ભાવનગર સિદસર હાઇવેની બિસ્માર હાલત, સામાન્ય નાગરિકોની ધૂળ ખાઇ ખાઇને હાલત ખરાબ
Trending Photos
ભાવનગર: શહેરથી સીદસર સુધીનો મુખ્યમાર્ગ અતિશય બિસ્માર બન્યો છે, ભાવનગરથી આજુબાજુના 35 થી વધુ ગામમાં પહોંચવા માટે આ મુખ્ય રોડનો જ ઉપયોગ થઈ રહ્યો છે. જેથી રોજના હજારો લોકો આ માર્ગ ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે પસાર થતા લોકો અને સ્થાનિક રહીશો રસ્તા પર ઉડતી ધુળની ડમરીઓના કારણે પરેશાન થઈ રહ્યા છે. મનપા દ્વારા નવો રોડ બનાવવા માટે આ રોડને ખોદી નાખવામાં આવ્યો હતો પરંતુ હાલ બે વર્ષ જેવો સમય વિતી જવા છતાં પરિસ્થિતિ એની એ જ છે. ત્યારે રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા લોકો માંગ કરી રહ્યા છે.
ભાવનગર જીલ્લામાં વિકાસના અનેક કામો થઇ રહ્યા છે, જેમાં ડ્રેનેજનું કામ હોય કે પાણીની લાઈન નાખવાનું કામ હોય કે પછી રોડનું કામ હોય મનપા દ્વારા એક પણ કામ આપેલ સમયે પૂરા નથી થયા. હાલ ભાવનગરથી સીદસર સુધીના 5 કિમી લાંબા રોડની હાલત ખુબ જ દયનીય બની છે. નવો રોડ બનાવવા માટે મનપાએ આ રોડ 2 વર્ષ પહેલાં ખોદી નાખ્યો હતો પરંતુ બાદમાં આજ દિન સુધી નવો રોડ બનાવવાની કામગીરી પૂરી કરવામાં આવી નથી. જ્યારે ભાવનગરથી પાલીતાણા સુધી જતા આ રોડ પર ૩૫ થી વધુ ગામો આવેલા હોય. આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે. જેથી દિવસ રાત ધુળની ડમરી ઉડવાથી સ્થાનિક રહીશો અને રાહદારીઓને ખૂબ હાલાકી પડી રહી છે.
ભાવનગર મહનગરપાલિકાનું વિસ્તૃતિકરણ કરવામાં આવતા 9 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકીનું એક ગામ સીદસર છે, જેનો સમાવેશ કર્યા ને 5 વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં એક પણ પાયાની સુવિધા મળી નથી. જેમાં ભાવનગર આવવા જવા માટેનો એક માત્ર મુખ્ય માર્ગ બિસ્માર બનતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે મનપામાં કોંગ્રેસના વિપક્ષ નેતાએ ઉધોગપતિઓ સાથે ના કારણે કામ અટકતા હોવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો.
ભાવનગર મહાનગરપાલિકામાં 2015 માં ભળેલા તમામ ગામોમાં ડ્રેનેજ, પાણી સહિત પ્રાથમિક સુવિધાના કામો કરવાના બાકી હોવાથી તેવા ગામોમાં રસ્તાના કામો બાકી હોય જે કામો પૂર્ણ થયા બાદ રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે એવું મનપા કમિશનરે જણાવ્યું હતું. ભાવનગર સીદસર રોડની કામગીરી શરૂ થયાને 2 વર્ષ કરતા વધુ સમય વિતી ગયો છે, પરંતુ પાણી, ડ્રેનેજ લાઈન બાકી હોવાથી રોડ હજુ બન્યો નથી ત્યારે ક્યારે ડ્રેનેજ અને પાણી ની લાઈન નખાશે અને લોકોને ક્યારે નવા રોડની સુવિધા મળશે એતો સમય જ બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે