આજે જખૌ નજીક ત્રાટકશે વધારે ઘેરાવો ધરાવતું ભયાનક વાવાઝોડું!, રાજ્યમાં ક્યાં ભારે વરસાદની છે આગાહી જાણો

આજે જખૌ નજીક ત્રાટકશે વધારે ઘેરાવો ધરાવતું ભયાનક વાવાઝોડું!, રાજ્યમાં ક્યાં ભારે વરસાદની છે આગાહી જાણો

વિશાળકાય વાવાઝોડું બિપરજોય જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર તેજ થઈ રહી છે. ચક્રવાતી તોફાન બિપરજોય આજે સાંજે ટકરાય તેવી શક્યતા છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ બિપરજોય વાવાઝોડું હાલ ગુજરાતના જખૌ બંદરથી 180 દૂર છે. જે સૌરાષ્ટ્ર અને કચ્છથી પસાર થઈને માંડવી અને કરાચી વચ્ચે જખૌ બંદર નજીક આજે સાંજે ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 

છેલ્લા 24 કલાકમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  115 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ પડ્યો છે. જ્યારે જૂનાગઢના જ કેશોદ અને ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છના ભૂજ અને અંજાર તેમજ  અમરેલીના લીલીયામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભામાં પણ એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે  કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. 

આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ તા 15મી એટલે કે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગ તથા તાપીમાં 40થી 50 કિમી, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદમાં 50થી 60 કિમી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં 65થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની કચ્છ-ભૂજમાં સૌથી વધુ અસર થવાની શક્યતા છે ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

 
દ્વારકામાં અનેક લોકો અટવાયા
ગુજરાત બહારથી દ્વારકા આવેલા અનેક લોકો અટવાયા છે. શ્રદ્ધાળુઓને દ્વારકાધીશના દર્શને ન આવવા માટે અપીલ કરાઈ છે. ટ્રેન અને બસની સેવાઓ રદ થતા મુસાફરો હાલ તો રઝળી પડ્યા છે. બિપરજોયના કારણે દ્વારકાનું રૂક્ષમણિ મંદિર વહેલું બંધ કરાયું છે. દ્વારકાધીશનું મંદિર પણ બંધ રાયું છે. મંદિરના પૂજારી સહિત લોકોને બહાર નીકળી જવા કહેવાયું છે. ભારે પવનના અને વરસાદના કારણે તંત્ર દ્વારા  નિર્ણય લેવાયો છે. 

કચ્છના ખીદરતા ટાપુ પર લોકો સુરક્ષિત નીકળી શક્યા
કચ્છના ખીદરતા ટાપુ  પર ફસાયેલા લોકો સુરક્ષિત નીકળી ગયા છે. NDRF ની ટીમ પહોંચે તે પહેલા જ તેઓ સુરક્ષિત નીકળી ગયા. દરિયામાં ટાઈડનું પ્રમાણ ઘટતા પગપાળા જખૌ પહોંચ્યા. 3 વ્યક્તિ જાતે જ ચાલીને જખૌ બંદરે પહોંચ્યા. NDRFની ટીમ સવારે 4 વાગ્યે પહોંચવાની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news