ટ્યુશન ક્લાસિસ બંધ રહેતા સંચાલકો નારાજ, શિક્ષકોની આર્થિક સ્થિતિ બની કફોડી

ટ્યુશન ક્લાસિસના સંચાલકોએ ઝી 24 કલાક સાથે વાત કરીને પોતાની મુશ્કેલી જણાવી હતી. શિક્ષકોએ કહ્યું કે, સરકારના આદેશ મુજબ ઓનલાઇન શિક્ષણ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં શક્ય નથી. 

ટ્યુશન ક્લાસિસ બંધ રહેતા સંચાલકો નારાજ, શિક્ષકોની આર્થિક સ્થિતિ બની કફોડી

અતુલ તિવારી/અમદાવાદઃ કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે આશરે ત્રણ મહિના સુધી અનેક ઉદ્યોગ-ધંધા બંધ રહ્યાં હતા. ત્યારબાદ અનલૉક-1 અને હાલ અનલૉક-2માં અનેક છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ હજુ શાળા-કોલેજો સહિત શૈક્ષણિક કાર્ય બંધ છે. અમદાવાદમાં તો ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાને લીધે છેલ્લા ત્રણ મહિનાથી ખાનગી ટ્યુશન ક્લાસ બંધ છે. આ કારણે સંચાલકોને આર્થિક નુકસાન સહન કરવુ પડી રહ્યું છે. 

અમદાવાદ પૂર્વમાં ટ્યુશન ચલાવતા સંચાલકો નારાજ
માર્ચ મહિનાના અંતમાં દેશભરમાં લૉકડાઉનની શરૂઆત થઈ હતી. ત્યારથી આજ સુધી ટ્યુશન ક્લાસ બંધ છે. આટલો મોટો સમય થઈ જતા હવે ટ્યુશન ક્લાસના સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ તો વિદ્યાર્થીઓ આવતા નથી પરંતુ ક્લાસિસનું ભાડુ, લાઇટબીલ અને મેઇન્ટેનસ ખર્ચ ભરવાનો થતો હોવાથી શિક્ષકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. 

ટ્યુશન ક્લાસિસના સંચાલકોએ ઝી 24 કલાક સાથે વાત કરીને પોતાની મુશ્કેલી જણાવી હતી. શિક્ષકોએ કહ્યું કે, સરકારના આદેશ મુજબ ઓનલાઇન શિક્ષણ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં શક્ય નથી. અહીં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા વધુ છે તો તેમને ઓનલાઇન શિક્ષણ પરવડે તેમ નથી. 

રાજ્યમાં 6થી 8 જુલાઈ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના  

શિક્ષકોએ કહ્યું કે, ધોરણ- 10 અને 12નાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની જુલાઇમાં પૂરક પરીક્ષા લેવાશે. પરંતુ ક્લાસિસ બંધ હોવાથી તેમની પણ મુશ્કેલી વધી છે. હાલની સ્થિતિને જોતા ધોરણ 9થી ઉપરનાં વિદ્યાર્થીઓનાં વાલીઓનું પણ ક્લાસ ચાલુ કરવા સતત દબાણ આવી રહ્યું છે. શિક્ષણકાર્ય બંધ રહેતા શિક્ષકોને માત્ર ભણાવવાનું જ કામ આવડતું હોવાથી બીજા કોઈ રોજગારમાં કામ મેળવી શકતાં નથી, જેથી આર્થિક રીતે મુશ્કેલી થઈ રહી છે.

શિક્ષકોએ અગાઉ કલેક્ટર તથા શિક્ષણમંત્રીશ્રીને ક્લાસ શરૂ કરવા અંગે આવેદન આપ્યું હતું, જેનો કોઈ જવાબ મળ્યો નથી. સરકાર પરવાનગી આપે તો અમે તમામ શરતો સાથે અન્ય રોજગાર ધંધાની જેમ જ શિક્ષણકાર્ય શરૂ કરવા માગીએ છીએ તેમ શિક્ષકોએ જણાવ્યું હતું.  સુરક્ષાનાં તમામ સાધનો જેમાં હેન્ડ સેનેટાઈઝર, ફેસ માસ્ક, થર્મોમીટર ગન વગેરે ક્લાસમાં રાખી અમે પૂરતી તકેદારી રાખીને બાળકોને શિક્ષણ આપવા માગીએ છીએ જેથી અભ્યાસ શરુ થાય અને શિક્ષકોની પણ આર્થિક સ્થિતિ સુધરે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news