ભાદરવી પૂનમમાં અંબાજી મંદિરનું કિચન ગોલ્ડન ટેમ્પલના લંગાર જેવું બને છે, આ વર્ષે મોહનથાળ બનાવવો સૌથી મોટી ચેલેન્જ

Bhadarvi Poonam : શક્તિપીઠ અંબાજીમાં 2 વર્ષ બાદ ભરાતાં અંબાજી મેળાની તડામાર તૈયારીઓ... 40 લાખ જેટલા પ્રસાદના તૈયાર કર્યા પેકેટ... 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમનો મેળો 
 

ભાદરવી પૂનમમાં અંબાજી મંદિરનું કિચન ગોલ્ડન ટેમ્પલના લંગાર જેવું બને છે, આ વર્ષે મોહનથાળ બનાવવો સૌથી મોટી ચેલેન્જ

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :શક્તિપીઠ અંબાજી માં બે વર્ષ બાદ ભાદરવી પુનમનો મેળો ભરાવા જઈ રહ્યો છે, ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બે વર્ષ બાદ મેળો યોજાતા આ વખતે અંબાજી મંદિરે મોટી સંખ્યામાં યાત્રિકો આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. ત્યારે જો ભક્તો વધુ આવે તો મંદિર પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામા આવનાર છે. ખાસ કરીને અંબાજીનો પ્રસાદ વખાણાય છે, તેથી ભક્તો માટે વધારે પ્રસાદ બનાવવો પડશે. ભાદરવી પૂનમ સિવાય પણ અંબાજી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં મંદિરના મોહનથાળના પ્રસાદની મોટી માંગ રહેતી હોય છે, ત્યારે મેળામાં પ્રસાદની માંગને પહોંચી વળવા તંત્ર દ્વારા પ્રસાદનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પૂરતા પ્રમાણમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હજારો નહિ, પણ લાખો કિલોની માત્રામાં પ્રસાદ બનાવવાની રોજિંદી કામગીરી શરૂ કરાઈ છે. અહીં એક દિવસમાં અંદાજિત 200 ગણોમાં એટલે કે 3500 કિલો પ્રસાદ બનાવામાં આવે છે ને સમગ્ર મેળા દરમ્યાન 3 લાખ 60 હજાર કિલો પ્રસાદ બનાવાશે. તેના ત્રણ પ્રકારના 40 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે. જેના માટે કારીગરો સાથે 400 ઉપરાંત મજુરો સતત કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને શુદ્ધ અને ગુણવત્તાસભર પ્રસાદ મળી રહે તેમાટે ફુડ અને ડ્રગ વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવે છે. 

No description available.

અંબાજીના અંબિકા ભોજનાલયના મેનેજર રજનીકાંત મેવાડા જણાવે છે કે, ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ પ્રસાદ બનાવવા માટે 175 હજાર કિલો ખાંડ, 100 હજાર કીલો બેસણ, 7 હજાર શુદ્ધ ઘીના ડબ્બા તથા 200 કિલો ઈલાયચીનો ઉપયોગ કરાશે. એટલું જ નહિ, મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી પ્રસાદ વિતરણ માટે અલગ અલગ 9 જેટલા વધારાના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. જ્યારે ફરાળી ચીકીના 3 લાખ જેટલા પ્રસાદની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

No description available.

દર્શનનો સમય વધારાશે
અંબાજીમાં ભરાનાર ભાદરવી પૂનમના મેળા દરમિયાન યાત્રિકો વધુ સમય માતાના દર્શન કરી શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે મંદિર પહોંચીને દર્શનનો લાભ મેળવે તે માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવશે. જેથી મંદિરમાં ભીડ પણ ન થાય. 
 
આમ, અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અનેક સામિયાણા અને ટેન્ટ બાંધવામાં આવી રહ્યાં છે. યાત્રિકોને તમામ સુવિધાઓ મળી રહે તેવા વહીવટીતંત્રના પ્રયાસો છે. વધારાની એસટી બસોનું પણ સંચાલન કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news