રેસિડેન્ટ તબીબોની હડતાળ મામલે સૌથી મોટા સમાચાર, જાણો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત
ગુજરાતમાં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળ પર અસમંજસ ચાલું છે, આરોગ્ય મંત્રીએ કહ્યું- હડતાળ સમેટાઈ, જ્યારે ડૉક્ટરોએ કહ્યું- અમારી હડતાળ યથાવત રહેશે.
Trending Photos
ઝી ન્યૂઝ /બ્યુરો: ગુજરાતમાં રેસિડેન્ટ ડૉક્ટરોનું આંદોલન એક અઠવાડિયા સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપેલા આશ્વાસન બાદ આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું- એક સપ્તાહમાં જ સમસ્યાનો ઉકેલ આવી જશે. રાજ્ય સરકારને અનેક રજૂઆત કર્યા બાદ તબીબોના પ્રશ્નોનું નિરાકણ લાવવામાં આવતું ન હોવાથી રેસિડેન્ટ તબીબોએ ફરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. હડતાળનો આજે ચોથો દિવસ હતો. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતાં કહ્યું છે કે, જુનિયર તબીબોને 63 હજાર પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળ પર અસમંજસ ચાલું છે, આરોગ્ય મંત્રીએ કહ્યું- હડતાળ સમેટાઈ, જ્યારે ડૉક્ટરોએ કહ્યું- અમારી હડતાળ યથાવત રહેશે.
રેસિડેન્ટ તબીબોની હડતાળ મામલે રાજ્ય સરકારે આખરે નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રેસિડેન્ટ તબીબોનું આંદોલન એક સપ્તાહ માટે મોકૂફ રખાયું છે અને એક સપ્તાહમાં જ સમસ્યાનો ઉકેલ આવશે. 50% જગ્યામાં જુનિયર તબીબોની ભરતી કરાશે. જુનિયર તબીબો માટે પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. હવે રેસિડેન્ટ તબીબોને માસિક 63 હજાર પગાર આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રેસિડેન્ટ ડૉક્ટરોનું ભારણ ઓછું કરવા પ્રયાસ કરાશે. હંગામી ધોરણે 543 રેસિડેન્ટ ડૉક્ટરોની નિમણૂક કરાશે. એટલું જ નહીં 3000 મહિલા નર્સની સરકારે ભરતી કરી છે. મેડિકલ ક્ષેત્રમાં મેન પાવર માટે નવા નિર્ણયો કર્યા છે. સરકાર હકારાત્મક છે ડૉક્ટરોએ પણ સમજવું પડશે.
ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, આજે મને સમાચાર મળ્યા કે રેસિડેન્ટ ડોકટરોએ પોતાની હડતાળ મુલતવી રાખી છે. રેસિડેન્ટ ડોકટરોએ એક સપ્તાહ માટે હડતાળ મુલતવી રાખી હોવાનો પત્ર પણ મને મળ્યો છે. કેન્દ્ર આરોગ્યમંત્રી મનસુખભાઇ સાથે પરામર્શ કર્યો હતો. એડમિશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કુલ ડોકટરની સંખ્યાના 50 ટકાની મર્યાદામાં જુનિયર તબીબો માટે 63 હજારના પગાર સાથે ડોકટર તરીકે નિમણુંક કરવામાં આવશે. ગુજરાત સરકાર ડોકટરના કાર્યભારણ ઓછું કરવા પગલું ભરી રહી છે. સરકાર સ્વાભાવિક નિર્ણય થાય ત્યારે નાણાકીય ખર્ચ જોવું પડે છે, સરકાર પરિપત્ર જાહેર કરશે.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ડોક્ટરોની હડતાળ એક સપ્તાહ પૂરતી મોકૂફ રખાઈ છે. કોવિડ નિયંત્રણોની નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જૂની ગાઈડલાઈન ચાલુ રહે છે. સરકાર સમીક્ષા કરી નિર્ણય લેશે. જરૂર પડશે તેમ ગુજરાત સરકાર કોવિડના નિયંત્રણો બાબતે નિર્ણય લેશે. હાલ 543 ડોક્ટરોની નિમણુંક માટે ડિનને સત્તા અપાઈ છે.
ઋષિકેશ પટેલને જ્યારે સચિવાલયમાં કોરોનાના કેસ બાબતે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હાલ મને જાણ નથી. રાજ્યમાં કોવિડની સગવડ ઉભી થઇ હતી ત્યાં અલગ વોર્ડ બનાવી સારવાર કરવાની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અલગ-અલગ ડોક્ટર ફોરમ દ્વારા આગામી સમયમાં હડતાળ પર જવાની ચિમકી આપવા અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 16-5ના ઠરાવ બાબતે સક્રિયતાથી નિર્ણય લેવાશે. ઉચ્ચ સ્તરે મંત્રણા કરી નિર્ણય લેવાઈ જશે.
કેટલાંક યુનિયન દ્વારા હડતાળ પરત ના ખેંચાઈ હોવાના નિવેદન આપવા મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રશ્નોના ઉકેલની દિશામાં પરિપત્ર દ્વારા તેમણે જ જાણ કરી છે. કાર્યભારણ ઓછું કરવા સરકારે પૂરતા પ્રયાસ કર્યા છે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદ, રાજકોટ સુરત સહીતનાં તબીબી વિધાર્થીઓની હડતાલને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી મેડિકલ હોસ્પિટલમાં વધુ સ્ટાફ ફાળવાશે, સાથે સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા આરોગ્ય વિભાગે મેડિકલ હોસ્પિટલોમાં 25 -25 મેડિકલ ઓફિસર ફાળવવા પણ નિર્ણય કર્યો છે. દર્દીઓની OPDમાં સારવાર મળી રહે તે માટે આ નિર્ણય મહત્વનો છે. મેડીકલનાં વિદ્યાર્થીઓની PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓને લઈને હડતાળ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે