ટેકેદારોએ દગો કરતા આખરે રદ થયું નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ, નહિ લડી શકે ચૂંટણી

Nilesh Kumbhani Election Form Cancel : મતદાન પહેલા જ કોંગ્રેસે ગુમાવી સુરત લોકસભા બેઠક.....કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ કર્યું રદ...કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો કરી નાંખ્યો દાવ....કોંગ્રેસ હવે ખખડાવશે કોર્ટના દ્વાર

ટેકેદારોએ દગો કરતા આખરે રદ થયું નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ, નહિ લડી શકે ચૂંટણી

Loksabha Election : સુરતમાં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. આખરે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યાં છે. નિલેશ કુંભાણી તો કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા હતા, પરંતું ટેકેદાર ન પહોંચતા આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ત્યારે હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી લડી નહિ શકે. આજે કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે ચારેય ટેકેદારો ફરી ગયા હતા, અને હાજર રહ્યા ન હતા. ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ કરાયું છે. આ જાહેરાત બાદ નિલેશ કુંભાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. જોકે, તેમણે કહ્યું કે, અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું.

ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો થઈ ગયો ખેલ
મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાંખ્યો છે. ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે. ચૂંટણી અધિકારીએ એક દિવસનો સમય આપ્યો છતાં પણ ટેકેદારો ન પહોંચતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે. ત્યારે હવે કોંગ્રેસ પાસે હાઈકોર્ટમાં જવાનો ઓપ્શન છે. આ માટે કોંગ્રેસે કોર્ટમાં જવાની તૈયારી આરંભી છે. હાલ નિલેશ કુંભાણીના તમામ ચારેય ટેકેદારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તમામના ફોન બંધ આવી રહ્યાં છે. 

અમે હાઈકોર્ટમાં ન જઈએ તે માટે જાણી જોઈને ઓર્ડરની કોપી ન આપી 
કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ જણાવ્યું કે, ચૂંટણી કમિશનરે જાહેરાત કરી કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે. ઈલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે. 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા, તેમની ફોટોગ્રાફી પણ થઈ હતી. પરંતુ તપાસણીના દિવસે ભાજપના ઉમેદવારે વાંધો કર્યો અને નિલેશ કુંભાણીના ટેકેદારો સાથે હાજર રહેવા જણાવાયું. ભાજપના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે. જે ચુકાદો સવારે 9 વાગ્યો આપવો જોઈએ, તેના બદલે હજી સુધી લેખિત ચુકાદો આપતા નથી. નિલેશ કુંભાણી હાઈકોર્ટ જવા નીકળી ગયા છે. હાઈકોર્ટમાં પિટીશન કરવા ઓર્ડર કરવાની જરૂર છે. તેથી ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરી છે. ચૂંટણી પંચ સત્તાની ગુલામીમાં જે હુકમ કરી રહ્યું છે. અમારી લિગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાનમાં લેવાઈ નથી. 

કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ વિવાદ મુદ્દે પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપના ઉમેદવારને જાકારો મળી રહ્યો છે. ભાજપમાં પહેલી વખત આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપને પણ ઉમેદવાર બદલવા પડી રહ્યાં છે. કમલમ પર ટોળા ઉભરાય અને ભાજપના કાર્યકરો કહે અમે ગાભા પાર્ટી છીએ. ભાજપની સામે તમામ જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે. લોકશાહીમાં આંદોલન થાય તો મારોપીટોની સૂચના આપવામાં આવે છે. પાલિતાણામાં શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં દીકરી ડૂબી છે. ફરિયાદ આપી પણ કંઈ પગલાં ન લીધા. આદિવાસીઓના પૈસા ભાજપ ખાઈ ગઈ છે. કોંગ્રેસ પક્ષના ફોર્મ રદ કરાવવા ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. એક પણ ફોર્મ રદ ન થાય તેની પણ અમે કાળજી રાખી છે. જેનીબેન સામે, ભાવનગર, અમરેલીમાં વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. 

શું હતો મુદ્દો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે? નિલેશ કુંભાણીમાં ટેકેદાર બનનાર એક તો તેમના બનેવી રમેશ સાવલિયા જ હતા, તો આખરે એવુ તો શું થયું કે રમેશ સાવલિયા ફરી ગયા. મહત્વનું છે કે કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ જ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. કેમ કે નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં જે ટેકેદારોએ સહી કરી હતી, એ જ ટેકેદારોએ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે આ સહી તેમની નથી. જેને લઈને આ વિવાદ શરૂ થયો છે. તો નિલેશ કુંભાણીની સાથે સાથે આ બેઠક પર કોંગ્રેસના ડમી ઉમેદવારોના ટેકેદારોની સહીને લઈને પર પણ સવાલ ઉઠ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news