ભાવનગરમાં 36 મી રથયાત્રાની તૈયારીઓ શરૂ, ભગવાનના રથ પર નીલ ચક્રનું સ્થાપન કરાયું
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરમાં દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે 36 મી રથયાત્રા (rathyatra) ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે રથયાત્રાના પ્રણેતા સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને હરુભાઈ ગોંડલિયા સંચાલિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા 12 જુલાઈને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 36 મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
રથ પર નીલ ચક્ર અને કળશ સ્થાપિત કરાયા
ભગવાન જગન્નાથજી રથયાત્રા પૂર્વે અનેક પ્રકારની ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેમાં ધ્વજારોહણ બાદ પંચામૃત અને પાંચ નદીઓના નીરથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે અગિયારશના દિવસે પૂજા અર્ચના કરી શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન જગન્નાથજીના રથના શિખર પર નીલ ચક્ર અને ઘુમ્મટ પર કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
સરકાર મંજુરી આપશે તો નીકળશે રથયાત્રા
ગત વર્ષ કોરોનાના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન નહોતું કરવામાં આવ્યું. આ વર્ષે કોરોના કેસ ઘટતા ભગવાન જગન્નાથજીના દર્શનની ફરી આશા બંધાઈ છે, ત્યારે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સરકાર પાસે મંજૂરીની આશાએ ભગવાન જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રથયાત્રા પૂર્વ 20 જૂનના રોજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જ્યારે 24 જૂનના રોજ શહેરના સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગન્નાથજી મંદિરના પરિસરમાં ભગવાનને કેસર, ચંદન, પંચામૃત અને પાંચ નદીઓના નીરથી જળાભિષેક સહિતની ધાર્મિક વિધિ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જ્યારે અગિયારસના દિવસે ભગવાન જગન્નાથજીના રથ પર નીલ ચક્ર અને શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
નીલ વર્ણ કૃષ્ણનું નીલ ચક્ર સ્થાપિત કરાયું
શહેરના સુભાષનગરમાં આવેલ ભગવાન જગન્નાથજી મંદિર ઉપર અને ભગવાનના રથ ઉપર બંને પંચધાતુનું બનેલ નીલ ચક્ર લગાવવામાં આવ્યું છે, ભગવાન જગન્નાથજી (કૃષ્ણ) નીલવર્ણ હોવાથી મંદિર પર અને રથ પર લગાવવામાં આવેલ ચક્રને નીલ ચક્ર નામ અપાયું છે. મંદિર પર લગાવવામાં આવેલ આ નીલ ચક્રને કોઈ પણ દિશામાથી જુઓ તો પણ એ આપણી સામે હોય એ રીતે પ્રતીતિ કરાવે છે, અને આ મંદિરની વિશિષ્ટતા પૈકી એક છે. જેને શુભ મુહૂર્તમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે