ભાવનગરના ખેડૂતે અનોખી ક્રાંતિ સર્જી; પ્રાકૃતિક ટેકનિકથી સામાન્ય ખર્ચમાં કરે છે 12 લાખથી વધુની કમાણી
આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે, ભાવનગરના શેવડીવદર ગામમાં રહેતા નરવણસિંહ ગોહિલ... જેઓ છેલ્લાં ચાર વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વર્ષ 2018-19માં તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બે એકરની જમીનમાં કેળાનું વાવેતર કર્યું હતું.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે, જેના પરિણામે રાજ્યના અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેના અનેક ફાયદાઓ પણ મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી એટલે કુદરતના સિદ્ધાંતો પર આધારિત ખેતી, જેમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. આ ખેતીથી પર્યાવરણની રક્ષા પણ થાય છે અને ગુણવત્તાયુક્ત ખેતઉત્પાદન થાય છે.
આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે, ભાવનગરના શેવડીવદર ગામમાં રહેતા નરવણસિંહ ગોહિલ... જેઓ છેલ્લાં ચાર વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વર્ષ 2018-19માં તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બે એકરની જમીનમાં કેળાનું વાવેતર કર્યું હતું. ત્યારે તેમને 55 હજાર કિલોગ્રામનું ઉત્પાદન થયું હતું. તે સમયે તેમને મણના રૂ.200ની સામે રૂ.500નો ભાવ મળ્યો હતો અને કુલ રૂ.13.75 લાખની આવક થઈ હતી, જેની સામે કુલ રૂ.1.10 લાખનો ખર્ચ થયો હતો. આમ તેમને કુલ રૂ.12.65 લાખનો નફો થયો હતો.
આ વિશે નરવણસિંહે જણાવ્યું હતું કે, મારી ખેતી જોઇને છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અંદાજે 15 હજારથી વધુ ખેડૂતોએ તેમના ફાર્મની મુલાકાત લીધી છે અને તેનાથી પ્રેરણા લઇને આસપાસના ગામના 30થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. એક સમય હતો કે જ્યારે રાસાયણિક ખેતીમાં કોઈ ખેડૂત નવો પ્રયોગ કરે તો આસપાસના ખેડૂતો તે ખેતરની મુલાકાત લઇને માર્ગદર્શન મેળવે, પરંતુ હવે અભિગમ બદલાયો છે. છેલ્લાં બે વર્ષોમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો કર્યા છે, જેના લીધે અન્ય ખેડૂતો પણ આ દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થયા છે.
ભાવનગરના યુવાન ખેડૂત નરવણસિંહ બહુ ઓછું ભણેલા છે, પરંતુ ખેતીમાં તેમણે આગવી સફળતા મેળવી છે. તેમણે એસ.પી.એન.એફ. પદ્ધતિના આધારે એવું ફાર્મ વિકસાવ્યું છે, જેની મુલાકાત ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યના ખેડૂતો પણ લઈ રહ્યા છે અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાની પ્રેરણા મેળવી રહ્યા છે.
નરવણસિંહ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અવારનવાર ખેડૂતોના ફાર્મમાં જઇને તેમને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપે છે. એસપીએનએફ પદ્ધતિ મુજબ પાક માટેની પ્રાકૃતિક દવાઓ અગ્નિઅસ્ત્ર, નિમાસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરે તેઓ પોતે બનાવીને રાખે છે અને જરૂર પડ્યે વિનામૂલ્યે અન્ય ખેડૂતોને પણ આપે છે. તેઓ કહે છે કે, ‘માનવજાત પર આરોગ્યની દ્રષ્ટિએ જે સંકટ છવાયું છે, તેમાંથી માનવી મુક્ત થાય તે દિશામાં સમાજ સક્રિય બને અને પ્રાકૃતિક ખેતી અપનાવે, તેવા હેતુસર હું સતત પ્રયાસો કરતો રહું છું.’
પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે વળ્યા, તે જણાવતા નરવણસિંહ જણાવે છે કે, જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા, ત્યારે મોટાભાગે શાકભાજીનું વાવેતર થતું હતું અને સારા એવા પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ થતો હતો. અમે તેનો બેફામ ઉપયોગ કરતા હતા. તેનાથી શાકભાજીનું ઉત્પાદન તો સારું મળતું હતું, પરંતુ ખર્ચ પણ એટલો જ થતો હતો, એટલે સરવાળે નફો તો થતો જ નહોતો. પહેલા એક થેલી યુરિયા વાપરતા અને પછી બે થેલી વાપરવા માંડ્યા. ડીએપી પહેલા માત્ર પાંચ-દસ કિલો જ વપરાતું હતું, પરંતુ પછી એક વીઘામાં એક થેલી ડીએપી નાખવું પડતું હતું. આટલા વપરાશ પછી, શરૂઆતમાં જે કૃષિ ઉત્પાદન થતું હતું, તેમાં ધીમે-ધીમે ઘટાડો થવા લાગ્યો.
તે સમયે આત્મા પ્રોજેક્ટ દ્વારા ડીસા ખાતે યાજોયેલા પ્રેરણા પ્રવાસ અંતર્ગત સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં નરવણસિંહે હિસ્સો લીધો. ત્યાં તેમને જાણવા મળ્યું કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ ખૂબ સારી રીતે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી થઈ શકે છે. ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. તેમણે જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની શરૂઆત કરી. આજે તેમની છ એકર જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતઉત્પાદન કરી રહ્યા છે. ચાર એકરમાં તેઓ કેળાં ઉગાડે છે અને બે એકરમાં તેઓ મિશ્ર શાકભાજી વાવે છે. પ્રાકૃતિક કૃષિપેદાશની ગુણવત્તા પણ સારી હોય છે અને તેનાથી લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીના કારણે નરવણસિંહનો ખેત ઉત્પાદન ખર્ચ પણ ઘટ્યો છે, પરિણામે તેમનું નફાનું પ્રમાણ ચારગણું વધી ગયું છે.
પ્રાકૃતિક ખેતીનો અન્ય એક ફાયદો એ છે કે તેમાં પાણી પણ ખૂબ ઓછું વપરાય છે. આ અંગે વાત કરતા નરવણસિંહ જણાવે છે કે વર્ષ 2018માં વરસાદ નબળો હતો અને પૂરતી સિંચાઈનો અભાવ હતો, તેમ છતાંપણ તેમણે કેળાના પાકમાં રૂ.12 લાખનો નફો લીધો હતો. તેનું કારણ એ કે આચ્છાદન, અળસિયાં અને ડ્રીપ ઇરિગેશનના કારણે જમીનમાં સેન્દ્રિય તત્વો ઉમેરાતાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. આચ્છાદન કરવાથી ભેજ સચવાઈ રહે છે, પરિણામે પાકને બહુ પિયતની જરૂર રહેતી નથી. વધુમાં જીવામૃત અને ઘનજીવામૃતના પદ્ધતિસરના ઉપયોગથી જમીનમાં અળસિયાંનું પ્રમાણ પણ પુષ્કળ વધે છે. તેનાથી જમીનમાં એટલાં છિદ્રો પડે છે કે જેટલો પણ વરસાદ પડે, તેના પાણીનો ભૂગર્ભમાં સંચય થાય છે, એટલે બહારથી સિંચાઈની જરૂર રહેતી નથી.
નરવણસિંહને તેમની પ્રાકૃતિક ખેતીની સફળતા માટે ગુજરાતના રાજ્યપાલ દ્વારા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા સન્માન મળ્યું છે. સુભાષ પાલેકરજીએ પણ તેમના ખેતરની મુલાકાત લીધી છે. આ પ્રકારના સન્માનથી પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટેનું ચાલકબળ પણ આપોઆપ વિકસે છે. ખેડૂતોએ જો ખેતીને ટકાવવી હશે, માનવજાત પરના રોગોના આક્રમણોને ખાળવા હશે, તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ખેતીને મુક્ત કરવી પડશે, જેનો વિકલ્પ માત્ર પ્રાકૃતિક ખેતી જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે