ભારે વરસાદથી જાહેર કરાયું એલર્ટ; બનાસ નદીમાં પૂરની સ્થિતિ, જાનમાલ-પશુધનને ખસેડી લેવા અપીલ

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે.

ભારે વરસાદથી જાહેર કરાયું એલર્ટ; બનાસ નદીમાં પૂરની સ્થિતિ, જાનમાલ-પશુધનને ખસેડી લેવા અપીલ

ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાઠાં જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થતાં આજે 17-09-2023 સુધી દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલીને ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હજુ પણ વધુ પાણી છોડવામાં આવવાની સંભાવના છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધનને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું નહીં તેમ પણ જણાવાયું છે. નદીના વહેણ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારના ગામલોકોને ખાસ કાળજી લેવા જણાવવામાં આવે છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ, કાંકરેજ, ભાભર, ધાનેરા, વાવ, થરાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. 

લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી છવાઈ છે તો બીજી તરફ પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ધનિયાણા ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા પાલનપુરથી દાંતા, અંબાજી અને વડગામ જતા તેમજ અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 

સામાન્ય વરસાદમાં જ હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા હોવાથી અનેક રજૂઆતો બાદ પણ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન કરતાં વાહનચાલકોમાં રોષ છે તો બીજી બાજુ લાંબા સમય બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા લોકો અને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેના કારણે પાલનપુર -અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news