વડોદરા : ડિપ્રેશનમાં આવી ગયેલા બોર્ડના વિદ્યાર્થીએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા શહેર નજીક આવેલા કપૂરાઇ ગામમાં ધો-10ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાના ડિપ્રેશનથી કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષાના ડિપ્રેશનને કારણે વડોદરામાં માત્ર 4 દિવસમાં 3 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. બોર્ડ પરીક્ષા શરૂ થયા બાદ 8 માર્ચના રોજ ધો-12 સાયન્સના વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે 8 માર્ચે જ ધો-12ની કોમર્સની એક્સ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપનાર યુવાને ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
વડોદરા શહેર પાસે આવેલા કપૂરાઇ ગામમાં આવેલા રામદેવ ફળીયામાં રહેતો ઓમકુમાર રણજીતભાઇ પરમાર( ઊંમર વર્ષ 18) ધો-10ની બીજા ટ્રાયલની પરીક્ષા આપી રહ્યો હતો. સોમવારે સાંજે 7 વાગે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, તે સમયે ઓમકુમાર અચાનક જ ઘરની બહાર નીકળ્યો હતો અને ઘરની નજીક જ આવેલા 60થી 70 ફૂટ ઊંડા કુવા કુદી ગયો હતો. આ સમયે કુવા પાસે બેઠેલા લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો. જેથી ગામ લોકોએ તુરંત જ ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવાજનો દોડી ગયા હતા. વરણામા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઓમકુમાર આજે મંગળવારે ગણિતનું પેપર આપવાનો હતો. તેની પહેલા જ તેને આપઘાત કરી લીધો હતો. ઓમકુમારના પિતા રણજીતભાઇ પરમાર વડોદરા મહાનગરપાલિકાની ફાઇલેરિયા શાખામાં ફરજ બજાવે છે. જ્યારે તેનો મોટો ભાઇ પ્રકાશ પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.
મહત્વાકાંક્ષાઓને કારણે વધી રહ્યા છે આત્મહત્યાના બનાવ
વડોદરાના મનોચિકિત્સક ડો. યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, માતા-પિતા અને બાળકોની મહાત્વાકાંક્ષાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના પ્રતિસ્પર્ધીઓ સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના માટે તેમની તૈયારી હોતી નથી. બીજું એ કે, વિદ્યાર્થીના કરિયરના શરૂઆતથી જ કાઉન્સિલિંગ થવુ જરૂરી છું. જે થતુ નથી. આત્મહત્યાઓ થતી અટકાવવા માટે માતા-પિતાનું પોતાના બાળક સાથે બોન્ડિંગ પણ ખુબ જ જરૂરી છે.
ત્રણ દિવસ પહેલા એક વિદ્યાર્થીએ કર્યો આપઘાત
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી B-36, ઉમંગ સોસાયટીમાં ધો-12 સાયન્સનો સ્ટુડન્ટ અદ્રૈત અમિષભાઇ સલાટ(18) માતા-પિતા સાથે રહેતો હતો. ગુરૂવારથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં એદ્વૈતે પહેલુ ફિઝિક્સનુ પેપર આપ્યું હતું. ફિઝિક્સનું પેપર આપ્યા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને સતત ટેન્શનમાં હતો. જોકે તેની આ મૂંઝવણથી તેના માતા-પિતા અજાણ હતા. અદ્રૈતના પિતા અમિષભાઇ સલાટ એબીબી કંપનીમાં નોકરી કરતા હોવાથી 8 માર્ચના રોજ તેઓ નોકરી પર ગયા હતા. અને માતા ધરાબેન સયાજીબાગમાં મોર્નિગ વોક કરવા ગયા હતા. તે સમયે અંતિમ ચિઠ્ઠી લખ્યા બાદ અદ્રૈતે પોતાના ઘરના ત્રીજા માળે પંખાના હુક સાથે પ્લાસ્ટિકની દોરી વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
પરીક્ષાની તૈયારી ન થતા આપઘાત કર્યો
વડોદરા શહેરના છાણી ટીપી-13 ખાતે આવેલી એ-47 ઇન્દ્રલોક સોસાયટીમાં રહેતા વિશાલ દિનેશભાઇ પરમારે(20) ધોરણ-10 પાસ કર્યા બાદ એક વર્ષનો ડ્રોપ લીધો હતો. તે બાદ તેણે આ વખતે ધોરણ-12 કોમર્સમાં એક્સ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ તેનાથી પરિક્ષાની તૈયારી ન થતાં તેણે 8 માર્ચના રોજ મોડી સાંજે પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે