Ahmedabad West Lok Sabha Chunav Result: અમદાવાદ વેસ્ટ પર ભાજપના દિનેશ મકવાણા જીત તરફ

Ahmedabad West Lok Sabha Chunav Result 2024: અમદાવાદ વેસ્ટ બેઠક પર દિનેશ મકવાણા અને ભરત મકવાણા વચ્ચે કાંટાની ટક્કર, કોણ જીતશે અને કોણ હારશે થોડીવારમા ખબર પડશે

Ahmedabad West Lok Sabha Chunav Result: અમદાવાદ વેસ્ટ પર ભાજપના દિનેશ મકવાણા જીત તરફ

Ahmedabad West Lok Sabha Result Election 2024: અમદાવાદ વેસ્ટ બેઠક પર લોકસભાની ચૂંટણીમાં મકવાણા વર્સિસ મકવાણાનો જંગ છે. ભાજપે ત્રણ ટર્મ સાંસદ રહેલા ડો. કિરીટ સોલંકીને બદલી દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા, તો કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે. અમદાવાદ વેસ્ટ પર BJP ઉમેદવારની જીત નિશ્ચિત છે. ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 3 લાખથી વધુની લીડથી જીત તરફ આગળ ચાલી રહ્યાં છે. તો કોંગ્રેસના ભરત મકવાણા પાછળ છે.

અમદાવાદ વેસ્ટ 

  • ભાજપ - દિનેશ મકવાણા 
  • કોંગ્રેસ - ભરત મકવાણા

અમદાવાદ વેસ્ટ બેઠકનું રાજકીય ગણિત 
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક : અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. આ પહેલા અમદાવાદ લોકસભા બેઠક અસ્તિત્વમાં હતી. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. આ બેઠક પરથી પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, મણિનગર, અસારવા અને દાણીલીમડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં એક પણ ગ્રામ્ય વિસ્તાર નથી, તેમાં 100 ટકા શહેરી વસ્તી છે.

કેટલું મતદાન થયું 
આ વખતે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 54.43 ટકા મતદાન થયું હતું. જે ગત લોકસભા ચૂંટણી 2019 કરતા 6.24 ટકા ઓછું છે. લોકસભા ચૂંટણી 2024 માટે નોંધાયેલા કુલ 17.11 લાખ મતદારો પૈકી 10,90,878 મતદારોએ જ મતદાન કર્યું હતું. જેમાં એલિસબ્રિજમાં 55.02 ટકા, અમરાઈવાડીમાં 51.35 ટકા, દરિયાપુરમાં 56.7 ટકા, જમાલપુર-ખાડીયા 53.08 ટકા, મણિનગરમાં 55.01 ટકા, અસારવામાં 54.4 ટકા અને દાણીલીમડામાં 55.75 ટકા મતદાન નોંધાયું હતું.

મકવાણા વર્સિસ મકવાણા 
ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ પાંચ ટર્મના કોર્પોરેટર રહી ચૂક્યા છે. વર્ષ 1991 થી 1995 સુધી અસારવા મંડળ સમિતિના મંત્રી હતા. વર્ષ 1995 થી સતત 20 વર્ષ સુધી સૈજપુર બોઘા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 1998-99 દરમિયાન AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન અને 1999થી 2000 સુધી AMC લીગલ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2000 થી 2003 સુધી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહ્યા હતા. 

તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ કાયદાના સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં ભરત મકવાણાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ભરત મકવાણા આણંદ જિલ્લાની સોજીત્રા સીટ પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જેથી તેનો ખેડા જિલ્લાના મતદારોનું સમર્થન મળી રહે છે. ભરત મકવાણા પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમના માતા શાંતાબેન મકવાણા પણ સોજીત્રા બેઠકથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news