ચારણોની લડાઈ પોલીસ સ્ટેશન પહોંચી : ગીગા ભમ્મર વિરુદ્ધ ગુજરાતમાં બે ફરિયાદ નોંધાઈ
Charan-Ahir caste dispute : ગઢવી-ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી મામલે ગીગા ભમ્મર સામે નોંધાઈ બે ફરિયાદ..ભાવનગરના દાઠા અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ...વ્યાપક વિરોધ છતાં માફી માંગવા તૈયાર નથી ગીગા ભમ્મર
Trending Photos
Charan Samaj And Ahir Samaj : ચારણ સમાજને અપમાનિત કરવાના મામલે આખરે ગીગા ભમ્મર સામે અમદાવાદ અને ભાવનગરમાં ફરિયાદ દાખલ થઈ છે. તળાજા ગઢવી સમાજ દ્વારા અભદ્ર અને ગઢવી સમાજને હડધૂત ભાષા બોલનાર અને માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. તો અમદાવાદ સાઇબર ક્રાઇમમાં પણ ગીગા ભમ્મર વિરુદ્ધ એફ.આઈ.આર નોંધાઇ છે. ગઢવી સમાજના તળાજા વિસ્તારના આગેવાનો દ્વારા ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ પર આઇપીસી૧૫૩(ક),૨૯૫(અ),૫૦૫(૨),તથા આઈ.ટી.એક્ટ ૬૭ મુજબ ગુન્હો દાખલ નોંધાઈ છે. સમગ્ર ગુજરાત ચારણ-ગઢવી સમાજમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં ભારે રોષ જોવા મળ્યો છે. કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામ ખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં અરજીઓ અને ફરિયાદ અપાઈ છે. તો બીજી તરફ, આહીર સમાજના અનેક મોટા આગેવાનો ગીગા ભમ્મર વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યાં છે.
ગીગા ભમ્મરને અપમાનિત શબ્દો બોલવા ભારે પડ્યા
ભાવનગરના એક કાર્યક્રમમાં આહિર સમાજના ગીગા ભમ્મર નામના વ્યક્તિએ માતાજી અને ચારણ-ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણ કરતા ભારે રોષ ફેલાયો છે. ચારણ-ગઢવી સમાજ ગામે ગામ આવેદન આપી પોલીસ ફરિયાદ પણ કરી રહ્યો છે. ચારણ ગઢવી સમાજને નિશાન બનાવીને થયેલી આ અપમાનજનક ટિપ્પણીઓએ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સોહાદ સામે ખતરારૂપ હોય ધાર્મિક તથા સમુદાયની લાગણીઓ ઉશ્કેરવાના હેતુથી થયેલ આ ભાષણમાં સોશ્યલ મીડિયામાં આકરી પ્રતિક્રિયા સાથે વાયરલ થયું છે. ખંભાળિયાના સોનલ ધામ ખાતે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકોએ આવેદન આપ્યું અને કાર્યવાહી કરવાની માંગ કરી.
ગીગા ભમ્મરના દીકરાએ માફી માંગી
ગીગા ભમ્મર માફી માંગે તેવી ચારેતરફથી માંગ ઉઠી છે. પરંતું ગીગા ભમ્મર ટસના મસ ન થયા, પણ દીકરાએ ચારણ સમાજની માફી માંગી છે. વિવાદિત નિવેદન મામલે ગીગા ભમ્મરના દીકરા જીલુ ભમ્મરે માફી માંગી છે. તો બીજી તરફ, વિવાદિત ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર માફી માંગવા તૈયાર નથી. આહીર સમાજના આગેવાનોની સમજાવટ છતાં ગીગા ભમ્મર માફી માંગવા માન્યા નથી.
નિવેદનની ટીકા થઈ
મહત્વનું છે કે વર્ષોથી આહીર અને ગઢવી સમાજ વચ્ચે મામા-ભાણેજના અતૂટ સંબંધો રહ્યા છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડે નિવેદનને વખોડ્યું છે. તેમણે કહ્યું કે, આવા લોકો સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ. હું ચારણ સમાજની સાથે છું. તો લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા પ્રકારની ટિપ્પણીથી દુખ થઈ રહ્યું છે. આવા પ્રકારના નિવેદનો ન થવા જોઈએ.
તો કબરાઉ મોગલધામના સામત બાપુએ આ મુદ્દે કહ્યું કે, આહીર સમાજનો માણસ આવું અધર્મી નિવેદન ન કરી શકે. આ સમગ્ર અઢાર વર્ણનું અપમાન છે. મામા-ભાણેજની પરંપરા આવા લોકોથી તૂટશે નહીં. જોડે બેસીને સાંભળનારા લોકોએ ધ્યાન આપવાની જરૂર હતી. આ આહીર સમાજનું પણ અપમાન છે. આટલા કલાકો વીત્યા પછી પણ કોઈ આહીર આગળ આવ્યા નથી.
ચારણ અને આહીર વચ્ચેનો નાતો મામા-ભાણેજનો
આહીરો અને ચારણોના મામા-ભાણેજના સંબંધો છે. એવી માન્યતા એક પરંપરા સાથે જોડાયેલી છે. ઈતિહાસમાં ટાંકેલું છે કે, ભગવાન શેષનારાયણ વાસુદેવજીના દીકરા અહીર અને આદિ આવડ, જેમાંથી ચારણની ઉત્તપત્તિ થઈ, તેમને પણ શેષનારાયણે ઉછેરીને મોટા કર્યા હતા. અહીરે તેમનું કન્યાદાન કર્યુ હતું. ત્યારથી આદિકાળથી ચાલ્યુ આવે છે કે, મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેને માતામહ થાય. ચારણ સમાજને શેષ નાનો કહે, કારણ કે, શેષનારાયણે આદિ આવડને દીકરી માન્યા હતા. અને મહેશ દાદો એટલે ભગવાન શિવ તે દાદા છે. આ પરંપરા આજદિન સુધી ચાલી આવે છે. પરંપરા મુજબ ક્ષત્રિયો આહીર સમાજ અને કાઠી સમાજને ચારણો સાથે મામા ભાણેજનો સંબંધ રહ્યો છે. તેનું મુખ્ય કારણ પરસ્પર આદર અને સંબંધોનો મહિમા વધરવાનો તેમજ પરસ્પરના રક્ષણનો રહેલો છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે