અમદાવાદમાં વેપારીઓ સાથે મોટી ઠગાઈ; બેંકના ચેરમેન અને મેનેજર લોનની લાલચ આપે તો છેતરાતા નહીં!

કલર મર્ચન્ટ બેંકના અધિકારીઓ અને એજન્ટો દ્વારા લોનના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ હતી.

અમદાવાદમાં વેપારીઓ સાથે મોટી ઠગાઈ; બેંકના ચેરમેન અને મેનેજર લોનની લાલચ આપે તો છેતરાતા નહીં!

ઉદય રંજન/અમદાવાદ: કલર મર્ચન્ટ કો ઓપરેટીવ બેંકના ચેરમેન અને મેનેજર દ્વારા લોનના નામે વેપારીઓ સાથે ઠગાઈ કેસમાં EOW એ 3 આરોપીની ધરપકડ કરી છે, મોર્ગેજ લોનની ડીડમાં સુધારા કરવાના બહાને છેતરપિંડી કરી હતી. આ આરોપીઓના કારણે અગાઉ એક દંપતી સહિત 4 લોકોએ હાઇકોર્ટમાં ફિનાઇલ પીધું હતું.

કલર મર્ચન્ટ બેંકના અધિકારીઓ અને એજન્ટો દ્વારા લોનના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ હતી. આ ઠગાઈ કરનાર આરોપી બેંક મેનેજર અતુલ શાહ જનરલ મેનેજર કિન્નર શાહ અને ચેરમેન વિમલ પરીખ છે. આ આરોપી દ્વારા અનેક લોકોને લોન આપવાના બહાને દસ્તાવેજો મેળવી લઈને ઠગાઈ કરતા હતા. અમદાવાદના એક વેપારીને મોર્ગેજ લોનની ડીડમાં સુધારો કરવાના બહાને કલર મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંકના મેનેજર, જનરલ મેનેજર, ચેરમેન અને એજન્ટો દ્વારા ખોટા દસ્તાવેજો અને સહી સિક્કા કરીને વેપારીની જાણ બહાર રૂ 55 લાખની મોર્ગેજ લોન મંજૂર કરીને વેપારીના કરન્ટ ખાતામાં નાણાકીય વ્યવહાર કર્યો હતો. આ કાવતરાને લઈને EOW માં ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી.

લોનના નામે ઠગાઈ કરતી આ ટોળકીના કારણે હાઇકોર્ટમાં જજની સામે એક  દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નવરંગપુરાના નીતિનભાઈ રાજગુરુ અને ચાંદલોડિયાના હાર્દિક પટેલ દ્વારા બે ફરિયાદ અત્યાર સુધીમાં નોંધાઇ છે. જ્યારે વધુ એક વેપારીએ પણ આ છેતરપિંડી મામલે આર્થિક ગુના નિવારણ શાખાને રજૂઆત કરી છે. છેલ્લા ઘણા સમયથી કલર મર્ચન્ટ બેંકના અધિકારીઓ દ્વારા આ પ્રકારે ઠગાઈનું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં EOW એ આ ત્રણેય આરોપી ઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ કૌભાંડને લઈને અલગ અલગ 6 ટીમો બનાવીને તપાસ શરૂ કરી. આરોપીઓના ઘર તથા ઓફિસ માં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગુના સંબંધિત જરૂરી દસ્તાવેજો ઠરાવો અને અલગ અલગ પેઢીના સ્ટેમ્પ તેમજ આરોપીઓના અન્ય બેન્કો માં રહેલા બેન્ક એકાઉન્ટ ની વિગત તથા શંકાસ્પદ ચેકો કબજે કરવામાં આવ્યા છે. EOW એ આ ઠગ ટોળકી નો ભોગ બનેલ વ્યક્તિને ફરિયાદ માટે સંપર્ક કરવાની પણ અપીલ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news