ગુજરાતમાં ફરી નકલી કચેરી પકડાઈ! તપાસનો રેલો ભાજપના નેતાના પરિવાર સુધી પહોંચ્યો

Fake Government Office In Modasa : મોડાસાની નકલી કચેરીમાં અસલી ખેલ હવે ખૂલ્યો, નકલી સરકારી કચેરી કૌભાંડમાં ભાજપના નેતાના વેવાઈની સંડોવણી હોવાની ચર્ચા, સ્થાનિક રાજકારણ ગરમાયું
 

ગુજરાતમાં ફરી નકલી કચેરી પકડાઈ! તપાસનો રેલો ભાજપના નેતાના પરિવાર સુધી પહોંચ્યો

Arvalli News : બાયડના MLA ધવલસિંહ ઝાલાની રેડ દરમિયાન શંકાસ્પદ કચેરીનો પર્દાફાશ કર્યો છે. ત્યારે મોડાસામાં નકલી કચેરી અને શંકાસ્પદ સ્ટેમ્પ મામલે બીજું જ રાજકારણ રંધાતું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ત્યારે આ કેસમાં નવો ફણગો ફૂટ્યો છે. નકલી સિંચાઈ કચેરીનો બંગલો ભાજપના ભીખાજી ડામોરના વેવાઈનો નીકળ્યો છે. સાબરકાંઠામાં ભાજપે લોકસભામાં પહેલા ભીખાજી ડામોરને ટિકિટ આપી હતી, પંરતું બાદમાં ટિકિત કાપીને બીજા ઉમેદવારને ટિકિટ આપી હતી. 

ધવલસિંહ ઝાલાએ કચેરી ઝડપી હતી
મોડાસા શહેરમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી સિંચાઈ વિભાગની કચેરી ઝડપ્યાનો દાવો કર્યો છે. રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા ચાલવતી કચેરીની આશંકા તેમણે વ્યક્ત કરી છે. આ સાથે બાયડના MLA ધવલસિંહ ઝાલાએ અહીં શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. આ કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ, મોડાસા ટાઉન પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંછી સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા છે. નકલી કચેરીમાં કામ કરતા કર્મચારીઓએ અંગત કામ માટે ઘર ભાડે રાખ્યું હોવાનું કહ્યું હતુ. 

કચેરી શરૂ કરનાર નિવૃત્ત સિંચાઈ અધિકારી 
નિવૃત સિંચાઈ અધિકારી પી.એમ. ડામોરે કહ્યું કે તેમની નિવૃત્તિ બાદ કેટલીક ફાઈલ પેન્ડિંગ હતી, જેનું કામ અહિંયા કરી આપતો હતો. હાલ ફરજ બજાવતા સિંચાઈ અધિકારીએ કહ્યું કે તેઓને જૂની ફાઈલોનું ખબર ન હોવાથી નિવૃત્ત અધિકારીની મદદ લેવા માટે ત્યાં આવ્યા હતા. નિવૃત્તી બાદ પણ જૂની ફાઈલો સાથે રાખીને તેનો નિકાલ કરવાનો મને અધિકાર છે. આ કોઈ બોગસ કચેરી નથી. નિવૃત્ત કાર્યપાલ ઈજનેરની ઓફિસ છે. 

પી.એમ. ડામોર એ ભાજપના ભીખાજી દુધાજી ડામોરના વેવાઈ
મોડાસા ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ્યાંથી બોગસ સિંચાઈ કચેરી પકડયાનું જાહેર કર્યુ તે બંગલો સિંચાઈ ખાતામાં ઈન્ચાર્જ એક્ઝીક્યુટિવ ઈજનેર પૂનમભાઈ મસૂરભાઈ ડામોરનો છે. વર્ગ-૩ના આ સરકારી અધિકારી પી.એમ. ડામોર એ ભાજપના ભીખાજી દુધાજી ડામોરના વેવાઈ છે. જેમને ભાજપે સાબરકાંઠામાં લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જો કે, બાદમા ઓળખને લઈને વિવાદ સર્જાતા તેમની ટિકીટ કાપી લેવાઈ હતી. સાબરકાંઠા લોકસભામાં ચૂંટણી વેળાએ ભાજપમાં થયેલી યાદવાસ્થળી અને હવે ભીખાજી ડામોરના સરકારી અધિકારી વેવાઈના બંગલે બોગસ કચેરીના નામે ભાજપના જ MLAની જનતારેડના ઘટનાક્રમે ચૌતરફ ચકચાર જગાવી છે. 

કચેરીમાંથી દસ્તાવેજો જપ્ત કરાયા
સમ્રગ મામલે અરવલ્લી જિલ્લાના અધિકારીઓ નકલી કચેરી ખાતે પહોંચ્યા હતા. સમ્રગ મામલે પોલીસ અને અધિકારીઓએ દસ્તાવેજો જપ્ત કરીને તપાસ શરૂ કરાઈ છે. આ મામલે કાર્યપાલ ઈજનર એલ.એન પરમારે જણાવ્યું કે, બે મામલે મારે સરકારમાં જવાબ આપવોનો હતો જેને લઈને હું પી.એમ.ડામોરની મદદ લેવા માટે આવ્યો હતો. મારી સહીથી જ કાયદાકીય વ્યવહારો થાય છે. સરકાર પણ સમ્રગ મામલે તપાસ કરશે તો હું સહયોગ આપીશ. 

તપાસ શરૂ કરી છે - કલેક્ટર 
અરવલ્લીના મોડાસા શહેરમાં ઝડપાયેલ સિંચાઈની નકલી કચેરીનો મામલે અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકનું નિવેદન આવ્યું છે. નકલી કચેરી હોવાનું જિલ્લા કલેક્ટરે વાતનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, ઉચ્ય અધિકારીઓની ટીમે તપાસ કરી તમામ દસ્તાવેજી મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ આજે જ શરૂ કરી દેવાશે. તપાસ સમિતિની ટીમની રચના અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news