અરવલ્લીના મામલતદારનું તઘલખી ફરમાન, ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા તલાટીઓને સોંપી જવાબદારી
એટલું જ નહીં માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના 10 ફોલોઅર્સ ટ્વિટર પર જોડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પણ જોડવા પડશે
Trending Photos
અરવલ્લી: ગુજરાતમાં ઝેરી કેમિકલ કાંડથી 37 લોકોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો છે અને 17 ગામડાંઓમાં મરસિયા સંભળાઈ રહ્યા છે. ત્યારે આ માહોલમાં માલપુરના મામલતદારને ટ્વિટર પર પોતાના ફોલોવર વધારવાની ચિંતા કોરી ખાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મામલતદારે બાકાયદા પરિપત્ર જાહેર કરીને ગામના તલાટીઓને રોજના 10 ફોલોઅર્સ વધારવાનો તઘલખી ફરમાન કર્યું છે. તો રેવન્યૂ તલાટીઓ અત્યાર સુધી તો સ્ટાફની અછતના કારણે એક સાથે પાંચ પાંચ ગામની જવાબદારી સંભાળતા હતા પરંતુ હવે તેમને પોતાના મામલતદાર માટે ટ્વિટર પર રોજના 10 ફોલોઅર્સ વધારવાની જવાબદારી પણ વહન કરવી પડશે.
એટલું જ નહીં માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના 10 ફોલોઅર્સ ટ્વિટર પર જોડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પણ જોડવા પડશે. તો આ છે ડિજિટલ ગુજરાતની ચિંતા કરતા અસલી મામલતદાર અને તેમના સુશાસનનો નમુનો. શું ગામના તલાટીઓ હવે ગામલોકોનાં કામ પડતાં મૂકીને મામલતદારના ફોલોઅર્સ વધારવાનું કામ કરશે..?
શું રાજ્ય સરકાર આ મામલતદારને આવા ફતવા કાઢવા માટેનો પગાર આપે છે કે તાલુકાનાં ગામોના વિકાસ માટેની જવાબદારીનું વહન કરવા માટે પગાર આપે છે? ગુજરાતમાં કેમિકલકાંડથી મોતના માતમ વચ્ચે માલપુરના મામલતદારને કેમ ટ્વિટર પર પોતાના ફોલોઅર્સ વધારવાની ચિંતા સતાવી રહી છે અને આ ચિંતા કેમ તેઓ તલાટીઓના માથા પર નાખી રહ્યા છે? પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ જરા જુઓ આ મામલતદારે કાઢેલા તઘલખી ફરમાનને...
મામલપુરના મામલતદાર ડી. વી. મદાતે પોતાના ફોલોઅર્સ વધારીને કયું લક્ષ્ય હાંસલ કરવું છે જેના કારણે તેમણે આટલી મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી ગામમાં કામ કરતા રેવન્યૂ તલાટીઓ પર નાખી છે અને એ પણ કાયદેસરનો પરિપત્ર કરીને.... શું રાજ્ય સરકાર અને લાગતા વળગતા વિભાગના મંત્રીઓ આ ઘટના પર ધ્યાન આપશે કે ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે તલાટીઓને રોકવા એ પણ સુશાસનનો ભાગ છે?
ZEE 24 કલાક પૂછે છે સવાલ... માલપુરના મામલતદાર ડી. વી. મદાત કેમ ટ્વિટર પર તલાટીઓ પાસે પોતાના ફોલોઅર્સ વધારવા માગે છે? શું તેમના ફોલોઅર્સ વધવાથી વિકાસની રફ્તારમાં પણ વધારો થવાનો છે કે પછી આ મામલતદાર પાસે બીજું કોઈ કામ નથી એટલે તેમણે તલાટીઓને ફોલોઅર્સ વધારવાનું કામ સોંપ્યું છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે