અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘો અનરાધાર; જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
ગુજરાતમાં મેઘરાજાની સવારી વાજતે ગાજતે પહોંચતાની સાથે જ રાજ્યમાં ખેડૂતોની ચિંતા હળવી થઈ ગઇ છે. વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં પણ સારો વરસાદ વરસતા પાકને નવજીવન મળ્યું છે. બનાસકાંઠાના પાલનપુર, વડગામના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળવાની સાથે પાકને જીવંતદાન મળ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ફરી બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાતા દક્ષિણ અને મધ્ય ગુજરાત કેટલાક જિલ્લામાં મેધરાજાનું આગમન થયું છે. આજે ગુજરાતમાં તાપી, મહીસાગર, બનાસકાંઠા, ડાંગ,ગાંધીનગર, મહેસાણા અને પાટણ સહિતના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ પછી મેઘરાજા સતત ત્રીજા દિવસે ફરીથી મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી, તો લોકોને બફારાથી રાહત પણ મળી.
મહીસાગરના લુણાવાડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તો તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ તાલુકામાં વરસાદ વરસ્યો. ખેતરમાં ઉભા પાક માટે ખેડૂતો વરસાદની રાહ જોતા હતા. સાર્વત્રિક વરસાદ વરસતાં બફારામાંથી લોકોને રાહત મળી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ખપારી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. આહવા તાલુકાના ધૂળચોંડ ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો!
અમદાવાદમાં સમી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે અને ઘોડાસર, મણિનગરમાં વરસાદ પડતા લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં જમાલપુર, નરોડા, નિકોલ, કુબેરનગર અને સરદારનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સાંજના અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના પાલડી, આશ્રમ રોડ, નવાવાડજ, વાડજ, સાબરમતી, ચાંદખેડા, ઉસ્માનપુરા, સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત સરખેજ, નારોલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. વરસાદી ઝાપટું પડવાના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.
લાબા વિરામ બાદ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદથી ખેડૂતો રાહત અનુભવી રહ્યાં છે. બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદથી પાકને જીવંતદાન મળ્યું છે. છોટાઉદેપુર, મહીસાગર, દાહોદમાં પણ મેઘ મહેરબાન થયો છે. બનાસકાંઠાના પાલનપુર, વડગામના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળવાની સાથે પાકને જીવંતદાન મળ્યું છે. અરવલ્લીના મેઘરજ, બાયડ અને સાઠંબા, મહીસાગરના લુણાવાડા, વીરપુર, કડાણા તાલુકામાં પણ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં વાવેતર કરેલ મકાઈ સોયાબીન ડાંગર અને ઘાસચારાના પાકને જ્યારે પાણીની જરૂર હતી ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ પડ્યો?
છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ, સુબિર તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ, તાપીના સોનગઢમાં અઢી ઈંચ વરસાદ, ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ, ધરમપુર અને ડેડીયાપાડામાં 2 ઈંચ વરસાદ, વઢવાડ અને મોરવાહડફમાં 2 ઈંચ વરસાદ, વાલોડ અને છોટાઉદેપુરમાં પોણા 2 ઈંચ વરસાદ, દાંતા, ડોલવણ અને ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ, ખેરગામ, લુણાવાડા અને બારડોલીમાં એક ઈંચ વરસાદ, પારડી અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ, પલસાણા અને દસાડામાં 1 ઈંચ વરસાદ, જલાલપોર અને ધ્રાંગધ્રામાં 1 ઈંચ વરસાદ, સાયલા અને નેત્રંગમાં 1 ઈંચ વરસાદ, મહુધા અને ગરુડેશ્વરમાં 1 ઈંચ વરસાદ, સતલાસણા અને વિરપુરમાં 1 ઈંચ વરસાદ અને વાપી અને જોટાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી
ઓગસ્ટ મહિનનો કોરો ગયા પછી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. જે સાંભળીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે. 12મી તારીખ સુધી ધીમો અને સામાન્ય વરસાદ રહેશે અને 13મી તારીખ પછી વરસાદનું જોર વધશે. આ ક્રમ આગળ વધતા સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ગુજરાતમાં સારો વરસાદ નોંધાશે.
બંગાળ અને અરબસાગરમાં વરસાદી સિસ્ટમને લીધે વરસાદ વરસશે. આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. એટલું જ નહીં ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદની આગાહી કરી છે...વરસાદ વરસતા ખેડૂતાના પાકને જીવનદાન મળશે. મેઘરાજા નિરાશ થતાં ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલથી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતા આંશિક ઘટી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે