ગુજરાતના ખેડૂતો પર આવ્યું નવું સંકટ; કપાસના વાવેતરમાં વધ્યો આ રોગનો 'મહાખતરો'

કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. જેના કારણે કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે.

ગુજરાતના ખેડૂતો પર આવ્યું નવું સંકટ; કપાસના વાવેતરમાં વધ્યો આ રોગનો 'મહાખતરો'

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના ખેડૂતો પર એક બાદ એક સંકટ આવી રહ્યા છે. કમોસમી વરસાદના માર બાદ વધુ એક સંકટે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. જેના કારણે કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે. ત્યારે કૃષિ વિભાગ આ ઉપદ્રવથી ખેડૂતોને ઉગારે તેવી માંગ ઉઠી છે.

આ વાવેતર પર હવે લાલ જીવાત અને ગુલાબી ઇયળ ની નજર લાગી
રાત દિવસ કાળી મજૂરી કરી અન્ય લોકો માટે ધાન પકવતા જગતના તાત એવા ખેડૂતોની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. એક તરફ માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતને હવે કપાસમાં લાલ જીવાત અને ઇયળોનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુલાબી ઈયળોના આક્રમનના કારણે ખેડૂતોનો કપાસ હવે ખેડૂતોની નજર સામે જ સડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરતા હોય છે. પરંતુ આ વાવેતર પર હવે લાલ જીવાત અને ગુલાબી ઇયળ ની નજર લાગી ગઈ છે. 

કપાસના વાવેતરમાં જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે
હાલ જિલ્લામાં 25 હજાર હેક્ટર કરતા વધુ કપાસના વાવેતરમાં જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગુલાબી ઈયળો ખેડૂતોનો કપાસ કોરી ને ખાઈ રહી છે જેના કારણે કપાસના ઉત્પાદનમાં પણ ખૂબ મોટો તફાવત આવે તેવી પુરી શકયતા છે. કારણ કે, જીવાતો ના ઉપદ્રવના કારણે માર્કેટ યાર્ડમાં કપાસની આવક ઘટી રહી છે. જે અંગે રાજ્યનું ખેતીવાડી વિભાગ તાત્કાલિક ખેડૂતોની વહારે આવે તો વધ્યો ઘટ્યો ખેડૂતોનો કપાસનો પાક બચી શકે તેમ છે.

હવે કપાસમાં નવી મુસીબત આવી પહોંચી
ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, ભાવનગર સહિતના તાલુકા પંથકમાં કપાસના વાવેતરમાં અસંખ્ય ગુલાબી ઈયળ અને લાલ જીવાત જોવા મળી રહી છે. જોકે આ પરિસ્થિતિ માત્ર આટલા તાલુકામાં જ સીમિત નથી રહી પરંતુ સમગ્ર જિલ્લામાં તેનું અતિક્રમણ સામે આવી રહયુ છે. હજી તો થોડા સમય પહેલા જ આવેલા માવઠાના માર થી ખેડૂત ઉભર્યો નથી, ત્યાં હવે કપાસમાં નવી મુસીબત આવી પહોંચી છે. 

અનેક ખેડૂતોએ તો ફરી કપાસનું વાવેતર કરવાનું માંડી વાળ્યું
કપાસના જીંડવા આ ઉપદ્રવ ના કારણે ખરાબ થઈ રહ્યા છે. મોંઘા દાટ બિયારણો અને ઊંચી કિંમતમાં દવાના છંટકાવ બાદ પણ કપાસના પાક પર ઉપદ્રવ ઘટવાનું નામ લેતો નથી, ત્યારે અનેક ખેડૂતોએ તો ફરી કપાસનું વાવેતર કરવાનું માંડી વાળ્યું છે. ત્યારે આ માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા એક્સપર્ટ ટીમની કમિટી બનાવી ખેડૂતોને આ સંકટથી બચાવવા જોઈએ તેવી માંગ થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news