રોદણાં રોવાનું પક્ષમાં નહીં ચાલે, ભાજપ પ્રમુખનો નેતાઓને સીધો અને કડક સંદેશ

ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠકમાં ફરી એકવાર ભાજપ પ્રમુખનો કડક સ્વભાવ જોવા મળ્યો. 2007, 2012ના પૂર્વ ધારાસભ્યો અને 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી હારેલા નેતાઓની બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એ પક્ષ માટે સક્રિય કરવાના મંત્ર આપ્યા

રોદણાં રોવાનું પક્ષમાં નહીં ચાલે, ભાજપ પ્રમુખનો નેતાઓને સીધો અને કડક સંદેશ

બ્રિજેશ દોશી, ગાંધીનગર: ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠકમાં ફરી એકવાર ભાજપ પ્રમુખનો કડક સ્વભાવ જોવા મળ્યો. 2007, 2012ના પૂર્વ ધારાસભ્યો અને 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી હારેલા નેતાઓની બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એ પક્ષ માટે સક્રિય કરવાના મંત્ર આપ્યા. મિશન 182 સાથે નીકળેલા ભાજપ પ્રમુખે પોતાના નેતાઓને ચૂંટણી હારી જવાના કારણો આપવા સાથે જ રોદણાં ન રોવાની ટકોર કરી. સાથે જ કહ્યું કે તમે લોકો મેરીટ ઊંચું લાવો અને સાબિત કરો કે તમારા વિસ્તારમાં પક્ષ પાસે તમારાથી સારો કોઈ ઉમેદવાર નથી તો ટિકિટ તમને જ મળશે.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે કોઈ કાયમી પટ્ટો લખાવીને નથી આવ્યું અને અમે પણ ભવિષ્યમાં પૂર્વ થવાના છીએ. કેન્દ્ર સરકાર હિન્દુત્વના એજન્ડા પર ચાલી રહી છે. ત્યારે વિપક્ષો તેને પાડવાના અનેક પ્રયાસ કરી રહ્યા છે. તેવા સંજોગોમાં આપણે ગુજરાતમાં કોઈ ચૂક ન કરી શકીએ. ગુજરાતમાં 182 બેઠકો પર 2500થી વધુ દાવેદારો હોય છે જેમાંથી 182ને ટિકિટ મળે છે, 110-115 જીતે છે અને બાકીના હારે છે. 110-115માંથી 25 મંત્રીઓ બને જ્યારે 1 મુખ્યમંત્રી બને છે. એટલે કોઈકને દુઃખ તો થતું જ હોય પણ એનો મતલબ એ નથી કે નિષ્ક્રિય થઈએ. પક્ષે આપણને ઘણું આપ્યું છે અને પક્ષ માટે આપણી જવાબદારી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પોતાના અનુભવથી કહ્યું કે હું પણ પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યો છું પણ પ્રજાની વચ્ચે રહીને સતત કામ કરતા રહેવાથી ફરી ધારાસભ્ય બની નાયબ મુખ્યમંત્રી બન્યો.

ભાજપ પ્રમુખે પૂર્વ ધારાસભ્યોને નિરાશા ખંખેરી સક્રિય રહેવા ટકોર કરી તો સાથે જ કહ્યું કે તમારા જે પ્રશ્નો છે તે પણ ઉકેલીશું. તમને જવાબદારી પણ અપાશે, બની શકે કે તમે ઈચ્છી હોય એ જવાબદારી ન મળે. પણ તેમ છતાં તમારે કામ કરવું પડશે અને પક્ષને જીતાડવો પડશે. 2017માં લોકો કહેતા હતા કે 50 બેઠકો નહી આવે ત્યારે 99 બેઠકો જીતી સરકાર બનાવી. 2019માં લોકસભા ની તમામ 26 બેઠકો જીત્યા અને વિધાનસભાની 173 બેઠકો પર લીડ મેળવી અને એટલા માટે જ હું મિશન 182ની વાત કરું છું. પ્રજાના કામ કરતા રહીએ તો ચોક્કસ જીત મળશે.

ભાજપે પોતાના પૂર્વ ધારાસભ્યોને સક્રિય કરીને કાર્યકરોને પણ મેસેજ આપ્યો તો સાથે જ વર્તમાન નેતાગીરી ને પણ ભાજપ પ્રમુખે સીધો મેસજ આપી દીધો છે ત્યારે જોવાનું એ રહેશે કે ભાજપ પ્રમુખની અપેક્ષા પર કેટલા નેતાઓ ખરા ઉતરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news