રાજકોટના રીબડા સ્વામિનારાયણ ગુરૂકુળમાં ધોરણ-10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમ સમયે બની ઘટના

રાજકોટમાં હાર્ટ એટેકને કારણે વધુ એક વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા છે. રીબડાના સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. 

રાજકોટના રીબડા સ્વામિનારાયણ ગુરૂકુળમાં ધોરણ-10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમ સમયે બની ઘટના

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકને કારણે નાની ઉંમરના લોકો પણ પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકને કારણો મોત થયું હતું. તો રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા યુવકે હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મૃત્યુ
રાજકોટ નજીક આવેલા રીબડામાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. આજે ગુરૂપૂર્ણિમા હોવાથી ગુરૂકુળમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધોરાજીના દેવાંશ ભાયાણી નામનો વિદ્યાર્થી સ્ટેજ પર મુકવા માટે માઈક સ્ટેન્ડ ઉચકી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો. દેવાંશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

ડોક્ટરે કહ્યું કે હાર્ટ એટેકને કારણે દેવાંશનું મોત થયું છે. તો એકના એક પુત્રના નિધનથી પરિવાર પર આભ ફાટ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમ માટે દેવાંશ અન્ય બે સાથી વિદ્યાર્થીઓની મદદથી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ ઉપાડીને મૂકી રહ્યો હતો. માઈક સ્ટેન્ડ ઉચકવા દરમિયાન દેવાંશ અચાનક નીચે પડી જાય છે. ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ તત્કાલ તેને હોસ્પિટલ પહોંચાડે છે. પરંતુ અહીં સારવાર પહેલા જ ડોક્ટરો તેને મૃત જાહેર કરી દે છે. 

દેવાંશના મૃત્યુ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે કહ્યુ કે, ધોરણ 10માં અભ્યાસ કરતા દેવાંશને હાર્ટની બીમારી હોઈ શકે છે. તેમણે કહ્યું કે સામાન્ય યુવાનના હ્યદર કરતા દેશાંવના હાર્ટનો વજન વધુ જોવા મળ્યો છે. ડોક્ટરે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ દેવાંશના મોતનું સચોટ કારણ જોવા મળશે. દેવાંશના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news