ગુજરાતના ગામડાઓમાં છુપાયુ છે અદભૂત ટેલેન્ટ, ડીસાના ખેડૂતે ખર્ચ બચાવવા બનાવ્યું સોલાર ટ્રેક્ટર
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના ડીસાના એક યુવા ખેડૂતે ઓછા ખર્ચે સોલાર અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર બનાવી આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપ્યું છે. આ યુવા ખેડૂત ગુજરાતના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો છે.
આ સોલાર ટ્રેકટર એક ટન જેટલો વજન ખેંચી શકે તેવી આની સોલરની ક્ષમતા પણ છે. આ ટ્રેક્ટર પર પાંચ માણસો સવાર હોય તો પણ તે એકદમ આરામથી દોડી શકે છે. આ સફળ સોલાર ટ્રેકટર ફક્ત 1.75 લાખના ખર્ચે માત્ર ત્રણ મહિનાની મહેનતથી તૈયાર કરાયું છે. આ ટ્રેકટર સોલરથી ચાલે છે અને તેમાં બેટરી લાગેલી હોવાથી સોલરનીં સાથે એ.સી લાઈટથી ચાર્જ પણ થાય છે. આ સોલાર ટ્રેક્ટર ડીસાના રાણપુર ગામે રહેતા પ્રગતિશીલ યુવા ખેડૂત નવીનભાઈ માળીએ બનાવ્યું છે. એક ખેડૂત હંમેશા ઓછા ખર્ચે ખેતી થાય તેવા પ્રયત્ન સતત કરતા હોય છે. ત્યારે નવીનભાઈએ ઓછા ખર્ચમાં ખેડૂતોનું કામ કરે તેવું મિની ટ્રેકટર બનાવવાનો વિચાર કર્યો અને ખેતરમાં બેઠા બેઠા ટ્રેક્ટરના સ્ટ્રક્ચરનું આયોજન કરી પોતાના વિચારને આકાર આપ્યો.
ટ્રેક્ટર બનાવવા બોડી વર્કનું કામ કરતા હર્ષદભાઈ પંચાલ પાસે ગયા અને તેમને ટ્રેકટર બનાવવાનો આઈડિયા આપ્યો. ગણતરીના દિવસોમાં સોલર અને બેટરીથી ચાલતું ટ્રેક્ટર તૈયાર કરી દીધું.
આ ટ્રેક્ટર ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલની બચત કરાવશે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગી નીવડી શક છે. સાથે જ પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવામાં સરળતા રહે. સાથે જ પર્યાવરણ બચે છે અને પ્રદૂષણ પણ ન થાય તેવું હોવાથી આ ટ્રેક્ટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે.
પોતાના આવિષ્કાર વિશે નવીન માળીનું કહેવું છે. મને ટ્રેક્ટર બનાવવાનો વિચાર આવ્યો અને આ ટ્રેક્ટર બનાવ્યું. આનાથી નાના કામો સરળતાથી થઈ શકે છે અને ખેડૂતોને મોટો ફાયદો થશે. તો ટ્રેક્ટરની ડિઝાઈનનું કામ કરનાર હર્ષદભાઈ પંચાલનું કહેવું છે કે, નવીનભાઈએ આઇડયા આપ્યો અને તેઓએ આ ટ્રેક્ટર બનાવડાવ્યું, જે એન્જિન નહિ પણ, ઇલેક્ટ્રિક ડિવાઇસથી ચાલે છે.
ડીસાના યુવા ખેડૂતે બનાવેલ ટ્રેક્ટરના કારણે ખેડૂતને વર્ષે એક લાખ જેટલી મજૂરી અને ઇંધણની બચત થશે. જોકે યુવા ખેડૂતે બનાવેલ ટ્રેક્ટર હાલ સોશિયલ મીડિયામાં છવાઈ જવા અનેક ખેડૂતો દૂર દૂરથી આ ટ્રેક્ટર જોવા આવી રહ્યા છે અને આ ટ્રેક્ટરને જોઈને પોતે પણ આવું જ ટ્રેક્ટર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે.
ડીસાના ખેડૂતનું સોલાર ટ્રેક્ટર ઓછા ખર્ચે વધુ કામ કરતું હોવાથી તેને જોયા બાદ આવનાર સમયમાં અન્ય ખેડૂતો પણ આવા ટ્રેક્ટર બનાવી અને પોતાના નાના-મોટા કામ ઓછા ખર્ચે પૂરા કરશે તે આ ટ્રેક્ટરની વિશેષતાઓ જોઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે