સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : બનાસકાંઠામાં હવે તીડ આવશે તો અમે બરબાદ થઈ જઈશું, ખેડૂતોમાં ડર

Banaskantha News : ફરીથી રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રણ પ્રદેશ મોહનગઢમાં 150 હેક્ટરમાં તીડના ઈંડામાંથી તીડના બચ્ચા નીકળતા હોવાના 155 સ્પોટ મળતાં તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે. જોકે તીડ ફરીથી એકવાર દેખા દેતા બનાસકાંઠા જિલ્લાના ખેડુતો ભયભીત બન્યા 
 

સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : બનાસકાંઠામાં હવે તીડ આવશે તો અમે બરબાદ થઈ જઈશું, ખેડૂતોમાં ડર

locusts attack અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાથી 450 કિલોમીટર દૂર રાજસ્થાનના જેસલમેરના મોહનગઢમાં 150 હેક્ટરમાં તીડના ઈંડામાંથી બચ્ચા નીકળી રહ્યા હોવાના 154 સ્પોટ મળતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વર્ષ 2019 અને 2020માં તીડોના આક્રમણના કારણે જિલ્લાના લાખો હેકટરમાં ઉભેલો મહામુલો પાકનો તીડોએ સફાયો બોલાવતા ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. જોકે હવે ફરીથી તીડની દહેશતના કારણે ખેડૂતો રાજસ્થાનના રણમાં જ તીડનો સફાયો થાય તેવી માંગ કરી રહ્યા છે.

વર્ષ 2019 અને 2020 માં બનાસકાંઠા જિલ્લામાં સરહદ પાર પાકિસ્તાનથી મોટી સંખ્યામાં આવેલ તીડોના ઝુંડોએ લાખો હેકટરમાં ઉભેલો ખેડૂતોના  પાકનો સફાયો બોલાવી દીધો હતો. જોકે બનાસકાંઠા જિલ્લામાં આવેલા તીડોએ એવો ત્રાસ મચાવ્યો હતો કે ખેડૂતોએ તેમને ભગાડવા માટે ઢોલ નગારા અને થાળીઓ વગાડીને તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તીડોની સંખ્યા મોટી હોવાથી ખેડૂતોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જોકે  તીડ નિયંત્રણ વિભાગ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની 117 થી વધુ ટિમોની સાથે સાથે ખેડૂતોએ પોતાના ખર્ચે ફાલકન મશીન સહિત ટ્રેક્ટરો અને ગાડીઓ દ્વારા તીડોના ઝુંડ ઉપર દવાનો છંટકાવ કરવા અનેક દિવસો સુધી કામ કર્યું હતું અને તીડોનો સફાયો બોલાવ્યો હતો.

જોકે 17 દિવસો સુધી તીડોએ આતંક મચાવી 13 તાલુકાના 114 જેટલા ગામડાઓના ખેતરોમાં ઉભેલા એરંડા, દાડમ, જીરું, રાયડો તેમજ અન્ય મહામુલા પાકનો સફાયો કર્યો હતો અને તીડોના ઝુંડ છેક અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચી ગયા હતા. જેને લઈને ખેડૂતોને કરોડોનું નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. જોકે હવે ફરીથી રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રણ પ્રદેશ મોહનગઢમાં 150 હેક્ટરમાં તીડના ઈંડામાંથી તીડના બચ્ચા નીકળતા હોવાના 155 સ્પોટ મળતાં તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે. જોકે તીડ ફરીથી એકવાર દેખા દેતા બનાસકાંઠા જિલ્લાના ખેડુતો ભયભીત બન્યા છે. એકબાજુ બીપરજોય વાવાઝોડાની માર સહન કરી બરબાદ થયેલા ખેડૂતો તીડોની દહેશતથી ચિંતામાં ઘેરાયા છે, જેથી હવે તેવો તીડ નિયંત્રણ વિભાગ જલ્દીથી તીડોને નિયંત્રિત કરી ખેડૂતોને નુકસાન થતું અટકાવે તેવી માંગ કરી રહ્યા છે.

સ્થાનિક ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે, 2019-20 માં પણ તીડ નિયંત્રણ વિભાગે તીડને કન્ટ્રોલ કર્યા હોવાનો દાવો કર્યો હતો તો પણ મોટી સંખ્યામાં તીડો આવ્યા હતા અને પાકનો સફાયો કર્યો હતો. પહેલા તીડ આવ્યા એટલે અમે બરબાદ થઈ ગયા હતા અને હવે ફરીથી તીડની દહેશત છે અમે ભયભીત છીએ તંત્ર કઈક કરે નહિ તો અમે બરબાદ થઈ જઈશું.

જોકે રાજસ્થાનના જેસલમેરમાં તીડ વિભાગની ટીમે સ્થતિને કંટ્રોલમાં કરી લીધાનો દાવો પાલનપુરની તીડ નિયંત્રણ વિભાગ કરી રહ્યું છે. પાલનપુરના તીડ નિયંત્રણ વિભાગના પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર મહારાજસિંહનું કહેવું છે કે જેસલમેરમાં એડલ્ટ તીડ નથી મળ્યા ત્યાં નાના બચ્ચા મળ્યા છે, તેને કન્ટ્રોલ કરી દીધા છે. હાલ અમારો સર્વે ચાલી રહ્યો છે. બિકાનેરમાં એક બે સ્કેટેડ મળી છે, જેમાં અમે બનાસકાંઠા જિલ્લામાં થરાદ, વાવ, સુઇગામ, મધપુરા કાંકરેજમાં તેમજ પાટણ જિલ્લામાં રાધનપુર, સાંતલપુર, વારાહી તો કચ્છ ભુજમાં રાપર અને શામખ્યાલીમાં રૂટીન તેમજ સ્પેશ્યલ સર્વે કર્યો છે. પણ અહીં કઈ જ મળ્યું નથી. અમે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છીએ. અમારી પાસે તીડ આ વિસ્તારમાં છે કે નહીં તે ચેક કરવા માઈક્રોનિયર ઈક્વીપમેન્ટ સહિતની ટિમ 24 કલાક ખડેપગે તૈયાર છે. જેથી અહીં તીડની કોઈ જ શક્યતાઓ નથી. જેથી ખેડૂતોએ બિલકુલ ગભરાવવાની જરૂર નથી સ્થતિ નિયંત્રણમાં છે.

તો આ મુદ્દે પાલનપુરના તીડ નિયંત્રણ વિભાગના પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર મહારાજસિંહે જણાવ્યું કે, જેસલમેરમાં તીડના બચ્ચા જોવા મળ્યા હતા તેને કન્ટ્રોલ કરી દેવાયા છે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news