AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, SMC ના કર્મચારીઓએ બેનરો હટાવતા મામલો ગરમાયો
Gujarat Elections 2022 : ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં આમ આદમી પાર્ટી પ્રચારમાં લાગી છે... SMC ના કર્મચારીઓએ આપના બેનરો હટાવ્યા... રોષે ભરાયેલા કાર્યકર્તાઓ પોલીસ સાથે બાખડ્યા
Trending Photos
Gujarat Elections 2022 ચેતન પટેલ/સુરત : સુરતના સિંગણપોર ચાર રસ્તા પર અરવિંદ કેજરીવાલની સભા પહેલા બબાલ થઈ હતી. SMC ના કર્મચારીઓ બેનરો હટાવવતા મામલો ગરમાયો હતો. જેના બાદ પોલીસ અને આપના કાર્યકરો આમને-સામને થયા હતા. થોડા સમય માટે મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાના આપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ બન્યા હતા.
હાલ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો છે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતનો ત્રીજો મોરચો બનેલી આમ આદમી પાર્ટી બેવડા જોશ સાથે મેદાનમાં આવી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને ભગવંત માન ગુજરાતમાં સતત ચૂંટણી પ્રચાર માટે સભાઓ અને રેલી કરી રહ્યાં છે. ત્યારે આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભા સુરતના સિંગણપોર વિસ્તારમાં આયોજિત કરાઈ હતી. તે પહેલા વાતાવરણ તંગ થયુ હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના બેનરો હટાવતા મામલો ગરમાયો હતો. જેના કારણે સુરત પોલીસ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા.
સિંગણપોર વિસ્તારમાં સભા હોઈ આપ ગુજરાત દ્વારા સિંગણપોર વિસ્તારમાં મોટા મોટા બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ કોર્પોરેશનની ટીમે આ બેનર હટાવવાનો પ્રયાસ કર્યા હતા, જેથી આપના કાર્યકર્તાઓ ગુસ્સે થયા હતા. જેથી રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યું હતું. તો બીજી તરફ સુરત પોલીસે આપના કાર્યકર્તાઓ ઝપાઝપી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે