ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિએ સપાટો બોલાવ્યો, આવતા વેંત જ HPP કોર્સ પર કરી સર્જિકલ સ્ટ્રાઈક
Gujarat University Scam : ગુજરાત યુનિવર્સિટીમાં હાયર પેમેન્ટ પ્રોગ્રામ પર કુલપતિ નીરજા ગુપ્તાએ કેટલાક નિયંત્રણ લાગૂ કર્યા છે. હવેથી HPP કોર્ષના ડિપ્લોમા કે ડીગ્રી સર્ટિફિકેટ જે તે વિભાગના કોરડીનેટર અને નોલેજ પાર્ટનર ઈશ્યુ નહીં કરી શકે
Trending Photos
Gujarat Education System Fail અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ નીરજા ગુપ્તાએ આવતા વેંત જ સપાટો બોલાવ્યો છે. તેઓએ ગુજરાત યુનિવર્સીટીમાં ચાલતા HPP કોર્ષ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. તેઓ હાલ કેટલાક એવા નિર્ણયો લઈ રહ્યાં છે, જે જે-તે સમયે ખોટી રીતે લેવાયા હતા, અથવા તેનાથી યુનિવર્સિટીને નુકસાન થતુ હતું. હાયર પેમેન્ટ પ્રોગ્રામ પર કુલપતિ નીરજા ગુપ્તાએ કેટલાક નિયંત્રણ લાગૂ કર્યા છે. હવેથી HPP કોર્ષના ડિપ્લોમા કે ડીગ્રી સર્ટિફિકેટ જે તે વિભાગના કોરડીનેટર અને નોલેજ પાર્ટનર ઈશ્યુ નહીં કરી શકે. ગુજરાત યુનિવર્સીટીના રજિસ્ટ્રારની સહી સાથે જ ડિપ્લોમા કે ડીગ્રી સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે.
એપીપી કોર્સ અંતર્ગત કેટલાક નોલેજ પાર્ટનર દ્વારા આડેધડ કોર્સ શરૂ કરી દેવાય હતા. જેની, મસમોટી ફી મનફાવે તેમ વસૂલાતી હતી. આ સમગ્ર કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટીના અંતર્ગત કરાતી હતી, પરંતુ તેનો મોટો લાભ એપીપપી અભ્યાસ ક્રમના કારણે જે તે નોલેજ પાર્ટનર અથવા વિભાગને થતો હતો. હવે આ કોર્સ અને કોર્સ થકી થતા આર્થિક ફાયદા પર ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની સીધી નજર રહેશે. અનેક HPP કોર્ષમાં અભ્યાસ કરાવવા એક્સપર્ટની મદદ લેવાતી હતી, આ એક્સપર્ટને રૂપિયા પણ ચુકવવામાં આવતા હતા, જેની પર લગામ મુકાશે.
ગુજરાત યુનિવર્સિટી HPP કોર્ષ માટે ભવિષ્યમાં જરૂરિયાત મુજબ પોતે અધ્યાપકની નિમણુંક કરશે, પરિણામ સ્વરૂપે મોટો ખર્ચ બચી શકશે અને યુનિવર્સીટીને આર્થિક લાભ થશે. ગુજરાત યુનિવર્સીટીના નેજા હેઠળ ચાલતા HPP કોર્ષ પેટે થતી આવકના હિસ્સામાં 70 ટકા નોલેજ પાર્ટનર તો માત્ર 30 ટકા ગુજરાત યુનિવર્સીટી હસ્તક મળતો હતો. નોલેજ પાર્ટનરને મળતા 70 ટકા રકમનો થતા ખર્ચ પર પણ ગુજરાત યુનિવર્સિટી નજર રાખશે.
HPP કોર્ષ હેઠળ આડેધડ MoU પણ ગુજરાત યુનિવર્સીટી નહીં કરી શકે, આ MoU પાછળ મોટો ખર્ચ થતો હોવાનું ધ્યાને આવ્યું છે. HPP કોર્ષ માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાતા ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ નીરજા ગુપ્તાએ કહ્યું કે, 45 જેટલા કોર્ષ ગુજરાત યુનિવર્સીટીમાં HPP અંતર્ગત ચાલે છે. ડિપ્લોમા અને ડીગ્રી કોર્ષના સર્ટિફિકેટ જે તે વિભાગના કોર્ડીનેટર તથા નોલેજ પાર્ટનર તરફથી આપવામાં આવતા હતા, જેના પર રોક લગાવી છે.
કુલપતિ નીરજા ગુપ્તાએ કહ્યું કે, હવે સેન્ટ્રલ એક્ઝામની પદ્ધતિ મુજબ અમે એચપીપી અંતર્ગત કોર્સ ચલાવીશું. ડિગ્રી સર્ટિફિકેટ હોય કે ડિપ્લોમા સર્ટિફિકેટ ગુજરાત યુનિવર્સિટીના નામથી જ જાહેર થતા હતા પરંતુ તેના પર રજિસ્ટ્રારની સહી નહતી થતી. ગુજરાત યુનિવર્સીટી અંતર્ગત HPP કોર્ષનો અભ્યાસ થતો હોવાથી બ્રાન્ડિંગ યુનિવર્સીટીનું જતું હતું તો કેમ રજિસ્ટ્રારની સહી નસ હોય એ સવાલ પણ હતો. હવે રજિસ્ટ્રારના હસ્તાક્ષર સાથે જ HPP કોર્ષના સર્ટિફિકેટ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈશ્યુ થશે. જે HPP કોર્ષમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ છે, તેવા કોર્ષ મર્જ કર્યા છે. 10 જેટલા વિદ્યાર્થીઓ હોય તેવા કોર્ષ મર્જ કરી ભવિષ્યના ના ચલાવવા સહમતી સાધવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સીટીએ નેશનલ એજ્યુકેશન પોલિસી અનુસરવાની છે એટલે તેના ભાગરૂપે વિદ્યાર્થીઓને બેન્ક ઓફ ક્રેડિટ પણ આપવાના રહેશે, જેથી સેન્ટ્રલાઈઝ એક્ઝામ પદ્ધતિને અનુસરવી પણ જરૂરી છે. વિદ્યાર્થીઓને મળતા ડિપ્લોમા કે ડીગ્રી સર્ટિફિકેટમાં કોઈ સમસ્યા ના થાય એ ઉદેશ પણ ધ્યાને લઇ રજિસ્ટ્રારની સહી સાથે જ સર્ટિફિકેટ ઈશ્યુ કરવું વિદ્યાર્થી હિતમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં થતા આક્ષેપો મુજબ ગુજરાત યુનિવર્સીટીમાં ચાલતા HPP કોર્ષમાં મોટા કૌભાંડ આચરવામાં આવતા હોવાની અનેક ફરિયાદ થતી રહી છે. ત્યારે ભવિષ્યમાં હજુ પણ કડકાઈ યુનિવર્સીટીમાં ચાલતા HPP પ્રોગ્રામ પર લાદવામાં આવે તેવી શક્યતા છે.
તો બીજી તરફ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દ્વારા કરાયેલા કેટલીક નિમણૂંક નવા કુલપતિએ રદ કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક વિભાગ કે જેમણે ખૂબ નામણા મેળવી છે, એવોર્ડ મેળવ્યા છે, તેવા જીયુસેક વિભાગમાં નવા ડિરેક્ટરની નિમણૂંક કરી દેવાઈ છે. એ સિવાય ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી જેમાં જુદા જુદા પ્રકારના અનેક કોર્સ શરૂ થયા હતા, તેમાં પણ નવા ડિરેક્ટરની નિમણૂંક કરાઈ છે.
ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત એનિમેશન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરને પણ ખસેડવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. પૂર્વ કુલપતિ દ્વારા કરાયેલી મહત્વની નિમણૂ્ંક નવા કુલપતિના આવ્યા બાદ ધીરે ધીરે રદ થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે