કમલમ : ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક, 7 કલાક ચાલેલી બેઠકનાં આવી શકે છે ચોકાવનારા પરિણામ
બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, મોરચના પ્રદેશ પ્રમુખ, જીલ્લા પ્રભારી, ઝોન ઇન્ચાર્જ, સહિતનાં તમામ પદો પર મોટા પરિવર્તનો આવી શકે છે
Trending Photos
ગાંધીનગર : રાજ્યમાં યોજાયેલી 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ ભાજપની મહત્વની બેઠક આજે કમલમ પર મળી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સંગઠનની બેઠક પહેલા પ્રદેશ ભાજપના મુખ્ય નેતાઓની બેઠક મળી હતી જેમાં પેટાચૂંટણીના પરિણામોને લઇને ચર્ચા થઇ હતી અને આગામી દિવસમાં સંગઠનના કાર્યક્રમોને લઇને પણ ચર્ચા થઇ હતી. સંગઠન સંરચના અધૂરી કામગીરીને લઇને પણ સમીક્ષા કરાઇ હતી.
આ બેઠક બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સંગઠનના હોદેદારોને સંબોધન કર્યું હતું. આ બેઠક બાદ સંગઠનના હોદેદારોની ઝોન પ્રમાણે બેઠકો યોજાઇ જેમાં મંડલ પ્રમુખોની સંરચનાને લઇને ચર્ચા હાથ ધરાઇ. આ બેઠક લગભગ 7 કલાકથી વધુ ચાલી જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ જોડાયા હતા. સૂત્રોનું માનીએ તો ભાજપના ઇતિહાસમાં કદાચ પહેલી ઘટના છે કે જ્યાં મંડલ પ્રમુખોની સંરચનામાં મુખ્યમંત્રીએ હાજર રહેવું પડ્યું હોય. સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાઓમાં મંડલ પ્રમુખોની પસંદગી માટે મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહ્યા હતા. પેટાચૂંટણીના પરિણામોની જ આ અસર છે કે ભાજપના મંડલ પ્રમુખો અને સમિતિની રચનાઓમાં મુખ્યમંત્રીએ હાજર રહેવું પડ્યું હોય.
રાજ્યમાં ભાજપની સત્તા અત્યાર સુધી મજબૂત રહી તેમાં સંગઠનનો મોટો ફાળો છે અને છેલ્લા કેટલાક સમયથી સંગઠનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ત્યારે સંગઠનને મજબૂત કરવા પર ફરી ભાર મૂકવામાં આવી રહ્યો છે. ડિસેમ્બર મહિના સુધીમાં પ્રદેશ ભાજપને નવા પ્રમુખ અને નવું સંગઠન મળશે ત્યારે તે પહેલા મંડલ અને જિલ્લાની સંરચના પૂર્ણ કરાશે જેના માટે આજે મેેરેથોન કવાયત ચાલી.
90 ટકાથી વધુ બુથ સમિતિઓની રચના પૂર્ણ થઇ ચૂકી છે અને બુથ તેમજ મંડલ સ્તરે ભાજપના સક્રિય સભ્યોને પ્રાધાન્ય આપવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કરેલી વાત પ્રમાણે અયોધ્યા ચૂકાદાને લઇને પણ પ્રદેશ ભાજપના નેતાઓને સૂચના આપવામાં આવી. જેમાં ચૂકાદાના સમ્માન અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવાની જવાબદારી ભાજપના નેતાઓની હોવાની ટકોર કરાઇ. જાહેરજીવનમાં રહેલા નેતાઓની આ જવાબદારી છે અને તેને લઇને ધ્યાન રાખવાની સૂચના અપાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે