ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ જાહેરમાં પત્ની પર કર્યું ફાયરિંગ, ફેરવ્યું શરીર પર એક્ટિવા

નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર પતિએ પોતાની પાસે રહેલ ખાનગી હથિયારથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિએ જમીન પર ઢળી પડેલી પત્ની પર એક્ટિવા ફેરવી દીધું

ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ જાહેરમાં પત્ની પર કર્યું ફાયરિંગ, ફેરવ્યું શરીર પર એક્ટિવા

ઝી બ્યુરો/ખેડા: મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે નડિયાદમાં પતિએ ભરણપોષણના કેસનો ખાર રાખી પત્નીની જાહેરમાં હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નવરંગ ટાઉનશીપમાં પતિએ જ પત્નીની સોસાયટીમાં જાહેરમાં હત્યા કરી નાંખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર થયો હતો. 

આ ઘટના બાદ નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર પતિએ પોતાની પાસે રહેલ ખાનગી હથિયારથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિએ જમીન પર ઢળી પડેલી પત્ની પર એક્ટિવા ફેરવી દીધું હતું. પોલીસે હાલ આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, નડિયાદ શહેરમાં નિમિષાબેન પરમાર દ્વારા પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને પતિ રસિક પરમારે નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ પત્ની પર પોતાની પાસે રહેલા ખાનગી હથિયાર વડે ફાયરિંગ કરીને હત્યા કરી હતી. આ ઘટના બાદ પત્ની જમીન પર ઢળી પડી હતી, ત્યારે પતિએ તેના પર એક્ટિવા ફેરવી દીધું હતું. બીજી બાજુ ફાયરિંગનો અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ધોળે દિવસે નવરંગ ટાઉનશિપ વિસ્તારમાં હત્યા થતા લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. બીજી બાજુ મહિલાનાં પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રોક્કડ કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. હાલ આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news