અમદાવાદમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી વેપારીનો આપઘાત! સુસાઇડ નોટમાં કર્યો ખુલાસો, પરિવારમાં શોક
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને મયુર એસ્ટેટમાં એમ્બ્રોડરી મશીનનું કારખાનું ધરાવતા હાર્દિક સોરઠીયાએ પોતાના જ કારખાનામાં આપધાત કરી લીધો હતો. મૃતક હાર્દિક સોરઠીયાને પોતાના ધંધામાં દેવું થઈ ગયું હતું.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: નિકોલ વિસ્તારમાં એક વેપારીએ લેણદારોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. એમ્બ્રોડરી મશીનના વેપારીએ પોતાના જ કારખાનામાં આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તેમણે સુસાઇડ નોટ પણ લખી હતી. અન્ય એમ્બ્રોડરીના વેપારીઓ કે જેઓ રૂપિયાની માંગણી કરતા હતા પરંતુ તે સમયસર નહીં આપી શકતા વેપારીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી અને તેને જ કારણે એમ્બ્રોડરીના વેપારીએ પોતાના જ કારખાનામાં આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાર્દિક સોરઠીયાએ પોતાના જ કારખાનામાં આપઘાત કર્યો
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને મયુર એસ્ટેટમાં એમ્બ્રોડરી મશીનનું કારખાનું ધરાવતા હાર્દિક સોરઠીયાએ પોતાના જ કારખાનામાં આપધાત કરી લીધો હતો. મૃતક હાર્દિક સોરઠીયાને પોતાના ધંધામાં દેવું થઈ ગયું હતું. જોકે તેમનો ધંધો એમરોડરીના વેપારીઓ સાથે જ હતો. મૃતક હાર્દિકને અલગ અલગ જગ્યાએથી ચાર લાખ રૂપિયા લેવાના હતા, જેની સામે તેને 15 લાખ રૂપિયા જેટલા નાણા ચૂકવવાના પણ હતા. મૃતક હાર્દિકને જે વેપારીઓને નાણાં ચૂકવવાના હતા તેઓ તેમની પાસે અવારનવાર પૈસાની ઉઘરાણીઓ કરતા હતા.
વેપારીઓ હાર્દિક પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરતા
સમગ્ર દેણાની વાત હાર્દિકે તેમના પિતાને કરી હતી તેમના પિતાએ પણ આ વેપારીઓ પાસે પૈસા ચૂકવવા બાબતે સમય માંગ્યો હતો પરંતુ વેપારીઓ દ્વારા સમય આપવામાં આવ્યો ન હતો અને આ વેપારીઓએ હાર્દિક પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતાં. પૈસા માંગતા વેપારીઓ હાર્દિકના કારખાને આવી અને ફોનમાં ઘણકીઓ આપતા હતા. વેપારીઓ ધમકી આપી હતી કે જો તેઓ સમયસર રૂપિયા નહીં આપે તો દિવાળી સમયે તેમના એમ્બ્રોડરી મશીનો વેચી અને તેઓ રૂપિયા લઈ લેશે તેમજ સોસાયટીમાં જાહેરમાં તેમને બદનામ કરશે જેથી લાગી આવતા હાર્દિકે કારખાનામાં આપઘાત કર્યો હતો.
પિતા દ્વારા આપઘાત મામલે દુષ્પપ્રેરણાનો ગુનો નોંધાવ્યો
હાર્દિક સોરઠિયાના આપઘાત બાદ તેના પિતાએ નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કલ્પેશ ગજેરા, નીરજ ગજેરા, જીગ્નેશ માધાણી, દીપક ભાદાણી અને જગદીશ બલર નામના એમરોડરીના વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પાંચેય વેપારીઓ દ્વારા મૃતક હાર્દિક પાસે પઠાણી ઉઘરાણી કરી પૈસાની માંગણી કરતા હતા. જોકે હાર્દિક અને તેમના પિતા પૈસા આપવા તૈયાર હતા જેના બદલામાં થોડો સમય માંગ્યો હતો પરંતુ આ વેપારીઓ દ્વારા સમય આપવામાં આવ્યો ન હતો અને ધાક ધમકીઓ આપવામાં આવી હતી. જેને કારણે હાર્દિકે કારખાનામાં આપઘાત કરી લીધો હતો. હાલ તો સમગ્ર મામલે પિતા દ્વારા આપઘાત મામલે દુષ્પપ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે