દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમઃ અમિત શાહ


સુશાસન એ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી મળતી વિકાસ યાત્રાની સફળતા છે અને 'વિકાસ સિવાય કોઈ વાત નહીં અને વિકાસમાં વિવાદ નહિ' એ ગુજરાતનો ધ્યેયમંત્ર રહ્યો છે.

દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમઃ અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર સંસદીય વિસ્તારના ગાંધીનગર મહાનગરપાલિકાના બગીચાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઈ-લોકાર્પણ તેમજ બાવળા નગરપાલિકા વિસ્તારના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટના ઈ-ખાતમૂહૂર્ત કરતા કહ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમત્તે તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુશાસન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સુશાસન એ સ્વરાજ સમયથી નાગરિકોની ઝંખના હતી. આઝાદી મળી ત્યારથી દેશને સ્વરાજ મળ્યું હતું પરંતુ સુરાજ નહીં. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીએ સુરાજની વ્યાખ્યા કરી હતી. નરેન્દ્રભાઈ મોદીએ દરેક આયામોમાં સુશાસનની કલ્પના દેશ સમક્ષ પ્રસ્તુત કરી છે.

શાહે ઉમેર્યું હતું કે, દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ગુજરાતે દસમાંથી પાંચ ક્ષેત્રો ઇકોનોમિકલ ડેવલોપમેન્ટ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનિયાદી માળખું અને ઉપયોગિતા, સમાજ કલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષામાં ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું છે. વર્ષ ૨૦૨૧ માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રૂ.૨૩૪૨ કરોડના ખર્ચે ૧૩૬૭ જેટલા વિકાસ કામો થયા છે. આ બધા વિકાસ કામો નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે. લોકાર્પણ થઈ રહેલા બગીચાઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જરૂરી સુવિધા યુકત છે. નાગરિકોને કોરોના સામે હજુ પણ સાવચેતી રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું અચૂક પાલન કરવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના સુશાસનનો પાયો આપણા સૌના પ્રેરણા સ્ત્રોત એવા સ્વ. અટલ બિહારી વાજપેયીજીએ નાંખ્યો હતો. તેમના જન્મ દિને દેશભરમાં "ગુડ ગવર્નન્સ" દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુડ ગવર્નન્સ એટલે સર્વ સમાવેશક વિકાસ સાથે સંકળાયેલું વહીવટી તંત્ર. દેશને સ્વરાજ્ય વર્ષ ૧૯૪૭માં મળ્યું પરંતુ સુરાજ્ય ગુડ ગવર્નન્સનું સ્વપ્ન અધૂરું જ રહ્યું હતું. સ્વ. વાજપેયીજીએ તેમના શાસનકાળમાં સુશાસનનો પાયો નાખ્યો હતો. રાષ્ટ્રનિર્માણના તેમના સંકલ્પને આપણા નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ બંનેની જોડી દેશભરમાં ગુડ ગવર્નન્સની ઉજવણી થકી વધુ સુદ્રઢતાથી સાકાર કરી રહ્યા છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સુશાસન એકાંકી નથી, એ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી મળતી વિકાસ યાત્રાની સફળતા છે. આપણું ઘડતર અને સંસ્કાર સિંચન જ એવી કાર્ય સંસ્કૃતિમાં થયું છે જ્યાં જનકલ્યાણના કામો અને વિકાસ એ જ માત્ર લક્ષ્ય છે. 'વિકાસ સિવાય કોઈ વાત નહીં અને વિકાસમાં વિવાદ નહિ' એ ગુજરાતનો હંમેશથી ધ્યેયમંત્ર રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચથી લઈને મહાનગરોના મેયર, ધારાસભ્યો, મંત્રી અને સાંસદ સુધી સૌ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને જનહિતને સમર્પિત રહ્યા છે. તેથી જ આજે સમગ્ર દેશ-વિદેશમાં ગુજરાત રાજ્ય વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે, એટલું જ નહિ, ગાંધીનગર સંસદીય વિસ્તારને ઉત્તમ સંસદીય વિસ્તાર બનાવવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ  ગાંધીનગર સાંસદ અમિતભાઇ શાહએ કરોડો રૂપિયાની ભેટ આપી છે.

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઇ શાહ દ્વારા આજે ગાંધીનગર શહેરના સેક્ટર-૧૪ અને સેક્ટર- ૨૯ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીનીકરણ તેમજ શહેરના કુલ ૧૪ બગીચાઓના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર નજીક આવેલા રાયસણના સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના ૧૪ બગીચાઓ અને બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે મળી કુલ રૂ.૧૫.૨૨ કરોડના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત બાવળા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થનાર કુલ ૪૬૮ રહેણાંક એકમોના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news