો કેસરી ખેસ ધારણ કરી લીધો. ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી 6 બેઠકમાંથી 5 બેઠકની ચૂંટણી યોજાવાની છે. ભાજપે ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ત્યારે કઈ બેઠકથી કોણ લડશે?, કઈ બેઠક પર નહીં યોજાય ચૂંટણી?. કેવો જામશે વિધાનસભાનો જંગ?. જુઓ આ અહેવાલમાં....

લોકસભા સાથે વિધાનસભા ચૂંટણીનો પણ જંગ
ગુજરાતમાં 5 બેઠકની યોજાશે પેટા ચૂંટણી
ભાજપે જાહેર કર્યા પેટા ચૂંટણીના ઉમેદવાર
કેસરી ખેસ પહેરનારને મળી ટિકિટ

દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠક ચૂંટણી યોજાવાની છે. લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના દિવસે યોજાવાનું છે તેની સાથે જ વિધાનસભાની આ પાંચ બેઠકનું મતદાન થશે. ગુજરાતમાં ખાલી તો 6 બેઠક પડી છે પરંતુ વીસાવદર બેઠક પર કોર્ટ મેટર ચાલતી હોવાથી હાલ ત્યાં ચૂંટણી નથી યોજાવાની. ભાજપે આ પાંચેય બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેમાં જે પણ લોકો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. તેઓ આ વખતે ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડશે. કોને ક્યાંથી ટિકિટ મળી તેની વાત કરીએ તો, પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વીજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ મળતાં જ મોઢવાડિયાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

પેટા ચૂંટણીમાં કોણ ક્યાંથી મેદાનમાં? 
પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા
વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ખંભાતથી ચિરાગ પટેલ 
માણાવદરથી અરવિંદ લાડાણી
વીજાપુરથી સી.જે.ચાવડા

કોંગ્રેસમાંથી 4 ધારાસભ્યો, આપમાંથી એક અને અપક્ષમાંથી એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. 2022માં વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીતેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા. પરંતુ લોકસભાની સાથે વીસાવદરમાં ચૂંટણી નહીં યોજાય. તો વાઘોડિયાથી અપક્ષ જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં સામેલ થઈ ગયા બાદ તેઓ ફરી એકવાર ચૂંટણીમાં ઝંપલાવશે. તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

હવે થોડા ઈતિહાસ પર નજર નાંખી લઈએ...તો 2022ની ચૂંટણીમાં આ બેઠકો પર શું પરિણામ આવ્યું હતું?. પોરબંદરની તો 2022માં ભાજપમાંથી બાબુ બોખિરિયા અને કોંગ્રેસમાંથી અર્જૂન મોઢવાડિયા ઉમેદવાર હતા. મોઢવાડિયાને 49.36 ટકા એટલે કે 82 હજાર 56 મત મળ્યા હતા. જ્યારે ભાજપના બોખિરિયાને 44.44 ટકા એટલે કે 73 હજાર 875 મત મળ્યા હતા. મોઢવાડિયા 8 હજાર 181 મતથી વિજેતા થયા હતા. વાત વાઘોડિયાની તો અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 42.65 ટકા સાથે 77 હજાર 905 મત મળ્યા હતા. જ્યારે ભાજપના અશ્વિન પટેલને 34.98 ટકા સાથે 63 હજાર 899 મત મળ્યા હતા. અપક્ષના વાઘેલા 14 હજાર 6 મતથી વિજેતા થયા હતા. વિજાપુરમાં કોંગ્રેસના સી.જે.ચાવડાને 49.12 ટકા સાથે 78 હજાર 749 મત અને ભાજપના રમણ પટેલને 45.8 ટકા સાથે 71 હજાર 696 મત મળ્યા હતા. તો ખંભાતમાં કોંગ્રેસના ચિરાગ પટેલને 43.53 ટકા સાથે 69 હજાર 69 મત અને ભાજપના મહેશ રાવલને 41.19 ટકા સાથે 65 હજાર 358 મત મળ્યા હતા. ચિરાગ પટેલનો 3 હજાર 711 મતથી વિજય થયો હતો અને માણાવદરમાં કોંગ્રેસના અરવિંદ લાડાણીને 45.14 ટકા સાથે 64 હજાર 690 મત અને ભાજપના જવાહર ચાવડાને 39.89 ટકા સાથે 61 હજાર 237 મત મળ્યા હતા. અરવિંદ લાડાણી 3 હજાર 453 મતથી વિજેતા થયા હતા.

વિધાનસભા ચૂંટણી-2022

બેઠક-પોરબંદર 
કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાને 49.36 ટકા, 82056 મત મળ્યા હતા
ભાજપના બાબુ બોખિરિયાને 44.44 ટકા, 73,875 મત મળ્યા હતા
અર્જૂન મોઢવાડિયા- 8,181 મતથી વિજેતા 

બેઠક-વાઘોડિયા 
અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 42.65, 77,905 મત મળ્યા હતા
ભાજપના અશ્વિન પટેલને 34.98 ટકા, 63, 899 મત મળ્યા હતા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા- 14006 મતથી વિજેતા 

બેઠક-વિજાપુર
કોંગ્રેસના સી.જે.ચાવડાને 49.12 ટકા, 78,749 મત મળ્યા હતા
ભાજપના રમણ પટેલને 45.8 ટકા, 71 હજાર 696 મત મળ્યા હતા
સી.જે.ચાવડા- 7,053 મતથી વિજેતા

બેઠક-ખંભાત
કોંગ્રેસના ચિરાગ પટેલને 43.53 ટકા, 69,069 મત મળ્યા હતા
ભાજપના મહેશ રાવલને 41.19 ટકા, 65,358 મત મળ્યા હતા
ચિરાગ પટેલ- 3,711 મતથી વિજયી

બેઠક-માણાવદર
કોંગ્રેસના અરવિંદ લાડાણીને 45.14 ટકા, 64,690 મત મળ્યા હતા
ભાજપના જવાહર ચાવડાને 39.89 ટકા, 61,237 મત મળ્યા હતા
અરવિંદ લાડાણી- 3,453 મતથી વિજેતા 

હાલ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો, ભાજપ પાસે 156, કોંગ્રેસ પાસે 13, આપ પાસે 4, અપક્ષ પાસે 2, સમાજવાદી પાર્ટી પાસે એક બેઠક છે. જ્યારે જે 6 બેઠક ખાલી છે જેમાંથી 5 બેઠકની ચૂંટણી લોકસભા સાથે જ યોજાવાની છે. ત્યારે લોકસભાના પરિણામની સાથે આ 5 બેઠકના પરિણામ પર પણ સૌની નજર છે. ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા, પરંતુ કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તે પણ જોવાનું રહેશે. ભાજપે જે 182માંથી 182 જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો તે 2022માં તો પુરો ન થઈ શક્યો. પરંતુ શું 5 બેઠકમાં જીત મેળવીને 182ના ટાર્ગેટની નજીક પહોંચી શકે છે કે નહીં તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news