ગુજરાત સરકારની લાલિયાવાડી : કેગના અહેવાલમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ
CAG Report : વિધાનસભામાં રાજ્ય સરકારનો કેગનો અહેવાલ રજૂ કરાયો છે, કેગના રિપોર્ટમાં ટાંકવામાં આવેલા 20 મુદ્દામાં સમજો કે સરકાર વહીવટ કરવામાં ક્યાં નબળી પડી
Trending Photos
Gandhinagar News : રાજ્ય સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. કેગએ સરકારના ખર્ચ અંગે મહત્વનો ઉલ્લેખ કર્યો છે. કેગના રિપોર્ટમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ થયો છે. જે બતાવે છે કે ગુજરાત સરકારનો વહીવટ અંધેર નગરી જેવો છે. કેગનો રિપોર્ટમાં જે રીતે ઉલ્લેખ કરાયો છે તે સ્પષ્ટ દેખાય છે કે, ગુજરાત સરકારનો વહીવટ અણઘડ સાબિત થયો છે. નીચે આપેલી કેગના રિપોર્ટના 20 મુદ્દામાં સમજી શકાય છે કે, ગુજરાતના સરકારના વહીવટમાં કેવા કેવા લોચા ચાલે છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું કે, સરકાર પાસે પૂરતા રૂપિયા હોવા છતાં સરકારે દેવું કરીને ઘી પીધું. રાજ્ય સરકાર પાસે પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યું તેવું કેગના રિપોર્ટમાં કહેવાયુ છે. કેગના રિપોર્ટમાં ટાંકવામાં આવેલા 20 મુદ્દામાં સમજો કે સરકાર વહીવટ કરવામાં ક્યાં નબળી પડી.
1. બીજાં રાજ્યોની તુલનામાં શિક્ષણ પાછળ ઓછો ખર્ચ કરે છે સરકાર
2. કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે
3. પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં સરકાર દેવું કરીને ઘી પી રહી છે
4. લાંબી મુદ્દતના ઋણનું ટકાઉ માળખું વિકસાવવાની જરૂર છે
5. બજેટ બહારના નાણાકીય વ્યવહારો કરવામાં આવી રહ્યા છે
6. વર્ષ 2021-22માં જોગવાઈ વગર 95 કરોડ રૂપિયા ખર્ચ કર્યો
7. બજેટની ફાળવણીમાં ગુજરાત સરકાર નબળી હોવાનો ઉલ્લેખ
8. બજેટના ઉપયોગમાં પણ રાજ્ય સરકાર નબળી હોવાનો ઉલ્લેખ
9. બજેટના અંદાજો વાસ્તવિક રીતે તૈયાર કરવામાં આવતા નથી
10. છેલ્લાં 10 વર્ષમાં 10,855 કરોડનો વધારાનો ખર્ચ નિયમિત કરવાનો બાકી
11. નાણાં વિભાગે નિયમો નેવે મૂકીને ઉચ્ચક જોગવાઈઓ કરી
12. કેટલાક ખર્ચા કુલ ખર્ચના 50 ટકાથી વધુ ફક્ત માર્ચમાં કર્યા
13. સરકારના 12 વિભાગોએ કુલ ખર્ચના 25 ટકાથી વધુ ખર્ચ માર્ચમાં કર્યો
14. ખર્ચનો નોંધપાત્ર હિસ્સો નાણાકીય વર્ષના અંતે દર્શાવાઈ રહ્યો છે
15. ખર્ચ પર અપૂરતું નિયંત્રણ બજેટનું નબળું વ્યવસ્થાપન દર્શાવે છે
16. વન વિભાગે બજેટ દરમિયાન કરેલી જાહેરાતોનો અમલ નથી કર્યો
17. વન વિભાગે 170 કરોડના અનુદાન સામે ફક્ત 37.84 કરોડ ખર્ચ્યા
18. આરોગ્ય વિભાગમાં ખર્ચનું આયોજન, અમલ અને વ્યવસ્થાપનનો અભાવ
19. દરેક વિભાગોની જરૂરિયાત પ્રમાણે બજેટ તૈયાર કરવાની જરૂર
20. યોજનાઓના અમલ અને દેખરેખ માટે યોગ્ય નિયંત્રણ પદ્ધતિની જરૂર
રાજ્ય સરકાર પાસે પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યું તેવું કેગના રિપોર્ટમાં કહેવાયુ છે. જેના કારણે રોકાણ હિસાબની રોકડમાં વધારો થયો છે. કેગના રિપોર્ટમાં કહેવાયું કે, રાજ્ય સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવો જોઈએ. રાજ્ય સરકારે લાંબી મુદ્દતમાં ઋણનું ટકાઉ પૂર્ણ માળખું વિકસાવવા વિચારણા કરવી જોઈએ. રાજ્ય સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ જોવા મળ્યા. અંદાજ પત્ર બહારના નાણાંકીય વ્યવહારો પણ જોવા મળ્યાનો ઉલ્લેખ કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે